કોરોના દરમિયાન લોકોને એક શબ્દ વારંવાર સાંભળવા મળ્યો હતો અને તે હતો સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. (Supply Chain Management) કોરોનાના લીધે સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં અવરોધ આવતા સમગ્ર વિશ્વમાં લગભગ દરેક સેક્ટરમાં પુરવઠાની અછત ઊભી થઈ છે. હવે જો સપ્લાય ચેઇનની ગંભીરતાને સમજનારાઓ કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાઓ(Salt Maker) ની સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આપે તો દેશના લગભગ અડધા ભારતીયોનું જીવન મીઠા વગરનું થઈ જશે.
હા, આ સમસ્યા છે કચ્છના અગરિયાઓની. કોઈને પણ થાય કે કચ્છના અગરિયાઓની એવી તે કઈ સમસ્યા છે જેના લીધે અડધા ભારતે મીઠા વગર રહેવાના દિવસો આવશે. અહીં જાણો લો કે કચ્છના અગરિયા આખા ભારતમાં થતાં મીઠામાં 40 ટકા હિસ્સો ધરાવે છે. હવે અહીં જરા પણ તકલીફ પડે એટલે સીધા ભારતને મળતાં 40 ટકા મીઠાના પુરવઠાને અસર પડી તેમ કહેવાય.
હવે જો તંત્રએ ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાની નજીક આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની સમસ્યા પર ધ્યાન ન આપ્યું અને તેના કારણે મીઠાની સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં અવરોધ ઊભો થયો તો તેના માટે જવાબદાર હોદ્દેદારો પર તંત્ર ચોક્કસ મીઠુ વાટશે.
સુરેન્દ્રનગર જિલ્લાની નજીક આવેલા કચ્છના નાના રણમાં નર્મદા કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા રણમાં મીઠુ પકવતા અગરિયાઓના પાટા ધોવાયા છે. તેની સાથે રણ પણ જાણે દરિયો બની ગયો હોય તેમ બેટમાં ફેરવાયું છે. આના લીધે મીઠું પકવતા ગરીબ અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળતાં તે કફોડી સ્થિતિમાં મૂકાયા છે.
કચ્છના નાના રણનો ઘણો બધો હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પથરાયેલો છે. આ નાનું રણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાગંધ્રા તાલુકામાં આવેલું છે. આ રણમાં અગરીયાઓ કાળી મજૂરી કરીને મીઠું પકવતા હોય છે. અગરિયાઓ ટાઢ તડકો જોયા વગર વર્ષના નવથી દસ મહિના કાળી મજૂરી કરીને મીઠું પકવે છે. મીઠુ પકવતા લગભગ પાંચ હજાર અગરિયા પરિવાર તેના પર નભે છે. તેઓ ઠંડી કે 50 ડિગ્રી તાપમાનમાં પણ રણમાં ઝુંપડા બાંધીને રહે છે અને મીઠું પકવે છે.
હવે દેશનું લગભગ 40 ટકા મીઠું પકવતા અગરીયાઓને વિશેષ મદદની વાત તો આપવાની બાજુએ રહી, પણ સરકારની અણઆવડત અને તંત્રની બેદરકારીનો ભોગ અગરિયા છેલ્લાં એક કે બે વર્ષથી નહીં પણ 15-15 વર્ષથી બને છે. તંત્ર દ્વારા નર્મદાના વેસ્ટ વોટરને રણમાં છોડવામાં આવતા આ અગરીયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. ધ્રાગંધ્રા અને પાટડી તાલુકાના નિમકનગર, કોપરણી, કુડા, ખારાઘોડા સહિતના લગભગ પાંચ હજાર અગરિયાઓ રણમાં પાટા ભરીને મીઠાની ખેતી કરી છે. પણ તંત્રની તુમારશાહી કે અવળચંડાઈ ગમે તે કહો પણ રણમાં આ રીતે પાણી છોડીને હજારો અગરિયાઓને રીતસરના ભૂખે મરવું પડે તેવી સ્થિતિ સર્જવામાં આવી રહી છે.
કચ્છના નાના રણમાં હાલમાં અગરિયાઓએ પાટા ભરીને મીઠું પકવેલ છે, પરંતુ નર્મદા નિગમની કરોડો લિટર પાણીની કેનલ ઓવર ફ્લો થતાં કેનાલમાં બકનળીઓ મૂકવામાં આવતા કેનાલોનું પાણી રણમાં વાળવામાં આવ્યું છે. તેના લીધે આ પાણી આખા રણમાં ફરી વળ્યું છે અને રણ જાણે કે એક આખા બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.
રણમાં નર્મદાનું પાણી આવવાના લીધે લગભગ ત્રણસો જેટલા મીઠાના પાટા પાણીમાં ગરકાવ થતાં અગરિયાઓનું મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે પકવેલું મીઠું ધોવાતા અગરિયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. પહેલા બીજું બધું જવા દઈએ અગરિયાઓને થયેલા આ નુકસાનનું વળતર કોણ આપશે, શું આ રીતે રણમાં પાણી છોડનાર નર્મદા નિગમ અગરિયાઓને થયેલા નુકસાનનું વળતર આપશે કે પછી સરકાર આ વળતર આપશે.
આ રીતે પાણી છોડનારા નિગમને ખબર નથી કે તેઓ ગરીબ અગરિયાના પેટ પર પાટુ મારી રહ્યા છે. આ જોતાં તો નર્મદા નિગમ છેલ્લા 15 વર્ષથી આ રીતે પાણી છોડીને અગરિયાઓના પેટ પર લાતો મારી રહ્યુ છે અને દેશને 40 ટકા મીઠું પૂરુ પાડતા અગરિયાઓને જંગી વળતર ચૂકવવું પડે તેમ છે, પણ ગરીબની વાત સાંભળે કોણ.
અગરિયાઓની પરિસ્થિતિ એટલી દયનીય છે કે તેઓ કહે છે કે રણમાં નર્મદા કેનાલનું પાણી અમારા માટે અભિશાપ છે, નર્મદા નિગમના બાબુઓ તાત્કાલિક પાણી બંધ કરે, નહીં તો અગરિયાઓ પાયમાલ થઈ જશે. સામાન્ય રીતે નર્મદાના પાણી માટે વલખા મારવામાં આવે છે, પરંતુ આ જ નર્મદાનું પાણી રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે અભિશાપ છે. તેના લીધે તેમનો મીઠાનો ધંધો જ ખતમ થઈ જાય છે, તેઓને લાગે છે કે નર્મદા નિગમ આ રીતે પાણી છોડીને રીતસર અમારા પર મીઠું વાટી રહ્યુ છે.
અગરિયાઓનું કહેવું છે કે તંત્રને બીજું કોઈ ન મળ્યું અને અમારા જેવા ગરીબ જ મળ્યા. કીડીને કંઈ કોશનો ડામ દેવાતો હશે, તંત્ર આગળ અમારું શું ગજું, અમારે તંત્ર પાસેથી કશું જોઈતું નથી, અમને અમારી રીતે જીવવા દે એટલે બહુ અને અમને નડે નહીં એટલે બસ અમારે શાંતિ.
આટલા વર્ષોથી આ રીતે છોડવામાં આવતા પાણીને લઈને નર્મદા નિગમે હજી સુધી ફોડ પાડ્યો નથી. આ સંજોગોમાં અગરિયાઓ જો નુકસાન વળતરનો દાવો કરે નિગમે કેટલી રકમ ચૂકવવાની આવી શકે તેની કોઈપણ પ્રકારની કાયદાકીય સમીક્ષા પણ તેમણે કરી નથી. આના પરથી અંદાજ આવે છે કે ગરીબો પ્રત્યેનો નિગમનો અભિગમ કેવો છે, અગરિયા આટલા વર્ષોથી બૂમો પાડે છે છતાં પણ નીંભર નિગમ કોઈ જવાબ આપતું નથી. આ તો રીતસર એમ જ લાગે છે કે પાણીનું સંચાલન કરતાં નિગમમાં જ પાણી નથી.
આશ્ચર્યની વાત એ છે કે ગરીબ અગરિયાઓ વર્ષોથી આ રીતે બૂમો પાડતા હોવા છતાં તેની વાત કેમ કોઈના કાન સુધી પહોંચતી નથી, શું આપણે ત્યાં તે શિરસ્તો બની ગયો છે કે કોઈપણ બાબત રાજકીય વિવાદનો મુદ્દો બને નહીં ત્યાં સુધી તેનો ઉકેલ ન લાવવો. રાજકારણીઓ ઝંપલાવે નહીં ત્યાં સુધી કોઈ સમસ્યાનો ઉકેલ જ ન લાવવો. હવે અગરિયાઓના કિસ્સામાં પણ આ જ સ્થિતિ સર્જાશે? તંત્રએ અગરિયાઓની આ સ્થિતિની જવાબદારી લેવી જ પડશે, ગરીબને આ રીતે પાયમાલ કરીને બેહાલ સ્થિતિમાં કઈ રીતે મૂકી શકાય. અગરિયા માટે તંત્રએ કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ જોઈએ. છેવટે કંઈ નહીં તો આ નુકસાન બદલ પેકેજ તો આપવું જ જોઈએ, કોઈની આજીવિકા જ છીનવી લેવાય તો તેને કંઇક તો વળતર આપવું પડેને, અગરિયાઓને તંત્ર યોગ્ય વળતર આપે તે જ સમયની માંગ છે.
આ પણ વાંચો: સાંતલપુરમાં અગરિયાઓના આમરણાંત ઉપવાસ, ન્યાય ન મળે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
આ પણ વાંચો: હાઇકોર્ટે નાના રણમાં મીઠુ પકવવાના મુદ્દે અગરિયાઓને રાહત આપી
