MANTAVYA Vishesh/ જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં ઉતર્યા ગેનીબેન, અમિત ચાવડા અને ગુલાબસિંહ

જિજ્ઞેશ મેવાણીએ વાવ થરાદમાં દારૂના દૈત્યને લઈને ત્યાંના સામાન્ય લોકોનો અવાજ બનતા પોલીસ તંત્ર પર પ્રહારો કર્યા હતા. તેમણે થરાદના શિવનગરમાં વ્યાપેલી દારૂની બદીને લઈને દેખાવ કરતી બહેનોની વચ્ચે જણાવ્યું હતું કે પોલીસ પણ આ સાંભળી લે પટ્ટા તમારા ઉતરશે મારા નહી.

Mantavya Vishesh
જિજ્ઞેશ મેવાણી અને ડીજીપી વિકાસ સહાય

જિજ્ઞેશ મેવાણી પર પ્રહારો થવાના પગલે કોંગ્રેસના આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા

જિજ્ઞેશ મેવાણીએ વાવ થરાદમાં દારૂના દૈત્યને લઈને ત્યાંના સામાન્ય લોકોનો અવાજ બનતા પોલીસ તંત્ર પર પ્રહારો કર્યા હતા. તેમણે થરાદના શિવનગરમાં વ્યાપેલી દારૂની બદીને લઈને દેખાવ કરતી બહેનોની વચ્ચે જણાવ્યું હતું કે પોલીસ પણ આ સાંભળી લે પટ્ટા તમારા ઉતરશે મારા નહી. આ નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. સ્વાભાવિક રીતે આના શાસક પક્ષમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને હર્ષ સંઘવીએ પોલીસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોઈ તમારા પટ્ટા ઉતરાવી લે તો ચિંતા ન કરતાં, તેના પછી ડીજીપી વિકાસ સહાયે પણ આડકતરી રીતે જિજ્ઞેશ મેવાણીની ટીકા કરી હતી.

આટલું ઓછું હોય તેમ પોલીસ બેડામાં પણ આ ટિપ્પણીના પ્રત્યે આક્રોશ જોવા મળતા પોલીસોના કુટુંબીઓ પણ રસ્તા પર ઉતર્યા હતા અને જિજ્ઞેશ મેવાણી પર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓનું કહેવું હતું કે આ પોલીસના પટ્ટા અમને કંઈ કોઈની ભલામણથી મળ્યા નથી તો આમ ઉતરી જાય. અમારી મહેનતથી જ મળ્યા છે અને ટકશે પણ અમારી મહેનતથી જ.  દેખાવકારોએ આ દરમિયાન સૌરાષ્ટ્રમાં ફરી રહેલી કોંગ્રેસ જનાક્રોશ યાત્રાને પણ લક્ષ્યાંક બનાવી હતી અને તેની સામે કાળા વાવટા ફરકાવ્યા હતા.

જિજ્ઞેશ મેવાણી પર પ્રહારો થવાના પગલે કોંગ્રેસના આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા હતા અને ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા અને ગુલાબસિંહ ચૌહાણે તંત્ર પર વળતા પ્રહારો કર્યા હતા. ગેનીબેને જણાવ્યું હતું કે જિજ્ઞેશ મેવાણી પર આરોપ લગાવનારા અને તેની સામે દેખાવ કરનારા પહેલા પોતાનું જુએ. તેમણે કટાક્ષ કર્યો હતો કે કાચના ઘરો પર રહેનારા લોકો બીજાના ઘરો પર પથ્થર મારી શકતા નથી. એકબાજુએ દારૂના હપ્તા લેવા અને બીજી બાજુએ તેનો વિરોધ કરનારા પર પ્રહારો કરવા તે કેવી વાત છે. તેમને તો જાણે હેડ અને ટેલ બંને જોઈએ છે તેવું લાગે છે.

ગેનીબેને સ્પષ્ટ જણાવ્યું હતું કે તંત્ર પોતે બદીઓ સામે લડવાના બદલે બદીઓ સામે લડનારાની સામે લડવા ઉતરી પડ્યુ છે. આ તો એવું લાગે છે કે રાજ્યમાં બદીઓ ફેલાય તો તેની સામે પડવું ગુનો થઈ ગયું છે. જિજ્ઞેશ મેવાણી તંત્રની ખામીઓ બતાવી રહ્યો છે તો ખામીઓ સુધારવાની વાત તો બાજુએ રહી, પરંતુ ચોર સીનાચોરી કરે તેમ તંત્ર દાદાગીર કરવા પર ઉતરી આવ્યું છે અને બદીઓ સામે લડનારની સામે જાણે તંત્રએ પોતે જ બાંયો ચઢાવી દીધી છે. શું તંત્રની ફરજ નથી કે દારૂના અડ્ડાઓ બંધ કરાવે, બૂટલેગરોને જેલભેગા કરે. એક દારુમુક્ત સમાજની રચના કરે, પણ  પીનારા હોય તો તેને પૂરું પાડનારા પણ મળી જ જાય.

હાલમાં જનાક્રોશ યાત્રા કાઢનારા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ વિવાદમાં ઝૂકાવતા જણાવ્યું હતું કે મેવાણીની દારૂના હપ્તાની વાત તંત્રને બરોબરની ચટી ગઈ છે. જાણે કોઈ ડંખ માર્યો હોય તેવી લાગણી તેમને મેવાણીની વાતના કારણે થઈ રહી છે. બાકી આ જડ અને નીંભર તંત્ર કોઈને ગાંઠે છે ક્યાં, લોકો રજૂઆતો કરી-કરીને થાકી ગયા, પણ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નહી ત્યારે જિજ્ઞેશ મેવાણીએ ત્યાં પહોંચવુ પડ્યુ. હવે જો તંત્રએ લોકોની ફરિયાદના પગલે કાર્યવાહી કરીને બૂટલેગરોને જેલભેગા કરી દીધા હોત તો પછી મેવાણીએ આવું શેનું પડ્યું હોત તંત્ર પોતાની મૂળભૂત ફરજ ચૂકે અને પછી પ્રજાના પ્રતિનિધિને લક્ષ્યાંક બનાવે તે ક્યાંનો ન્યાય. તેમણે જણાવ્યું હતું કે લોકોને જો દારૂનો નશો છે તો તંત્રને હપ્તાનો નશો છે, એટલે તો દારૂના અડ્ડાની ફરિયાદ પર કાર્યવાહી કરતું નથી, કારણ કે તે હપ્તાના નશામાં મસ્ત છે.

અન્ય આગેવાન ગુલાબસિંહ ચૌહાણે પણ મેવાણીને લઈને તંત્રની ઝાટકણી કાઢી હતી. તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે શાસક પક્ષ ભૂલી ગયો લાગે છે કે તે વિપક્ષમાં નથી સત્તા પર છે. તેથી દેખાવો તેણે ન કરવાના હોય, વિપક્ષે કરવાના હોય. આમ જિજ્ઞેશ મેવાણી સામે જે પણ દેખાવો થયા તે દેખાવ શાસક પક્ષ પ્રેરિત હોવાનો દાવો તેમણે કર્યો હતો. બાકી આટલા સમય સુધી કોઈ દેખાવો થયા નથી તો પછી હવે કેમ થયા નથી. દારૂની બદી હવે ક્યાંય કોઈ છૂપી વાત નથી. અહીં તો કયું પોલીસ સ્ટેશન હપ્તા લેતું નથી તે મોટો સવાલ છે. હપ્તા ના લેતા હોય તેને કશું લાગું પણ પડતું નથી, પણ એક તો હપ્તા પણ લેવા અને પાછા શાહુકાર છે તેવો દેખાવ પણ કરવો તેવું ક્યાંથી શક્ય બને. આવું બે મોઢાનું ચરિત્ર તેમને મુબારક, અમને તો અમારી પ્રજા જ મુબારક

તેમનો દાવો હતો કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની જાણે જુગલબંધી થઈ ગઈ છે. તંત્ર માટે તો જાણે બે-બે હપ્તાની સ્કીમ શરૂ થઈ ગઈ લાગે છે. પણ અમે તો નક્કી કર્યુ છે કે અમે કોઈપણ ભોગે આ બદીને ડામીશું. અમે અમારા વિસ્તારમાં પણ આ બદીને ડામવા માટે સક્રિય છીએ. તંત્રને એટલું જ કહેવું છે કે જિજ્ઞેશભાઈ પર ઠીકરા ફોડીને શું મેળવી લેશો, જિજ્ઞેશ મેવાણી પાંચ વર્ષ તો ધારાસભ્ય રહેવાના જ છે અને આવી એક નહીં અનેક બદીઓ સામે અવાજ ઉઠાવતા રહેશે, પરંતુ તંત્રએ જો જિજ્ઞેશ મેવાણીને ખરેખર બોલતા બંધ કરવા હોય તો તે આ બદીઓને ડામવાની કાર્યવાહી કરે, મેવાણીએ બોલવાની પણ જરૂર નહીં પડે. બાકી તંત્ર દેખાવોની દાદાગીરી કરીને મેવાણીનું મોઢું ચૂપ નહીં કરાવી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !

આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા

આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો