ઘણી વખત અંધારામાં છોડેલું તીર પણ નિશાના પર વાગી જતું હોય છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) અને ગુજરાત એટીએસના કિસ્સામાં મહદ અંશે આવું જ થયું છે…. તેઓએ પાલડીમાં મહાલક્ષ્મી ચાર રસ્તા નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યારે તો જાણે તેમના હાથમાં કુબેરનો ખજાનો લાગ્યો હોય તેવી સ્થિતિ હતી….
આખો ફ્લેટ ભરીને સોનું, સોનાના દાગીના, કરોડો રોકડા રૂપિયા અને મોંઘી-મોંઘી ઘડિયાળો તેમના હાથે લાગી હતી…. બંને વિભાગના અધિકારીઓ આ બધુ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા…. તેમને જાણે કોઈ રાજાનો ગુપ્ત ખજાનો મળી ગયો હોય તેવી મનોસ્થિતિ હતી…. સોનું એટલું બધુ હતું બંને વિભાગોએ સોનીની ફોજ ઉતારવી પડી હતી… આ ફ્લેટમાંથી સોનું તોલા જેટલું નહીં પણ કિલોના કિલો સોનું હતુ….
સરકારે આ અંગે કરેલી જાહેરાત મુજબ તો 88 કિલોગ્રામ સોનાની લગડીઓ અને લગભગ 20 કિલોગ્રામ સોનાના ઘરેણા મળી આવ્યા છે…. આમ કુલ 100 કરોડથી વધારે કરોડ રૂપિયાનું સોનું આ દરોડામાં મળી આવ્યું છે…. મોટાભાગની લગડીઓ પર વિદેશી માર્ક છે અને આ તેનો પુરાવો છે કે સોનાની આ લગડીઓ દાણચોરી દ્વારા વિદેશમાંથી લાવવામાં આવી હતી….
આ તપાસમાં સોના ઉપરાંત દસ કરોડ રૂપિયાની રોકડ, હીરાજડિત પેટેક ફિલિપ ઘડિયાળ, જેકબ એન્ડ કંપનીની ઘડિયાળ તથા ફ્રેન્ક મુલર ઘડિયાળ સહિતની 11 લક્ઝરી ઘડિયાળો જપ્ત કરવામાં આવી હતી…. ડીઆરઆઈ આ ફ્લેટ પર લાંબા સમયથી નજર રાખી રહી હતી અને આ માટે ડીઆરઆઇના અધિકારીઓ અહીં ફેરિયા તરીકે પણ ફર્યા હતા… છેવટે તેમને આના અંગે ચોક્કસ બાતમી મળી હતી…. આ ફ્લેટમાં રાતે જ દર વખતે જુદી-જુદી વ્યક્તિઓ બેગ લઈને આવતી હોવાના લીધે સ્થાનિકોને શંકા ગઈ હતી. સ્થાનિકોની આ શંકાની વિગત છેક ગુજરાત એટીએસના સ્થાનિક બાતમીદારો સુધી પહોંચી હતી. તેના પછી આ આખા ઓપરેશને આકાર લીધો હતો….
શેરબજારના ઓપરેટર પિતાપુત્રની જોડી મહેન્દ્ર અને મેઘ શાહે કલોલની મહિલા પાસેથી આ ફ્લેટ ભાડે લીધો હતો… બંને જણા મુંબઈમાં રહે છે…. આ જોડી તેમના સાગરિતો સાથે મળીને ખોખા કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘરભેગા કરતી હતી…. તેમનું કામ જ હતું લોકોના બ્લેકના નાણા ફેરવવાનું અને આ નાણા વ્હાઇટ કરી આપવાનું…. પિતાપુત્રની આ જોડી 15થી 20 ટકા કમિશન લઈને બિલ્ડરો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓના બ્લેકના વ્હાઇટ કરી આપતી હતી….
હવે પિતાપુત્રની આ જોડીએ શેરબજારમાં લાખો નાના રોકાણકારોને કરોડો રૂપિયામાં નવડાવ્યા છે… કાળીયા તરીકે જાણીતા મહેન્દ્ર શાહ અને મેઘ શાહની જોડી પાસે હવાલાના અને બ્લેકના કરોડો રૂપિયાનો હિસાબ હોવાનું મનાય છે….આ બધાની વિગતો તેમને ત્યાંથી પકડાયેલા ચોપડામાંથી પણ મળી શકે છે…. આના પગલે હવાલાના કરોડો રૂપિયાના હિસાબો તથા કૌભાંડનો પણ પર્દાફાશ થઈ શકે છે… આમ પણ પિતાપુત્રની જોડીને ત્યાં દરોડા પડતા તેમને ત્યાં બ્લેકના વ્હાઇટ કરાવવા આવતા કેટલાય લોકોના પગ તળેથી જમીન ખસકી ગઈ હશે…
ગુજરાત એટીએસ પાસેથી આ અંગે વિશ્વસનીય બાતમી મળતા સેન્ટ્રલ આઇબી અને ડીઆરઆઇના અધિકારીઓને પણ જાણ કરવામાં આવતા તેની ટીમ તરત હરકતમાં આવી ગઈ હતી… તેમને જણાવવામાં આવ્યું હતું કે આ આખો કિસ્સો બ્લેક મનીનો છે… આના પગલે આગામી દિવસોમાં ઇડી પણ આ તપાસમાં જોડાય તો આશ્ચર્ય નહીં થાય, કારણ કે તેમા હવાલાની પણ વાત છે… કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓની સાથે એટીએસના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ અને અજીત ચાવડા ટીમો સાથે બપોરે બાર વાગે પહોંચ્યા હતા…. આ સમયે આવિષ્કાર ફ્લેટ નંબર 104માં લોક હતું….
અધિકારીઓએ ફ્લેટના સેક્રેટરી અને પ્રમુખને પૂછતા 104 નંબર કલોલમાં રહેતા કલ્યાણી સેઠનો હોવાની ખબર પડી હતી…. તેની સાથે આ ફ્લેટ તેમણે મેઘ શાહને આપ્યો હોવાનું તેમણે જાણ્યું હતું… તેના પછી એક સમયે તેમણે ફ્લેટ તોડવાનું પણ વિચાર્યું હતું…. તપાસ એજન્સીનો ફોન જતા મહેન્દ્ર શાહના વકીલ અને સંબંધી ચાવી લઈ આવી પહોંચતા ડીઆરઆઈ અને સેન્ટ્રલ આઇબીએ ગુજરાત એટીએસ સાથે મળી સર્ચ ઓપરેશન કર્યુ હતુ… તેમા સોનાનો આટલો જંગી જથ્થો ઝડપાયો હતો….
આ ઘટનાના પગલે મહેન્દ્ર-મેઘ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા છે… તેમણે ઓપરેટર તરીકે અને લોકોને બ્લેકના વ્હાઇટ કરી આપી કરોડો રૂપિયા ભેગા કર્યા છે… આ રૂપિયા દ્વારા અમદાવાદમાં જમીન અને મુંબઈમાં બંગલા ખરીદ્યા હોવાનું કહેવાય છે….એક જ ફ્લેટમાં તપાસ અભિયાન 24 કલાક ચાલ્યુ તેના પરથી જ કેટલી સંપત્તિ મળી હશે તેનો અંદાજ લગાવી શકાય છે….બિનસત્તાવાર વર્તુળોના જણાવ્યા મુજબ તો 400 કિલો સોનુ અને 100 કરોડ રોકડા મળ્યા હોઈ શકે, પરંતુ ડીઆરઆઇનો આંકડો જુદુ જ કહે છે….
હાલમાં તો સંપત્તિ અને કાગળિયા જ હાથમાં આવ્યા છે…. હવે ડીઆરઆઇ આ કેસમાં આગામી દિવસોમાં રહસ્યોદઘાટન કરી શકે તો ઠીક છે… બાકી આ પ્રકારના કેસોમાં બહુ-બહુ તો આવક કરતાં વધારે સંપત્તિનો કેસ બનાવીને જંગી દંડ વસૂલી આરોપીઓને છોડી દેવાય છે…. બીજી કોઈ કાર્યવાહી થતી નથી…. પિતાપુત્રની આ જોડી સામે અગાઉ પણ ભૂતકાળમાં કાયદાકીય ગાળિયા પડી ચૂક્યા છે, પણ તેમને આ પ્રકારના ગાળિયામાંથી નીકળવાની ફાવટ આવી ગઈ છે…. હવે આ વખતે તેઓ સફળ રહે છે કે નહીં તે જોવાનું રહેશે…..
આ પણ વાંચો:હવે પેસેન્જર ટ્રેનો પણ બની સુપરફાસ્ટ, દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે પ્રારંભ
આ પણ વાંચો:ગુજરાતમાં દોડશે દેશની પહેલી વંદે ભારત મેટ્રો, પહેલી ટ્રેન પહોંચી સાબરમતી, જાણો શું છે તૈયારીઓ
આ પણ વાંચો:મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન