ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને તો હજી બે વર્ષ કરતાં પણ વધુ સમયની વાર છે, પણ વર્તમાન શાસક પક્ષ અલગ જ માટીનો બનેલો છે. બધા જ નિરાંતનો શ્વાસ લેતા હોય ત્યારથી જ તે કામ કરવાનું શરૂ કરી દે છે. કોઈ માને કે ન માને પણ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને શાસક પક્ષે તેની તૈયારીઓ અત્યારથી જ મિશન મોડમાં શરૂ કરી દીધી છે.
સામાન્ય રીતે કોઈ ચૂંટણીમાં પક્ષ બેઠક હારે ત્યારે તેના કાર્યકરો નિરાશ થઈ જતાં હોય છે, પરંતુ વર્તમાન શાસક પક્ષમાં વાત જુદી રીતે લેવાય છે. તે પરાજય પછી બમણા જોરથી મહેનત કરે છે. વિસાવદરની ચૂંટણીમાં મળેલા પરાજયને પક્ષે એક બોધપાઠ તરીકે લીધો છે. ફક્ત આ પરાજયની સમીક્ષા જ થઈ નથી. પણ આ પરાજયના પડઘા હવે તેના પડઘા છેક કેબિનેટમાં થનારા ફેરફાર સુધી પડવાના છે.
આ પરાજય બાદ જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની અવારનવાર મુલાકાત કરી અને પીએમ મોદી પણ ગુજરાતમાં આવ્યા, જ્યારે હાલમાં કોઈ ચૂંટણી નથી. તેના પછી તરત જ કેન્દ્રીય પ્રધાન સી આર પાટિલે પ્રધાનમંડળમાં વિસ્તરણની વાત તરતી મૂકી. આ એક પછી એક ઘટનાક્રમ દર્શાવે છે કે પક્ષ કોઈ મોટી કવાયત હાથ ધરી રહ્યું છે.
હાલમાં આ કવાયત મંત્રીમંડળમાં વિસ્તરણની કહેવાય છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ડઝનેક મંત્રીઓ ઘરભેગા થઈ શકે છે, તેમાં અડધા કેબિનેટ તો અડધા રાજ્યકક્ષાના મંત્રીઓનો વારો પણ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સીએમ રૂપાણી સહિત આખી કેબિનેટનું રાજીનામુ માંગી લેવાયું હતું, તે સમયે આખુ ગુજરાત ભાજપ સડક થઈ ગયું હતું. ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતે પણ આ વાતના સાક્ષી છે.
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યની કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે, રાજકારણીઓ સત્તા ગુમાવી શકે છે, ન કલ્પ્યા હોય તેવા નામોને પણ પ્રધાનપદ મળી શકે છે અને કલ્પના ન હોય તેવા નામ પણ મંત્રીમંડળમાંથી બાકાત થઈ શકે છે. આમ ચંદ્રગ્રહણ ગુજરાતના ઘણા રાજકારણીઓને નડી જશે તેમ અંબાલાલ પટેલ કહે છે. તેમણે તો ચંદ્રગ્રહણની અસર દેશના રાજકારણ પર પણ જોવા મળશે ત્યાં સુધીની આગાહી કરી છે. છેક ડિસેમ્બર સુધી આ અસર જોવા મળી શકે છે તેમ તેમનું કહેવું છે.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પછી ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. આમ કેટલાય મંત્રીઓએ શ્રાદ્ધ પક્ષમાં તેમના હોદ્દાનું તર્પણ કરવાનું આવી શકે છે. જ્યારે કેટલાય નવા પ્રધાનોને આ જ શ્રાદ્ધપક્ષમાં નવો હોદ્દો અર્પણ પણ થઈ શકે છે.
બધા જાણે છે તેમ મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવા અને કોને લેવા તેનો નિર્ણય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ લેવાના છે. તેથી તાજેતરમાં તેમની આ મુલાકાતને બધા સેન્સ લેવાની પ્રક્રિયા તરીકે જોઈ રહ્યા છે.
શાસક પક્ષની ખાસિયત રહી છે કે તે તેના પર આવી પડેલી આફતને અવસરમાં પલ્ટી શકે છે. તેથી વિસાવદરની ચૂંટણીમાં થયેલા પરાજયને બોધપાઠ તરીકે લઈને ભાજપ હવે તેને તકમાં પરિવર્તીત કરવા માંગે છે. આ જ પરાજયને આધાર બનાવીને આગામી ચૂંટણીના વિજયમાં પરિવર્તીત કરવાની તૈયારી આરંભી દીધી છે.
આના જ ભાગરૂપે મંત્રીમંડળમાં બદલીનો ગંજીફો ચીપાવવાની તૈયારી આરંભી દેવામાં આવી છે. મંત્રીપદ માટે લાયક ચહેરાઓ માટે પક્ષના માપદંડોમાં જોઈએ તો લાંબા સમયથી જાહેરજીવનમાં હોય, સ્વચ્છ ઇમેજ હોય, પોતાના મતવિસ્તાર પર પક્કડ હોય, પોતાના સમાજમાં પણ સારું પ્રભુત્વ હોય તથા પક્ષના જ્ઞાતિગત સમીકરણમાં ફિટ બેસતા હોય તેવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવનારા છે.
તેથી આ માપદંડને ધ્યાનમાં રાખતા જયેશ રાદડિયા, હીરા સોલંકી, મહેશ કસવાળા, કૌશિક વેકરિયા, સંગીતા પાટિલની સાથે વર્તમાન સ્પીકર શંકર ચૌધરીનો નંબર પણ લાગી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નવા ચહેરાને તક મળે તો આશ્ચર્ય નહીં થાય. આમ પણ ભાજપના મંત્રીમંડળમાં દર વખતે કોઈને કોઈ ચોંકાવનારા નામો તો હોય જ છે. તેથી આ વખતે પણ કોઈ એકાદ ચોંકાવનારું નામ હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ.
હાલમાં જે મંત્રીઓનું પત્તુ કપાવવાનું છે તેમા બચુ ખાબડનું નામ ટોચ પર છે, કારણ કે મનરેગા કૌભાંડમાં તેમનું નામ કપાયું છે. આ સિવાયના બીજા નામોમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો સમાવેશ થાય છે.
આમ તાજેતરમાં જ થયેલું ચંદ્રગ્રહણ ગુજરાતમાં કયા-કયા મંત્રીઓની રાજકીય કારકિર્દીને ગ્રહણ લગાડી શકે છે. મંત્રીમંડળમાં થનારા આ ફેરફારોનું એક જ વિઝન હશે મિશન 2027ની ચૂંટણી. પીએમ મોદી જાણે છે કે ગુજરાતની ચૂંટણી જ 2029માં લોકસભામાં યોજાનારી ચૂંટણી પર તથા તેના પછી યોજાનારી બધી જ વિધાનસભા ચૂંટણીઓ પર અસર પાડશે. તેથી જ તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કોઈપણ રીતે હળવાશથી લેતા નથી. તે ગુજરાતની વિધાનસભા ચૂંટણીને તેના પછી યોજાનારી બધી જ વિધાનસભાઓની અને લોકસભાની ચૂંટણીના પાયા તરીકે જુએ છે. તેથી જ તેની તૈયારીઓને લઈને કોઈ કસર બાકી રાખવા માંગતા નથી. કેબિનેટમાં થનારો ફેરફાર આ દિશામાં લેવાયેલું સૌપ્રથમ પગલું છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
