MANTAVYA Vishesh/ સહકારી ક્ષેત્રની ચૂંટણીઃ ભાજપના અસંતુષ્ટોનો નવો મુકામ

સહકારી ક્ષેત્રની ચૂંટણી ભાજપના અસંતુષ્ટો માટે નવો મુકામ બની ગઈ છે. આ ચૂંટણી ભાજપના અસંતુષ્ટો માટે જાણે પક્ષના મેન્ડેટને ફગાવી દેવાનું અને એક જૂથ તરીકે પોતાની તાકાત બતાવવાનું માધ્યમ બની ગઈ છે. આમ ભાજપના જ જૂથો હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટને જાણે કાયમ માટે અલવિદા આપી દેવાની ફિરાકમાં હોય તેમ લાગે છે.

Mantavya Vishesh

સહકારી ક્ષેત્રની ચૂંટણી ભાજપના અસંતુષ્ટો માટે નવો મુકામ બની ગઈ છે. આ ચૂંટણી ભાજપના અસંતુષ્ટો માટે જાણે પક્ષના મેન્ડેટને ફગાવી દેવાનું અને એક જૂથ તરીકે પોતાની તાકાત બતાવવાનું માધ્યમ બની ગઈ છે. આમ ભાજપના જ જૂથો હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટને જાણે કાયમ માટે અલવિદા આપી દેવાની ફિરાકમાં હોય તેમ લાગે છે.

જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ ઇફકો અને નાફેડની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટને ફગાવીને પણ સત્તા મેળવી તેના પછી પક્ષના બીજા અસંતુષ્ટોમાં પણ હવે મેન્ડેટને ફગાવી દેવાની હિંમત આવી ગઈ છે. આ બંને આગેવાનોએ પક્ષના મેન્ડેટને ફગાવી દીધા પછી પણ વિજય મેળવવામાં સફળતા મેળવી હતી. તેના પરથી પક્ષના અસંતુષ્ટો એટલું તો સમજી જ ગયા છે કે જો આપણી આપણા મતો પર પક્કડ હોય અને આપણા વિસ્તાર પર પ્રભાવ હોય તો પક્ષના મેન્ડેટની પણ એસી કી તૈસી કરી શકાય છે.

પક્ષનો મેન્ડેટ ફગાવનારા જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીનું પક્ષ કશું બગાડી શક્યો નથી. બંને નેતાઓએ રીતસર તેમની તાકાતનું પ્રદર્શન કર્યુ છે, તે બતાવે છે કે પક્ષ વગર તેઓ તાકાતવર જ છે. આમ વિઠ્ઠલ રાદડિયાએ ઊભો કરેલો જનાધાર જયેશ રાદડિયાને કામ આવ્યો છે તો દિલીપ સંઘાણીને સહકારી ક્ષેત્રમાં તેમણે વર્ષો સુધી કરેલી મહેનત કામ આવી ગઈ છે.

આ ઘટના પછી શાસક પક્ષની અંદરના જ દરેક જૂથમાં પોતાની તાકાત બતાવવાની જાણે હોડ લાગી છે. તેના પગલે તેઓ હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીને પક્ષના માળખાની અંદર જ રહીને પોતાની તાકાતનું પરીક્ષણ કરવાનું માધ્યમ લાગે છે. તેઓને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે તો પણ તેની કોઈ ચિંતા નથી. બળવાખોરો એટલું તો સમજી ગયા છે કે જે પણ કરવું હોય તે જાતે કરો, પોતાનો પ્રભાવ હોય તો પછી બીજી કોઈ ચિંતાની જરૂર નથી.

દૂધધારા ડેરી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટની સામે જનારા અરૂણસિંહ રાણા અને બીજા કાર્યકરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પણ અહીં ફરક વિજય અને પરાજયનો છે, તેઓ ચૂંટણી હારી ગયા હતા. હવે જો તેઓ જયેશ રાદડિયાની જેમ ચૂંટણી જીતી ગયા હોત તો પક્ષ તેમને સસ્પેન્ડ કરવાની હિંમત કરી શકત અથવા તો સસ્પેન્ડ કર્યા હોત તો પણ પાછું ખેંચી લેત તેવા સવાલો ભાજપના આંતરિક વર્તુળોમાં પૂછાઈ રહ્યા છે.

આમ ગુજરાતમાં અમુલ સહિત કુલ 33 ડેરી સંઘો છે. બધા પર ભાજપની પક્કડ છે. આ સંજોગોમાં હવે વિપક્ષ જેવું જ કશું નથી તે સંજોગોમાં ભાજપની અંદર આંતરિક હુંસાતુંસી થવી સ્વાભાવિક છે. પક્ષની અંદર જ દરેક જૂથ બીજા જૂથ પર હાવી થવાનો પ્રયત્ન કરવાનો જ. જયેશ રાદડિયાએ જાણે ફક્ત પોતાનો જ નહીં પણ પક્ષના અસંતુષ્ટો માટે દરવાજો ખોલી આપ્યો છે. તેથી હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી પક્ષના અસંતુષ્ટોના પક્ષ સામેના અસંતોષને બતાવવાનું માધ્યમ ચોક્કસ બનવાની.

સહકારી ક્ષેત્રમાં દૂધધારા ડેરીની ચૂંટણી તાજેતરમાં પૂરી થઈ. તેમા પક્ષના મેન્ડેટવાળા ઉમેદવારો જીત્યા અને પક્ષના મેન્ડેટનું પાલન ન કરનારા ઉમેદવારો પરાજીત થયા. હવે બનાસ ડેરીની ચૂંટણી યોજાવવાની છે. તેમા પણ દૂધધારા ડેરીવાળી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ પ્રકારે મેન્ડેટના થતા ઉલાળિયાથી પક્ષની નેતાગીરી પણ ચિંતામાં પડી ગઈ છે. જાણે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપ હોય જ નહીં તે રીતે ઉમેદવારો વર્તવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો સંદેશો ટોચની નેતાગીરીને પાઠવી રહ્યા છે.

બળવાખોરો તો એમ જ કહે છે કે આ તો સહકારી ક્ષેત્રની જ ચૂંટણી છે. તે કોઈ પક્ષના બેઝ પર લડાતી નથી, પરંતુ પશુપાલકોના હિત માટે લડાય છે. આમ ભાજપની અંદર આંતરિક જૂથવાદ હવે માઝા મૂકી રહ્યો છે. દરેક જણને સત્તા લેવી છે અને સત્તા કે હોદ્દો ન મળતાં તે અસંતુષ્ટ બની જાય છે. તે કોઈને કોઈ રીતે તેનો અસંતોષ દર્શાવવાનો પ્રયત્ન કરે છે.

આ અસંતોષ દર્શાવવામાં સહકારી ક્ષેત્ર જાણે મોટું પ્લેટફોર્મ બનીને ઉભરી આવ્યું છે. ભાજપના અસંતુષ્ટ આગેવાનો માટે સહકારી ક્ષેત્ર જાણે આકડે મધ હોય તેવી સ્થિતિ છે. તેથી તેઓ પક્ષ અને સરકારમાં હોદ્દો ન મળે તો કંઈ નહીં પણ સહકારી ક્ષેત્રમાં તો ઝુકાવો અને સત્તા મેળવી ત્યાં પોતાની સત્તા મજબૂત કરો. આના પગલે બધા અસંતુષ્ટોની દોટ સહકારી ક્ષેત્ર ભણી લાગી છે. આ રીતે તેઓ અહીં પોતાની તાકાત પણ બતાવવા માંગે છે અને તેની સાથે તે પણ દર્શાવવા માંગે છે કે જો પક્ષે તેમને સત્તા સોંપી હોત તો તે કેટલું કરી શકત.

આ અસંતુષ્ટો હવે પક્ષ માટે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છે કે પક્ષ જાણે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ડેટ આપવાનું જ ભૂલી જાય. આમ ભાજપના આંતરિક રાજકારણનો આખો ડખો સહકારી ક્ષેત્રમાં ટ્રાન્સફર થયો હોય તેમ રાજકીય સમીક્ષકો કહે છે. તેની સાથે સહકારી ડેરીમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર હોવાથી તેઓને પણ આકડે મધ દેખાઈ રહ્યુ છે. હવે તાજેતરમાં ચૂંટણી પૂરી થઈ તે દૂધધારા ડેરીની જ વાત કરીએ તો તેનું 900 કરોડનું ટર્નઓવર છે. હવે કોને તેમા રસ ન પડે.

બનાસ ડેરીની ચૂંટણીમાં જ જોઈએ તો શંકરભાઈ ચૌધરી અને ભાવાભાઈ બિનહરીફ ચૂંટાયા છે. કુલ આઠ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ રાધનપુર  બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમની ચૂંટણીએ દર્શાવ્યું હતું કે તેમની લોકપ્રિયતા અને વર્ચસ્વ બંને અકબંધ છે. શંકર ચૌધરીનું ફોર્મ પણ તેમના પ્રતિનિધિએ ભર્યુ હતુ. હાલમાં તો આઠ બેઠકો આ રીતે બિનહરીફ થવી તે બનાસ ડેરીમાં હાલમાં સુમેળભર્યુ વાતાવરણ છે તેનું પ્રતિબિંબ પાડે છે. બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી આઠ બેઠક બિનહરીફ થતાં અડધોઅડધો ચૂંટણી સાવ બિનહરીફ થઈ છે.  આમ હાલમાં તો અહીં અસંતોષના કોઈ વાવડ દેખાતા ન હોવાથી મોવડીમંડળે હાશકારો લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર