MANTAVYA Vishesh/ AAPના MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે : મનસુખ વસાવાનો આક્ષેપ

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધડબડાટી બોલાવી છે. તેમણે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના કાર્યપાલક ઇજનેરે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ચૈતર વસાવાએ આ પ્રકારના આરોપને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે આ આરોપો એકદમ પાયાવિહોણા છે.

Mantavya Vishesh

નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બન્યો તો તેને લઈને લગભગ ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય સુધી વિવાદ ચાલ્યો. તેના પછી તેની કેનાલોના કામ વિવાદમાં છે. હવે નર્મદા જિલ્લો બન્યો તો આ જિલ્લો પણ વિવાદોમાં સપડાયેલો છે. લાગે છે કે કવિ નર્મદની જેમ નર્મદા નામ પણ જાણે વિવાદોમાં સપડાયેલા રહેવા માટે જ જાણીતું બની ગયું છે.

હાલમાં નર્મદા જિલ્લાના રાજકારણમાં આદિવાસી વોટબેન્ક પર કબ્જા માટે શાસક અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. તેના ભાગરૂપે શાસક અને વિપક્ષ બંને દ્વારા એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને આક્ષેપોનું રાજકારણ ગરમાગરમ ભજિયા જેવું રહે છે. કદી ઠંડુ પડતું જ નથી. શિયાળાની ઠંડી પણ આ વિવાદોને ઠંડા પાડી શકી નથી. એક વિવાદ પૂરો થાય અને બીજો શરૂ થાય છે.

આ વખતનો વિવાદ અધ્યાય ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધડબડાટી બોલાવી છે. તેમણે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના કાર્યપાલક ઇજનેરે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ચૈતર વસાવાએ આ પ્રકારના આરોપને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે આ આરોપો એકદમ પાયાવિહોણા છે.

ફક્ત એટલું જ નહીં ચૈતર વસાવા આ વાતને લઈને છેક કલેક્ટર પાસે ગયા હતા અને તેમણે કલેક્ટરને પૂછ્યું હતું કે મેં ક્યારેય આ પ્રકારની લાંચની માંગ કરી છે. કલેક્ટરે તેનો જવાબ નામાં આપ્યો હતો. તે સમયે ચૈતર વસાવાએ પોતે પણ કલેક્ટરની હિંમતને બીરદાવી હતી અને કલેક્ટરને મર્દાના ગણાવ્યા હતા. તેની સાથે સત્યને સાથ આપનારા ગણાવ્યા હતા.

બીજી બાજુએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ગાંજ્યા જાય તેવા નથી. તેઓ આ બાબતને લઈને છેલ્લી પાટલીએ બેસી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ભરોસાની સરકાર મારો ભરોસો તોડી રહી છે. જો મને પક્ષે અને સરકારે ચૈતર વસાવા સામે સમર્થન ન આપ્યું તો હું પક્ષ છોડી દઇશ. તેમનો આક્ષેપ હતો કે નર્મદા જિલ્લામાં ભાજપના કેટલાક લોકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો સાથે મળીને કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે અને જિલ્લાના વિકાસ કાર્યક્રમો દ્વારા તેમનો પોતાનો વિકાસ કરી રહ્યા છે. આ કૌભાંડમાં ત્રણેય પક્ષના લોકો સંડોવાયેલા છે. આના કારણે નર્મદા જિલ્લાના વિકાસ પર અસર પડી રહી છે અને પક્ષની છાપ પણ બગડી રહી છે. હું આ કૌભાંડીઓ સામે લડી રહ્યો છું. પક્ષ મને સમર્થન નહીં આપે તો હું પક્ષમાંથી રાજીનામુ આપીને એકલા હાથે લડીશ.

મનસુખ વસાવાના આ આકરા વલણથી પક્ષ પણ હતપ્રભ થઈ ગયો હતો, પણ પક્ષ તેમજ સરકાર બંનેનો છૂટકો પણ નથી, કારણ કે ચૈતર વસાવા સામે લડત પણ તે જ આપી રહ્યા છે. વસાવાની ચીમકીને સરકારે ગંભીરતાથી લીધી હતી. તેથી કલેક્ટરે પણ પોતાનું નિવેદન બદલ્યુ હતુ અને જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ લાંચ માંગી હતી.

કલેક્ટરે તેના અગાઉના નિવેદન પર યુ-ટર્ન લેતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આખી સ્ક્રિપ્ટ સરકારે લખી આપી છે. આખી ભાજપ સરકાર ચૈતર વસાવાની ધમકીને તાબે થઈ ગઈ છે. ભાજપ પાસે આદિવાસી પટ્ટામાં સતત સક્રિય રહી શકે તેવા નેતામાં મનસુખ વસાવા સિવાય બીજું કોઈ નથી. આના પગલે ભાજપની સરકારે પણ તેમની વાત માન્યા વગર છૂટકો જ નથી. તેથી તેમણે કલેક્ટરને સમજાવી દીધા છે કે સત્તા આગળ શાણપણ નકામું છે. તેના કારણે જે કલેક્ટર રજા ઉપર ઉતરનારા હતા, તેણે મનસુખ વસાવાના કારણે હાજર રહીને મેં લાંચ લીધી છે તેવું નિવેદન આપવાની ફરજ પડી.

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનસુખ વસાવા મારી સામે મનઘડંત આક્ષેપ કરી રહ્યા છે. વાસ્તવમાં તોડપાણી તો વર્તમાન શાસકોના મળતિયા કરી રહ્યા છે. બધા બિલો તેમના મળતિયાઓની એજન્સીના છે અને તેમનામાં હિંમત હોય તો તેઓ આ બિલ બતાવે. સરકારની યોજનાઓમાં કૌભાંડોના બિલ શાસક પક્ષના મળતિયા ફાડે અને તેની કિંમત અમારે ચૂકવવાની આવે તે ક્યાંનો ન્યાય. હવે તેઓ અમારા પર તેમના આક્ષેપોનું બિલ ફાડી રહ્યા છે, પરંતુ તેમને ખબર નથી કે તેની કિંમત અમારે નહીં તેમણે ચૂકવવાની આવશે.

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેઓ મારી ધારાસભ્ય તરીકેની કારકિર્દીને ગળે ટૂંપો દેવા માંગે છે. હું જ્યારથી ડેડિયાપાડામાં ચૂંટાઈને આવ્યો છું ત્યારથી મનસુખભાઈ બરોબરના મારી પૂંઠે લાગી ગયા છે. મને કોઈને કોઈ કૌભાંડમાં સંડોવ્યા વગર તેમનો દહાડો ઉગતો લાગતો નથી. મારી સામે આક્ષેપો કરે નહીં ત્યાં સુધી તો તે સવારની ચા પણ પીતા હોય તેમ લાગતું નથી. મારું ફક્ત તેટલું જ કહેવું છે કે આવું પાયાવિહોણું રાજકારણ રમવા કરતાં કંઇક તથ્યોના આધારે કામ કરે તો તેમની અને મારી બંનેની કારકિર્દી આગળ વધે. તેઓ આ રીતે આક્ષેપોનું રાજકારણ કરે છે તેના બદલે કોઈ પ્રસારમાધ્યમમાં મારી સાથે સીધી કોઈ મુદ્દા પર ચર્ચા કરી લે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. તેના પછી ખબર પડે છે કે કોણ કોની પોલ ખોલે છે.

સરકારી નોકરિયાત પર દબાણ કરીને વાત કહેવડાવવાથી વાત સાચી સાબિત થઈ જતી નથી. જો મનસુખ વસાવાના આક્ષેપોમાં તસુભાર પણ સત્યનો અંશ હોત તો હું આજે ગુજરાતમાં વિધાનસભ્ય ન હોત. શાસક પક્ષના જૂઠાણા અને અસત્યનો સામનો કરવા માટે પ્રજાએ મને ચૂંટ્યો છે. મારા વિસ્તારના વિકાસના કામો માટે લોકોએ મને ચૂંટ્યો છે, નહીં કે આક્ષેપોનું રાજકારણ રમવા મને ચૂંટવામાં આવ્યો છે. મારી સાચી વાત સાંભળીને મનસુખ વસાવાને તેમનો ગઢ હચમચી ગયો હોવાનું લાગે છે. તેના કારણે જ તેઓ મારી સામે આ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે. આક્ષેપોનું રાજકારણ તો હું પણ રમી શકું છું, પરંતુ મારે તે રમવું નથી. મારે ડેડિયાપાડાની પ્રજાનો વિકાસ થાય તેવી રાજનીતિ કરવી છે. પાયાવિહોણા આક્ષેપોનો પાયાવિહોણો જવાબ આપીને હું મારી જાતને પાયાવિહોણો સાબિત કરવા માંગતો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો