ગુજરાતમાં સુરેન્દ્રનગર કૌભાંડો, ખનન માફિયા અને લાંચીયા સરકારી અધિકારીઓમાં જાણે શિરમોર બનીને ઉભર્યુ છે. આજે સુરેન્દ્રનગર શહેરની છાપ કોઈ ઐતિહાસિક શહેર કે વારસા તરીકે નહીં પણ કૌભાંડો અને ખનન માફિયા અને લાંચીયા અધિકારીઓથી ખરડાયેલા શહેર તરીકે પડી ગઈ છે.
તેમા પણ 2015થી લઈને 2025નો છેલ્લો દાયકો જોઈએ તો સુરેન્દ્રનગરનું નામ આખા ગુજરાતમાં બધી રીતે ગાજતુ થઈ ગયું છે. તેમા ખનન માફિયાઓએ તો જાણે અહીં દેકારો જ બોલાવી લીધો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં તેઓએ ગેરકાયદે ખનનમાં કશું બાકી રાખ્યું નથી. તેની સાથે જાણે સુરેન્દ્રનગરના સરકારી અધિકારીઓની છાપ પડી ગઈ છે કે જો સરકારી અધિકારી સુરેન્દ્રનગરનો હશે તો જાણે લાંચ જ લેતો હશે.

આટલું ઓછું હોય તેમ તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રેડ પાડી હતી. આમ સુરેન્દ્રનગરમાં સરકારી તંત્રને જાણે ટોચથી લઈને તળિયા સુધી ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો છે. અહીં વિકાસ થયો છે, પરંતુ આ વિકાસ જાણે ભ્રષ્ટાચારીઓનો, ખનન માફિયાઓનો અને કૌભાંડીઓનો થયો છે. આજે આના કારણે છેક દિલ્હીથી ઇડીના અધિકારીઓએ અહીં આવીને ત્રાટકવુ પડ્યુ કે સુરેન્દ્રનગર ભ્રષ્ટાચારનું કેવું કેન્દ્ર બની ગયું છે.
સુરેન્દ્રનગરનુ કમનસીબ કહો કે કંઈપણ તેને ટોચના અધિકારીઓ પણ લાંચિયા મળ્યા છે, તેમને પોતાની ડિગ્રી મુજબનું કૌવત બતાવવાના બદલે જાણે તે પોતાની ડિગ્રી અને હોદ્દો રૂપિયામાં વટાવવા આવ્યા હોય તે રીતે કામ કરે છે. હવે સુરેન્દ્રનગરના માથે લાંચીયા સરકારી અધિકારી મારવામાં આવે છે કે સરકારી અધિકારી અહીં આવીને લાંચીયા બની જાય છે તે મોટો સવાલ છે.

તાજેતરનું જ ઉદાહરણ લઈએ તો 1,500 કરોડના જમીન કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત ચાર અધિકારી અને એક વકીલ EDના સાણસામાં આવ્યા છે. અહીં તેઓએ કટકી કેટલી લીધી હશે તે પોતે જ હજી ED શોધી રહી છે. આ બતાવે છે કે કટકીની માયાજાળ કેવી છે. આમ દસ્તાવેજો પરથી કૌભાંડ 1,500 કરોડનું છે અને કમસેકમ 10થી 20 ટકા કટકી ગણીએ તો પણ 30 કરોડની રકમ તો સરળતાથી થઈ જાય છે. અહીં EDની ટીમ એટલા માટે ત્રાટકી શકી કેમકે સોલર પ્લાન્ટ સ્થાપનારી કંપનીની પહોંચ દિલ્હી સુધી હતી. બાકી સામાન્ય લોકોને તો આ સરકારી તંત્ર ગાંઠે છે જ ક્યાં. સામાન્ય લોકોની ફરિયાદની નોંધ પણ લેવાતી નથી. આ તો કરોડોની વાત હતી એટલે છેક દિલ્હી સુધીનું તંત્ર દોડતું થયું, કારણ કે અહીં સરકારની પ્રતિષ્ઠાની વાત હતી.
આ પહેલા 2017માં પાટડીના મામલતદાર રાજેન્દ્ર સોનગરા લાંચ લેતા ઝડપાયા હતા. ACBએ તેમને એક લાખ રૂપિયાની રોકડા લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા. મામલતદાર આ રીતે લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. મામલતદાર રાજેન્દ્ર સોનગરાએ પાટડી તાલુકાના જગદીશણ ગામે આવેલી વિવાદાસ્પદ જમીનના કેસને લઈને લાંચ માંગી હતી. લાંચની રકમ વધારે હોઈ ફરિયાદીએ ACBનો સંપર્ક સાધતા તેણે ગોઠવેલા છટકામાં તે સપડાઈ ગયા હતા.

મામલતદાર જેવો અધિકારી લાંચ લેતા પકડાય પછી સામાન્ય રીતે સોંપો પડી જતો હોય છે અને કોઈ બીજું લાંચ લેતા પણ ડરતું હોય છે. તેનાથી વિપરીત જાણે તેમાથી પ્રેરણા લેતા હોય તેમ પાટડીમાં પ્રાંત અધિકારી તરીકે કામગીરી બજાવતા નાયબ કલેક્ટર સુનીલ વસાવાને લગભગ પોણા ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તેમને આ લાંચ લેતા અમદાવાદ ACBએ રંગે હાથ ઝડપ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ રીતે લાંચ માંગતા અધિકારીઓ કંઈ ગરીબ નથી, તેમનો પગાર લગભગ લાખ રૂપિયા કે તેનાથી પણ વધુ હોય છે, છતાં પણ ઉપરની કમાણીની વાત આવે છે ત્યારે તેમની દાઢ સળકે છે. તેમની પાસેથી લગભગ 90 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી, આ પુરાવો છે કે સરકારના ટોચ પર બેઠેલા અધિકારી ભ્રષ્ટ હોય પછી ભ્રષ્ટાચારને અંકુશ ક્યાંથી લાગે.
આવું જ એક બદનામ નામ કલેક્ટર કે. રાજેશનું પણ છે. ગુજરાતના ભ્રષ્ટ બનેલા સરકારી તંત્રને વધુને વધુ લૂણો લગાવવાનું નક્કી કરી લીધું હોય તેમ આંધ્રપ્રદેશના વતની અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કે. રાજેશે પગાર સિવાયની કમાણી માટે અનોખો કીમિયો અજમાવ્યો હતો. તેમણે 101 હથિયાર લાઇસન્સ જારી કર્યા હતા. આ દરેક લાઇસન્સ જારી કરવા માટે તેમણે મોટાપાયા પર લાંચ લીધી હતી અને કહેવામાં આવે છે કે તેમણે એક કરોડથી પણ વધુ રકમની લાંચ રોકડમાં લીધી છે,

તેમણે એપ્રિલ 2018થી મે 2021 દરમિયાન આટલા શસ્ત્ર પરવાના જારી કર્યા હતા. જ્યારે તેમના સુરેન્દ્રનગરના કાર્યકાળ દરમિયાન કુલ 271 શસ્ત્ર પરવાના જારી કર્યા હતા. એક લાઇસન્સ દીઠ લાખ પચાસ હજાર રૂપિયા ગણીએ તો પણ આ રકમ સવા કરોડ કરતાં વધી જાય છે. બીજી રસપ્રદ વાત એ છે કે કદાચ પહેલા એવા સરકારી અધિકારી હતા જે લાંચના નાણા ચેકથી પણ લેતા હતા. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર કરનારા રોકડ કે વસ્તુના સ્વરૂપમાં ચૂકવણી કરતાં હોય છે, પણ આ અધિકારીને એટલો વિશ્વાસ હતો કે તેઓ નાણા ચેકથી લેતા હતા, તેના કારણે લાંચ આપનારની તેમનું કામ થઈ જ જશે તેવી વિશ્વસનીયતા અનેકગણી વધી જતી હતી.
આ જો તેમણે એક શસ્ત્ર પરવાના માટે ચાર લાખ સુધીની લાંચ માંગતા પરવાનો લેનાર પણ ચોંકી ગયો હતો અને તેને આ રકમ વધુ પડતી લાગી હતી. તેણે ફરિયાદ કરતાં આ કેસમાં સીબીઆઈએ ઝૂકાવ્યુ હતુ, તેના કારણે આ પર્દાફાશ થયો હતો, બાકી જો તેણે ફરિયાદ કરી ન હોત તો આ કેસ ખૂલ્યો પણ ન હોત અને જેમ છે તેમ ચાલતું રહ્યુ હોત. સીબીઆઈએ 2011ની બેચના આ આઈએએસ અધિકારીની ધરપકડ કરી હતી અને લાંચ લેવા બદલ તથા અપ્રમાણસર મિલકતનો કેસ કરાયો હતો. પહેલી ફરિયાદ થયા પછી બીજા લોકોની પણ હિંમત ખૂલતા લગભગ બે ડઝન લોકોએ તેમની સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ કરનારાઓએ જણાવ્યું હતું કે તેમના દરેક પાસે શસ્ત્રના પરવાના પેટે ચાર લાખ રૂપિયાથી પણ વધુ રકમની માંગ કરવામાં આવી છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ કૌભાંડી અધિકારીનું પ્રમોશન પણ થયું હતું, તેના કારણે મોટાપાયે હોબાળો થતાં સરકાર પોતે શરમમાં મૂકાઈ હતી. તેથી 24 કલાકમાં જ સરકારે તેમના પ્રમોશનનો આદેશ પરત ખેંચીને બીજે ટ્રાન્સફર કરવાની ફરજ પડી હતી. હવે લાંચ લેવાની ટેવવાળો આ અધિકારી શું બીજા વિભાગમાં લાંચ નહીં લે. તે વહેલાં કે મોડા લાંચ લેવાનો જ. સરકાર શું પોતે પણ આ પ્રકારના અધિકારીઓ સામે નિસહાય છે. આટલા રંગેહાથે પકડાતા અધિકારીઓ ફક્ત સસ્પેન્ડ જ કરી શકાય છે, તેમને ફરજ મોકૂફ કેમ કરી શકાતા નથી તે મોટો સવાલ છે. ખનન માફિયા માટે બદનામ સુરેન્દ્રનગરની આ બદનામીમાં કૌભાંડીઓ પછા આ લાંચીયા અધિકારીઓએ સુરેન્દ્રનગરના નામે કલંક લગાડ્યું છે. આ કલંકને પ્રામાણિક અધિકારી અને સારો વહીવટ જ ધોઈ શકશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
