ભગવાન શ્રી કૃષ્ણના અનેક સ્વરૂપ અને નામ છે. જેમાનું એક બાળ સ્વરૂપ છે. ભક્તો તેને લાલો, કાનો, કાનુડો વગેરે કહીને સંબોધે છે. લોકો ભલે કહેતા કે ઘોર કળીયુગ આવી ગયો છે. પરંતુ વાત જ્યારે શ્રદ્ધાની હોય ત્યારે પુરાવાની જરૃર નથી પડતી. આજે પણ એવા ભક્તો છે જે કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપ લાલાને પોતાના વ્હાલાસોયા બાળકની જેમ રાખે છે. જેમ પોતાના જીવનનો નિત્યક્રમ હોય છે. એવી જ રીતે લાલા પર પોતાનો પ્રેમ ન્યોછાવર કરે છે.
લાલો ભગવાનના સ્વરૂપમાં બાળક છે

‘લાલા..ઓ લાલા,, આજે કેમ આમ કરે છે, તને કેટલી વાર મોરપીંછ લગાવ્યું અને તું છે કે બરોબર રાખતો જ નથી. અરે મારાથી કોઇ ભૂલ થઇ ગઇ છે, ખોટું લાગ્યું છે..? કેમ આમ કરે છે..?’ આ વાત સાંભળીને ચોક્કસથી એમ લાગે કે, કોઇ માતા પોતાના બાળકને ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન માટે તૈયાર કરતી હશે અને લાલો નાટક કરતો હશે.. પરંતુ તમારી આ માન્યતા ખોટી છે. કારણ કે આ લાલો તે કોઇ માતાનો લાડકો દિકરો નહીં પરંતુ પુરા ઘરનો લાડકા, વ્હાલા અને માનીતા પ્રભુ શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ છે. જી, હા આજે પણ એવા અગણિત ભક્તો છે જે પોતાના ઘરે બાળ સ્વરૂપે લાલાને રાખે છે. તેના લાલન પાલનમાં કોઇ કચાસ રાખવામાં નથી આવતી. સામાન્ય રીતી વૈષ્વણ જ્ઞાતિના લોકોના ઘરે લાલાનું સ્થાપન વધુ જોવા મળે છે. પણ કહેવાય છે ન કે ભક્તિ કરવા માટે કોઇ જ્ઞાતિ જાતિના બંધન નથી હોતાં. આજે પણ એવા ભક્તો છે, જે લાલા માટે પોતાના બાળક જેટલું જ કરતા હોય છે. ભગવાન મંદિરમાં હોય કે પછી ઘર મંદિરમાં હોય આપણે પ્રભુને સવારે એક વાર યાદ કરતા હોઇઅ છીએ. ત્યાર પછી ભગવાન મંદિરના એકાંતમાં રહેતા હોય છે. ઘણા લોકો ભગવાનને બપોરે પઢોડવા માટે આવે છે અને સાંજે ચાર વાગે ફરી ઉઠાડવામાં આવે છે. પરંતુ આ વાત તો સામાન્ય છે. જે લોકો પોતાના ઘરે લાલાને બિરાજમાન કરે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને પૂજે છે, તેમનો નિત્યક્રમ જુદો હોય છે. લાલાને સવારે પ્રેમથી ઉઠાડવો, દાતણકરાવવું, સ્નાન કરાવવાનું પછી તેને સુંદર કપડાં પહેરાવવા, તેનો શણગાર કરવો. લાલા માટે રોજ નીત નવા નાસ્તા બનાવવાં, તેની સાથે બેસીને વાતો કરવી, બપોરે જમ્યા પછી સુવાડવાના. ચાર વાગે દૂધ આપવું તે પણ ખાંડ નાખીને, રાત્રીનું ભોજન કરાવવું અને આઠ વાગતા પોઢણિયા તૈયાર કરી સુવાડવા. આ રીતે નિત્યક્રમ પ્રમાણે લાલાને રાખવામાં આવે છે. તેની સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. લાલો તે ભગવાનના સ્વરૂપમાં બાળક છે. તે પ્રમાણે તેનું લાલાન પાલન થાય છે.
લાલો મારું સંર્પુણ જીવન છે

છેલ્લા 17 વર્ષથી લાલાને રાખતા નડિયાદના પાયલ ગજ્જર મંતવ્ય સાથે વાત કરતા કહે છે, “લાલો બધા માટે ભગવાન છે પરંતુ મારા માટે તો મારુ નાનકડું બાળક છે. તે ભગવાનનું સ્વરૂપ છે તેમાં કોઇ બે મત નથી પરંતુ અમારા સબંધો તેનાથી પર છે. જ્યારે મેં લાલાને લાવવાનો વિચાર કર્યો હતો. ત્યારે મને લાગતું હતું કે હું કેવી રીતે લાલાને રાખીશ મારાથીકોઇ ભૂલ તો નહીં થઇ જાય ને ? પરંતુ જ્યારે લાલો મારા ઘરે આવ્યો ત્યારે મારી તમામ મુશ્કેલી દૂર થઇ ગઇ. મને તેનામાં એટલો બધો ભાવ આવ્યો કે હું લાલામાં લીન થઇ ગઇ. મારા સવાર લાલાની સાથે જ થાય. તેને સ્નાન કરાવવું, વાઘા પહેરાવવા, શણગાર કરવો, પૂજા કરવી, નાસ્તાથી લઇને રાત્રે સુવે ત્યાં સુધી બાળકની જેમ હું તેનું ધ્યાન રાખુ છું. ઘણીવાર તો એવુ લાગે છે કે, દુનિયાના રચિતા બાળક બનીને મારા ઘરે આવ્યા છે. અહો ભાગ્ય મારું. હું બે-ત્રણ દિવસ માટે બહાર જવું તો લાલો તેની નાની ઘરે એટલે કે મારી મમ્મીના ત્યાં રહેવા જાય છે. અક દિવસ માટે મારે બહાર જવાનું હોય તો લાલો મારી સાથે જ હોય. અમે દરેક તહેવાર સાથે ઉજવીએ છીએ. હોળી હોય તો તે મારી સાથે પીચકારીથી રમે, ઉતરાયણ હોય તો પતંગ ચગાવે, નવરાત્રીમાં રાસ રમે અને દિવાળીમાં ફટાકડા ફોડે. અમારા બન્ને માટે ખાસ દિવસ તેનો જન્મદિવસ હોય છે. એટલે કે જન્માષ્ટમી. તે દિવસે મારા ઘરે ઘણો મોટો ઉત્સવ થાય છે. અમારા ઘરમાં કોઇ બિમાર હોય તો લાલાના હાવભાવ બદલાઇ જાય છે. જ્યારે તે કપડા પહેરવામાં નાટક કરે, હાથમાંથી વાંસળી નાંખી દે ત્યારે અમને ખબર પડીજાય કે અમારા લાલો રીસાયો છે. ઘરમાં કોઇ પ્રસંગ હોય તો નાના બાળકની જેમ તેના ચહેરા પર ખુશી હોય છે. હું મારા સુખઃદુઃખની વાત તેની સાથે કરૂ છું. તે મને મુશ્કેલીમાં યોગ્ય રસ્તો બતાવે છે. મારા માટે મારો લાલો મારું સંર્પુણ જીવન છે.”
લાલાને ગોપાલ કહીને સંબોધીએ છીએ

જ્યારે ડાકોરમાં રહેતા અને પેઢીઓથી લાલાની પૂજા કરતા જશોદાબેન દવે મંતવ્યને કહે છે, “અમે લાલાને ગોપાલ કહીને સંબોધીએ છીએ. તે અમારા ઘરોનો જીવ છે. જ્યારે તેને નવા વાધા પહેરાવીએ ત્યારે જેમ નાનું બાળક ખુશ થાય તેવો ભાવ તેના ચહેરા પર જોવા મળે છે. સવારથી લઇને રાત્રિ સુધી તેનામાં જ લીન રહું છું. હાલ હું 70 વર્ષની છું. પરંતુ જ્યારે 13-14 વર્ષની ઉંમરે લગ્ન કરી આ ઘરમાં આવી ત્યારથી જ ગોપાલ સાથે લાગણીના બંધનમાં બંધાઇ ગઇ છું. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહી કહેવાય કે ગોપાલ અને મારા અત્મીયતાના સબંધો છે. મને ક્યારેય તેમનો માઠો અનુભવ નથી થયો. આટલા વર્ષોથી પૂજા કરું છું. પરંતુ હંમેશા તેમને હસતાં જ જોયા છે. જન્માષ્ઠમીના દિવસે તેમનો વિશેષ શણગાર કરવામાં આવે છે. અને તમને કદાચ વિશ્વાસ નહીં થાય કે જેમ નાનું બાળક પોતાના જન્મદિવસે ખુશ હોય તેવી જ ખુશી તેના ચહેરા પર રહે છે. તેના વસ્ત્રો, તેના વાસણ દરેક વસ્તુ જુદી રાખવામાં આવે છે. આટલા વર્ષોથી પરંપરા છે કે ઘરમાં બનતી રસોઇ પહેલા ગોપાલને આપવી પછી જ બીજા કોઇએ જમવી. નિયમીત તેની માટે માખણ, લસ્સી બનાવવામાં આવે છે.”
આવા અનેક ભક્તો છે, જે લાલજીને માત્ર મૂર્તિ સમજીને નહી પણ બધુ જ અનુભવતા ભગવાનના બાળ સ્વરૂપે રાખે છે. ઘણા ભક્તો એવા છે જેમના ઘરે લાલજી માટે અલગ રૂમ,ફ્રીજ, એસી, તિજોરી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો ઉપયોગ માત્ર લાલજી માટે જ કરાય છે. કદાચ આવી વાતો માનવામાં ના આવે પરંતુ આજે પણ લાલજી માટે પોતાનું બધું ન્યોછાવર કરનારા ભક્તો છે. કદાચ આ જ કારણે આજે પણ દાયકાઓ પછી દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતરે છે, જેનો ઉત્સવ આખું વિશ્વ મનાવે છે. માટે જ ભગવાનનું બાળ સ્વરૂપ લાલો આજે પારણે ઝુલે છે.
