ગુજરાતમાં ગયા વર્ષે જ સમાચાર હતા કે ગેસ ગીઝરે 13 વર્ષની કિશોરીનો જીવ લીધો હતો. ગયા વર્ષે બનેલી આ ઘટનામાં બનાસકાંઠાના પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં ગેસ ગીઝરના કારણે ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત થયું હતું. કિશોરી સવારના સમયે ગરમ પાણીથી સ્નાન કરી રહી હતી અને લાંબા સમય સુધી બહાર ન નીકળતા કુટુંબીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેના પછી બારીના કાચ તોડીને કિશોરીને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી. આ પૂર્વે અમદાવાદમાં ફ્લેટમાં લાગેલી આગમાં કિશોરીનું મોત થયું હતું, આ આગ પણ ગેસ ગીઝરના લીધે લાગી હોવાનું માનવામાં આવે છે.
ગેસ ગીઝર ના કારણે થયેલ મોત
હવે આવી જ ઘટના ઉત્તરપ્રદેશના અલીગઢમાં બની હતી. હજી તો શિયાળાની સીઝન શરૂ થઈ છે ત્યાં ઉત્તરપ્રદેશના અલીગઢમાં 12 વર્ષની કિશોરીનું ગેસ ગીઝરના કારણે શ્વાસ રુંધાવવાથી મોત થયું હતું. દેશમાં ઠંડી શરૂ થવાના પગલે આખા દેશભરમાં ગીઝરનું વેચાણ વધી જશે તેમ મનાય છે. તેની સાથે-સાથે ગેસ ગીઝરના કારણે બાથરૂમમાં શ્વાસ ઘૂંટાવવો અને તેના કારણે બેભાન થવાથી લઈને જીવ જવાની ઘટનામાં વધારો થાય છે. આ જ રીતે દેવિયા વિસ્તારમાં ગીઝરનો પ્લગ લગાવતી વખતે કરંટ લાગવાથી એક મહિલાનો જીવ ગયો હતો.
રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં જ્યારે પણ શિયાળો શરૂ થાય ત્યારે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે. આના કારણે કેટલાય લોકો ન્હાતા-ન્હાતા બેભાન થઈ જાય છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ રીતે બાથરૂમમાં થતાં મોતનું કારણ ગેસ ગીઝરનો ઉપયોગ થવાની સાથે બાથરૂમમાં વેન્ટિલેશન ન હોવું તે પણ છે.
ગુજરાતમાં ઘણા સમય પહેલાં આ રીતે ગેસ ગીઝરના જ કારણે એક દંપતી બાથરૂમમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યું હતું. ફોરેન્સિક તપાસમાં તેમનું મોત ગેસ ગીઝરમાંથી નીકળેલા કાર્બન ડાયોકસાઇડના કારણે થયું હોવાનું પુરવાર થયું હતું. તેના કારણે પોલીસની આ મોત અંગેની બધા જ પ્રકારની કાવતરાની થિયરીનો અંત આવી ગયો હતો, પોલીસ પણ ફોરેન્સિક રિપોર્ટના પગલે ચોંકી ગઈ હતી. જો ફોરેન્સિક રિપોર્ટ ન હોત તો પોલીસ પણ આ કેસમાં હજી અંધારામાં જ હવાતિયા મારતી હોત. બસ ત્યારથી પોલીસ પણ બાથરૂમમાં કોઈ મોત થાય તો આ પ્રકારનું પાસું જરૂર ચેક કરે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ગેસ ગીઝર એલપીજી-પીએનજીને જ્યારે સળગાવવામાં આવે ત્યારે તે કાર્બન ડાયોકસાઇડ પેદા કરે છે. આ રંગહીન અને ગંધહીન ગેસ શરીરમાં દાખલ ક્યારે થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી, તે શરીરમાં તરત જ ઓક્સિજનની જગ્યા લેવા લાગે છે. તેના કારણે આ ગેસ શરીરમાં દાખલ થયાની થોડી જ મિનિટોમાં ચક્કર, શ્વાસોશ્વાસમાં વધારો, આંખોમાં અંધારું આવે છે અને છેલ્લે વ્યક્તિ બેભાન થઈ જાય છે. જો સમયસર મદદ ન મળે તો ઓક્સિજનની કમીના કારણે વ્યક્તિનું આઠથી 15 મિનિટમાં મોત થાય છે.
બજારમાં ઘણા પ્રકારના ગીઝર ઉપલબ્ધ છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ગેસ ગીઝર સૌથી વધારે ખતરનાક છે. તેનું કારણ એ છે કે તેમા આગ લાગતા કાર્બન ડાયોકસાઇડ નામનો ગેસ બને છે. તેની તુલનાએ ઇલેક્ટ્રિક ગીઝરમાં ભય ઓછો હોય છે, પરંતુ તેમા ઓવરહીટિંગ, વિસ્ફોટ અને કરંટ જેવી ઘટનાઓ બનતી હોય છે. જો કે તેમા મોટાભાગની દુર્ઘટના ત્યારે થાય છે જ્યારે તેમાં લોકો લાંબા સમય સુધી ન્હાય છે. બાથરૂમ સંપૂર્ણપણે બંધ હોય છે અને વેન્ટિલેશન પણ હોતું નથી. આટલું ઓછું પડતુ હોય તેમ કેટલાય લોકો ગીઝરની સર્વિસ પણ વર્ષો સુધી કરાવતા નથી, તેના કારણે જીવના જોખમમાં નોંધપાત્ર વધારો થાય છે.
આ બાબત પુરવાર કરે છે ગેસ ગીઝર કેટલા જોખમી છે અને તેના કારણે કયા પ્રકારની જીવલેણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે કેટલીક તકેદારીઓ રાખવાના કારણે આ પ્રકારની દુર્ઘટનાની સ્થિતિ 95 ટકા સુધી ટાળી શકાય છે. આ બાબત બતાવે છે કે ન્હાતી વખતે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશન જરૂરી છે, તેની સાથે એક્ઝોસ્ટ ફેન પણ જરૂરી છે. ગીઝરને લાંબા સમય સુધી ચાલુ ન રાખવામાં આવે તે જરૂરી છે. ગીઝર ચાલુ કરો તો જરા પણ પાણી ગરમ થાય તો તેને પૂરેપૂરું બંધ કરી દો. આ ઉપરાંત હંમેશા બાળકો અને વૃદ્ધોને એકલા બાથરૂમમાં જવા જ ન દો. ગીઝર હોય ત્યારે બાળકો અને વૃદ્ધોને એકલા રૂમમાં જવા દેવાની ભૂલ ન કરો. આ ભૂલ તેમના માટે જીવલેણ બની શકે છે.
આ ઉપરાંત બીજી મહત્વની તકેદારી એ છે કે ગીઝરની લોનું બટન હંમેશા વાદળી રહેવું જોઈએ. હવે જો તે પીળું હોય તો સમજી લેવું કે ગીઝરની અંદરનો ગેસ બરોબર ચાલી રહ્યો નથી અને ઝેરી ગેસ CO બની રહ્યો છે. ઘરમાં ગેસ ગીઝર લાગું હોય તો કાર્બન મોનોકસાઇડ ડિટેક્ટર જરૂર લગાવવું જોઈએ. કાર્બન ડાયોકસાઇડ ડિટેક્ટરની કિંમત 800થી 1300 રૂપિયા વચ્ચેની હોય છે. આ ઝેરી ગેસનું સ્તર વધતાં જ એલાર્મ વાગી જાય છે.
હવે જો કોઈ બાથરૂમમાં ન્હાતા-ન્હાતા બેભાન અવસ્થામાં મળી આવે તો સૌથી પહેલાં તેને દરવાજો તોડીને તે વ્યક્તિને ખુલ્લાં સ્થળે લઈ જાવ. તેના કપડાં ઢીલા કરવામાં આવે. નાક અને મોઢું સાફ કરવામાં આવે અને સીપીઆર આપતા આવડતું હોય તો તે આપો. તેની સાથે તરત જ 108 એમ્બ્યુલન્સને કોલ કરો અને નજીકની હોસ્પિટલમાં લઈ જાવ. સામાન્ય રીતે 108 પાંચથી દસ મિનિટમાં પહોંચી જતી હોય છે. દર્દી માટે આ દસ મિનિટ જ મહત્વની હોય છે. તેના પર જ તેના જીવનનો આધાર હોય છે.
આમ શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે થોડી સાવચેતી તમને જીવલેણ દુર્ઘટનાનો ભોગ બનતા અટકાવે છે. તેથી તકેદારીમાં જ સમજદારી છે. થોડી ઘણી તકેદારી રાખીને તમે પોતાની સાથે સ્વજનોના જીવ પણ બચાવી શકશો અને ગીઝરનો સારી રીતે ઉપયોગ કરીને ઠંડા-ઠંડા ઉનાળામાં ગરમ પાણીથી સ્નાન કરી રાહત અનુભવી શકશો.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો

