આ કેવું રાજકારણ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે ઇતિહાસ જાણે તેમણે જ્યાંથી શરૂ કર્યુ હતુ ત્યાં જ આવીને ઊભો રહી ગયો છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાને જૂતુ માર્યુ પછી તે લાઇમલાઇટમાં આવી ગયા હતા. તેના પછી જ તેમની રાજકીય કારકિર્દી બની હતી. તે બાબત તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ બની ગઈ હતી અને તેના આધારે તે આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના વિધાનસભ્ય બની ગયા છે.
અજબ ગજબ નું રાજકારણ
હવે આ જ ગોપાલ ઇટાલિયા પર એક સભા દરમિયાન છત્રપાલસિંહ નામના યુવકે જૂતું ફેંકીને બદલો લીધો હતો. આમ ગોપાલ ઇટાલિયા માટે ઇતિહાસ જાણે પોતે શરૂ કર્યુ હતુ ત્યાં જ આવીને ઊભો રહી ગયો હતો, વાત ફક્ત એટલી જ હતી કે આ વખતે તેઓ સ્ટેજ પર હતા અને જૂતું ફેંકનાર નીચે હતો. તે વખતે સ્ટેજ પર પ્રદીપસિંહ જાડેજા હતા અને જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા નીચે હતા. આમ આખુ ચક્કર ફરીફરીને ત્યાં આવીને ઊભું રહી ગયું.
ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારા છત્રપાલસિંહે જણાવ્યું હતું કે મેં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજા પર તેમણે જૂતું ફેંક્યુ હતું તેનો બદલો લીધો છે. પ્રદીપસિંહ પરજૂતું ફેંક્યાને ઘણો લાંબો સમય થઈ ગયો છે, પરંતુ અમે તે ભૂલ્યા નથી. એક સમાજપ્રેમી હોવાના કારણે અને સમાજના આગેવાન પર થયેલા પ્રહારનો બદલો લેવા માટે આ કૃત્ય કર્યુ છે. આ છત્રપાલસિંહ હાલમાં કોંગ્રેસના કાર્યકર છે અને મહાકાલ સેનામાં હોદ્દેદાર છે.
હવે આ ઘટનાના તાણાવાણા અનેક ઘટના સાથે જોડાયેલા છે, પરંતુ મુખ્યત્વે તો ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા સામે ફેંકેલા જૂતાની સાથે તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું ત્યાં આ ઘટના ફરી થઈ છે. વાસ્તવમાં તો કોઈપણ હોદ્દા પર બેઠેલા સામે આ પ્રકારે જૂતું ફેંકવાની ઘટના જ નિંદનીય છે. એક રીતે જૂતાનો જવાબ જૂતાથી આપવામાં આવ્યો છે. હવે પાછા આ ભાઈ કોંગ્રેસના કાર્યકર છે. આમ બીજી માર્ચ 2017ના રોજ બનેલી ઘટનાનો જવાબ ગોપાલ ઇટાલિયાને 5 ડિસેમ્બર 2025ના રોજ મળ્યો છે.
હવે અહીં સૌથી મોટી વાત એ છે કે તેઓ આ રીતે જૂતું ફેંકીને ગોપાલ ઇટાલિયાના જ માર્ગે ચાલવા માંગે છે. તેમને એમ છે કે જો ગોપાલ ઇટાલિયા પ્રદીપસિંહ જાડેજાને જૂતું મારીને આ રીતે વિધાનસભ્ય થઈ જતાં હોય તો પછી હું પોતે પણ આગામી સમયમાં પક્ષમાંથી ટિકિટ મેળવવા માટે આ જ પ્રકારનો કીમિયો કેમ અજમાવવું.
જો કે છત્રપાલસિંહની આ ટેકનિક હાલમાં કામ કરી ગઈ લાગે છે. આજે જે છત્રપાલસિંહને કોંગ્રેસના લોકો કે તેમના સમાજના લોકો પણ ઓળખતા ન હતા તેમને ગોપાલ ઇટાલિયાને જૂતું માર્યા પછી હવે તેમના સમાજના લોકો અને કોંગ્રેસના લોકો ઓળખતા થઈ ગયા છે. હવે જોવાનું એ છે કે છત્રપાલસિંહ આના આધારે કોંગ્રેસમાં કે પછી ગમે તે પક્ષમાં તેમની રાજકીય કારકિર્દી બનાવે છે કે પછી રાજકારણમાં એક ગુમનામ ચહેરો બની જાય છે તે સમય જ કહેશે. આ ઘટના દ્વારા છત્રપાલસિંહ તેનો જે હેતુ સર કરવો હતો તે સર તો કર્યો, તે હતો તેની રાજકીય ઓળખનો. આજે ગોપાલ ઇટાલિયાને જૂતું મારીને તે ઓળખ મેળવી લીધી છે.
રાજકારણમાં બદનામ થવું મોટી લાયકાત કહેવાય છે અને હવે છત્રપાલસિંહે આ લાયકાત કેળવી લીધી છે. હવે જો ગુજરાતની પ્રજાને જૂતા ફેંકનારાઓ અને જૂતા મારનારાઓમાં જ તેમના ઉદ્ધારક દેખાતા હોય તો કદાચ આ એક નવા જ પ્રકારના રાજકારણને અહીં પ્રોત્સાહન મળી રહ્યુ છે. એક સમય હતો જ્યારે હોદ્દા પરના વિધાનસભ્યો અને મંત્રીઓનો માનમરતબો જાળવવામાં આવતો હતો. હવે ગોપાલ ઇટાલિયા પોતે જ પોતે શરૂ કરેલી પ્રણાલિનો ભોગ બની રહ્યા છે. તેમણે જૂતુ માર્યુ ત્યારે કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં આનો જવાબ પણ તેમને આ જ રીતે મળશે.
હવે તેમને જૂતુ મારનાર પણ જો તેના આધારે રાજકીય કારકિર્દી બનાવવામાં સફળ થાય તો શું તેને જૂતાનો જવાબ જૂતાથી નહી મળે, એક રીતે જૂતું મારવાની અને જૂતુ ખાવાની રાજકીય પ્રણાલિ જ આગળ વધશે. આમ જ્યાં સંવાદનું સ્થાન કે પ્રબળ વિરોધ કે આંદોલનનું સ્થાન આ પ્રકારની જૂતુ મારવાની ઘટના લે છે ત્યારે નેગેટિવ પોલિટિક્સને વેગ મળે છે.
લોકોને પણ કદાચ જૂતુ મારનારમાં જાણે તેમના આક્રોશનું પ્રતિબિંબ પડતું લાગે છે તો હોદ્દા પર બેઠેલાઓએ વિચારવા જેવું છે કે શાસન અને પ્રજા વચ્ચે આ અંતર કેમ વધ્યું કે શાસકને જૂતા મારવા સુધીની નોબત આવી ગઈ. હવે ગોપાલ ઇટાલિયા જે જૂતું ફેંકવાની અને જૂતું મારવાનું રાજકારણ કરે છે, બસ હવે તે જ રાજકારણ તેમની સામે આવ્યું છે. તેમણે થોડા સમયમાં પહેલાં જ કહ્યું હતું કે હું જો આમ ન કરું તો મને જાહેરમાં જૂતું મારજો, મને જાહેરમાં ફટકારજો, હવે બસ તેમને જાહેરમાં જ એક જણે જૂતુ મારી દીધું.
પાવર પોલિટિક્સમાં જૂતું મારવાનું રાજકારણ નવો જ પર્યાય બન્યું છે. આપણે લગ્નોમાં જે વરરાજાનું જૂતું ચોરવાની પ્રથા હતી, તેણે રાજકારણમાં સંભવતઃ જૂતુ મારવાની પ્રથાનું સ્થાન લઈ લીધાનું જાણે લાગી રહ્યું છે. જૂતું ફેંકવાના રાજકારણનો પ્રારંભ કરનારે પણ જૂતું તો ખાવું જ પડે છે, તે તો આ ઘટના પરથી પુરવાર થઈ ગયુ છે.
જો કે આ આખી ઘટનાક્રમને લઈને કોંગ્રેસે છેડો ફાડ્યો હતો અને જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને જૂતુ મારનાર છત્રપાલસિંહ અમારા જ છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે કર્યુ તેના કારણે તેમની લાગણી દુભાઈ હોવાથી તેમણે આ પગલું ભર્યુ છે. આની સાથે કોંગ્રેસને કોઈ નિસ્બત નથી. કોંગ્રેસના હોદ્દેદાર તરીકે તેમણે કોઈ પગલુ ભર્યુ નથી. ફક્ત આવેશમાં આવીને ભરવામાં આવેલું પગલું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો

