ભારતીય ક્રિકેટ ટીમના સ્પોન્સર બનવું પ્રતિષ્ઠાનો વિષય માનવામાં આવે છે, તેના સ્પોન્સર બનવા માટે રીતસરની પડાપડી થતી હોય છે. પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે ભારતીય ક્રિકેટ ટીમના સ્પોન્સર બન્યા પછી તે કંપનીનો બેડો ગર્ક થઈ જાય છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્પોન્સર બનીને કંપનીએ જાણે શું મહાપાપ કરી લીધું હોય તેમ તેના પર જાણે શનિની મહાદશા ચાલુ થઈ જાય છે.
છેલ્લાં ત્રણ દાયકામાં જોઈએ તો ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર બનનારી કંપનીઓ આશ્ચર્યજનક રીતે એકદમ ખતમ થઈ ગઈ છે, અથવા તો સાવ ડાઉનસાઇઝ થઈ ગઈ છે, ક્યાં તો હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. છેલ્લે કંઈ નહીં તો તેણે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બીજા સાથે ભાગીદારી કરવાના દહાડા આવ્યા છે.
આમ હવે કોર્પોરેટ વર્લ્ડમાં કહેવામાં આવે છે કે કોઈ કંપનીએ ખતમ થવું હોય તો તે ભારતીય ક્રિકેટ ટીમનું સ્પોન્સર થવાનું પસંદ કરે. આમ ધમધમતી કંપનીઓ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરશિપ ‘સ્મશાન’ બની ગઈ છે. ભારતીય ક્રિકેટને સ્પોન્સર કરવા જતાં અનેક કંપનીઓએ પોતાના માટે સ્પોન્સર શોધવો પડે તેવો સમય આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમની વર્તમાન સ્પોન્સર ડ્રીમ-11ને જ લઈ લો. તે ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર બની તે પહેલાં તેનું બધુ સમુસૂતરું ચાલતુ હતુ. તેના સ્પોન્સર થયાના થોડા સમય પછી શું થયું કે કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગમાં મની ગેમ પર પ્રતિબંધ મૂકતા હવે કંપનીએ રીતસર તેનો કારોબાર સમેટી લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક સમયે 8 અબજ ડોલરનું મૂલ્ય અને 28 કરોડ યુઝર્સ ધરાવતી કંપની ડ્રીમ-11નું મૂલ્ય હવે શૂન્ય થવાના આરે છે. આ કંપનીનો ગુનો ફક્ત એટલો જ હતો કે તેણે ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરશિપ લીધી હતી.
ફક્ત ડ્રીમ-11 જ નહીં, તેના પહેલા ભારતીય કંપનીની સ્પોન્સર બનનારી બાયજુની સ્થિતિ પણ આવી જ થઈ હતી. આ કંપની 2022માં ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર બની ત્યારે બાયજુનું બજારમૂલ્ય 22 અબજ ડોલર આંકવામાં આવતુ હતુ. પણ ભારતીય ક્રિકેટ ટીમના સ્પોન્સર બન્યા પછી રીતસરની જાણે તેની ગ્રહદશા બદલાઈ. તેનો કારોબાર અચાનક જ નફામાંથી ખોટમાં જવા લાગ્યો, તેનું મૂલ્ય રીતસરનું ડાઉન થઈ ગયું. આજે બાયજુએ તાળા મારી દેવા પડ્યા છે. તેનું મૂલ્ય 22 અબજ ડોલરમાંથી શૂન્ય થઈ ગયું છે. એક સમયે તેમા રોકાણ કરનારા પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો કોલર ઊંચા કરીને ફરતા હતા અને તેના ઊંચે જતાં મૂલ્યને જોઈને ખુશ થતાં હતા તેમણે રાતેપાણીએ રડવાનો વખત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ તેની સાથે થયેલા કરારની રકમ વસૂલવા કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા છે.
બાયજુના પહેલા ચાઇનીઝ કંપની ઓપ્પો પણ ભારતીય ક્રિકેટ ટીમની પ્રાયોજક બની હતી. તેને પણ ભારતીય ક્રિકેટ ટીમના સ્પોન્સર બનવાની કમનસીબી અડી ગઈ હતી. કંપની ભારતીય ક્રિકેટ ટીમ માટે 2017થી 2020 દરમિયાન પ્રાયોજક બની હતી, આ દરમિયાન કંપની રીતસર નફામાંથી ખોટમાંથી જતી રહી અને તેની સ્થિતિ એવી થઈ કે તેણે સ્પોન્સરશિપના નાણા ચૂકવવા માટે રીતસરનો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના કારણે છેવટે તેણે પાંચ વર્ષનો સ્પોન્સરશિપ કરાર ત્રણ વર્ષમાં જ પૂરો કરી દીધો હતો. આ બધા માટે તેણે ઘણી બધી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. હાલમાં પણ કંપની ભારતમાં તેનું અસ્તિત્વ જાળવવા સંઘર્ષ કરી રહી છે.
એક સમય હતો સ્ટાર ટીવી ભારતમાં ઘેર-ઘેર જાણીતું નામ હતું. તે સમયે તેને શું કમતિ સૂજી કે તેણે ભારતની ક્રિકેટ ટીમના સ્પોન્સર બનવાનો નિર્ણય કર્યો, તેને એમ હતું કે ભારતીય ક્રિકેટ ટીમના પ્રાયોજક બનીશું તો આપણને નામ અને પ્રતિષ્ઠા મળશે, પરંતુ થયું તેનાથી વિપરીત. ભારતીય ક્રિકેટ ટીમના પ્રાયોજક બન્યા પછી તેની એવી માઠી દશા બેઠી કે સ્ટાર ઇન્ડિયાની માલિક વોલ્ટ ડિઝની પર બજારમાં ખોટી રીતે મોનોપોલીનો કેસ મૂકવામાં આવ્યો. તેના પછી તો ભારતીય બજારમાં તેનું પ્રભુત્વ એવું ઘટી ગયું કે તેણે હવે ટકી રહેવા માટે જિયો સાથે ભાગીદારી કરવી પડી છે.
આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન પદે વિરાટ કોહલી હતો, ભારતીય ક્રિકેટ ટીમ અત્યંત ખરાબ પ્રદર્શન કરી રહી હોય તેવું પણ ન હતુ, ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન પણ શાનદાર હતુ. પણ તેના પ્રાયોજકની હાલત એકદમ ખરાબ થઈ હતી. તે સમયે સ્ટાર ઇન્ડિયા તો મોટું માથું અને ડીપ પોકેટ કહેવાતી કંપની હતી તો પણ તેની આવી હાલત થઈ હતી.
સ્ટાર પહેલા સહારા ઇન્ડિયા લગભગ 12 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમના પ્રાયોજક હતી. સહારા ધમધમતું નામ હતી. પ્રિન્ટ મીડિયાથી લઈને ટીવી મીડિયા સુધી તથા મનોરંજન ચેનલો સુધી સહારાનો પથારો ફેલાયેલો હતો. તેના ચેરપર્સન સુબ્રતો રોય મોટી સેલિબ્રિટી બની ચૂક્યા હતા. તેમને બિઝનેસમેન ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો હતો, પણ ભારતીય ટીમની પ્રાયોજક બન્યા પછી સહારાને રીતસરનું જાણે ગ્રહણ લાગ્યું. તેણે બીજાનો સહારો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું.
કેટલાય સેક્ટરોમાં પથારો ધરાવતી સહારાનો કારોબાર દરેક સેક્ટરમાંથી સમેટાવવા લાગ્યો. તેના ચેરપર્સન સુબ્રતો રોયે જેલમાં જવાના દિવસો આવ્યા અને જેલમાં જ તેમનું મૃત્યુ થયું. એક સમયે ચોરે અને ચૌટે ચર્ચાતી સહારાનું નામ પણ આજે ક્યાંય સાંભળવા મળતું નથી.
આવું જ તેના પહેલા ભારતની ટાઇટલ સ્પોન્સર બનનારી કંપની પેપ્સીનું પણ થયું હતું, પરંતુ તે થોડા જ સમયમાં નીકળી જતાં તેની પડતી અટકી હતી. હવે આને યોગાનુયોગ કહેવો કે કમનસીબી કહેવી, પણ ભારતીય ક્રિકેટ ટીમની પ્રાયોજક કંપનીએ છેવટે તેનું અસ્તિત્વ ગુમાવવું પડે છે, ક્યાં તેની ગ્રહદશા બગડી જાય છે અથવા તો બીજા સાથે ભાગીદારી કરવી પડે છે. આ કમનસીબીનો ઇલાજ કેવી રીતે કરવો સૌથી મૂંઝવતો પ્રશ્ન છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
