ભાજપના ભરૂચના આખા બોલા સાંસદ મનસુખ વસાવા ફરીથી ત્રાટક્યા છે. આ વખતે તેમણે કરેલા શાબ્દિક પ્રહારોનું લક્ષ્યાંક ડેરી સેક્ટરનું રાજકારણ છે. તેમણે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને લખેલા પત્રમાં અત્યંત આકરા શબ્દોમાં જણાવ્યું છે કે દૂધધારા ડેરીમાં એક લિટર દૂધનું પણ પ્રદાન ન કરનારા પ્રકાશ દેસાઈ જેવા લોકોને સીધા ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યા છે. તેમની પોતાના ગામમાં ડેરી સુદ્ધા નથી. તેમને હોદ્દા પર બેસાડવાનું કારણ ફક્ત એટલું જ કે તે બીટીપીમાંથી આવ્યું છે. જ્યારે પક્ષના જ પાયાના કાર્યકર અને વર્ષોથી પક્ષમાં રહીને મહેનત કરનારા તથા સહકારી ક્ષેત્રમાં પણ પક્ષનો વ્યાપ વધારનારાઓની અવગણના કરવામાં આવી છે.
સહકારી ક્ષેત્રમાં ભૂતપૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના સમયગાળામાં જેમણે કામ કર્યુ છે તેવા જૂના અને પાયાના કાર્યકરોની અવગણના પક્ષને મોંઘી પડશે. તેમણે જણાવ્યું હતું કે પાયાનો કાર્યકર ક્યાં સુધી તેની અવગણના સહન કરશે. આજે પક્ષ ઊભો છે તે પાયાના કાર્યકરની મહેનત પર ઊભો છે. પછી તે વિધાનસભાની બેઠકો હોય કે સહકારી ક્ષેત્રનું રાજકારણ હોય. આજે પક્ષ તેના પાયાના કાર્યકરોની મહેનત થકી ઉજળો છે. આજે તેનો જ અવાજ સંભળાતો બંધ થઈ જશે તો પછી સહકારી ક્ષેત્રમાં પક્ષે નાહી નીચોવવાનું જ આવશે. આ પ્રકારની પરિસ્થિતિ આવે નહીં તે માટે અત્યારથી જ તમને ચેતવણી આપી રહ્યો છું.
તેમણે જણાવ્યું હતું કે જે લોકો ખોટી રીતે આવ્યા છે તેઓ આગળ પણ ખોટી રીતે જ વધવાના. તેઓ હોદ્દો અને રૂપિયાનો ઉપયોગ કરીને તેમના જ મળતિયાઓને બેસાડવાના અને તેના આધારે રૂપિયા ઉસેટતા જવાના તથા આ રીતે રૂપિયાના આધારે બીજા મળતિયાઓને ગોઠવતા જવાના. આવા લોકોના કારણે પક્ષની મહેનત તો બરબાદ થશે, પરંતુ તેની સાથે પાયાના કાર્યકરની અવગણનાથી તે પણ પક્ષથી વિમુખ થઈ જશે અને નિષ્ક્રીય થઈ જશે. ભૂતકાળમાં પણ જે પણ પક્ષોએ પાયાના કાર્યકરોની અવગણના કરી છે તેની શું સ્થિતિ થઈ તે બધા જાણે છે. આપણે બહાર ક્યાંય જોવાની જરૂર નથી, આપણે સામે સૌથી મોટું ઉદાહરણ કોંગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ છે જ. પાયાના કાર્યકરોની અવગણના આ પક્ષને ક્યાં લઈ ગઈ છે તે જોઈ શકાય છે.
આ ઉપરાંત તેમણે પ્રકાશ મોદીને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરી કૌભાંડમાં સામેલ લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આપણો પક્ષ મૂલ્યમાં માનનારો પક્ષ છે, આપણે શિસ્તબદ્ધ પક્ષ કહેવાઈએ છીએ. આપણા કાર્યકરો પણ શિસ્તબદ્ધ છે. આ સંજોગોમાં પક્ષ માટે આવી છાપ ઊભી થાય તે ખોટું છે.
બીટીપીમાંથી આવેલા પ્રકાશ દેસાઈએ ઝગડીયા APMCમાં તેમની મનમરજી મુજબનું માળખું બનાવી દીધું છે, જ્યારે સામાન્ય શિરસ્તો એવો છે કે તેની પક્ષમાં ચર્ચા થાય છે. આના કારણે લોકોમાં ચર્ચા છે કે જૂના અને નવા પ્રમુખમાં કોઈ તફાવત નથી. આ રીતસર એક પ્રકારે પક્ષની બદનામી છે. જિલ્લા પ્રમુખ તરીકે તમારે આ પ્રકારે પક્ષને બદનામીથી બચાવવો રહ્યો.
તેથી તમે જિલ્લા પ્રમુખ હોવાથી મારી અપીલ છે કે આવા લોકો પર બહુ દારોમદાર ન રાખો. પક્ષના જૂના કાર્યકરોને ધ્યાનમાં લો. તેમની વાતો સાંભળો, તળિયાની સ્થિતિની જાણકારી મેળવો. જિલ્લા સ્તરે લેવામાં આવતા મહત્વના નિર્ણયોમાં જૂના કાર્યકરોની સાથે સંકલન સાધીને કામ કરો, તેમને પણ સારું લાગશે અને પક્ષને પણ જૂના કાર્યકરોના કારણે યોગ્ય દોરવણી મળી રહેશે તથા કામ પણ યોગ્ય દિશામાં થશે.
આમ મનસુખ વસાવાના લેટર બોમ્બે ફરી પાછી હલચલ મચાવી દીધી છે. આના પરથી ભાજપના આંતરિક રાજકારણનો પણ ખ્યાલ આવે છે. આજે પક્ષનું આંતરિક રાજકારણ ડેરી સેક્ટરને પણ કઈ હદે પ્રભાવિત કરી રહ્યુ છે તે મનસુખ વસાવાનો પત્ર બતાવે છે. પાયાના કાર્યકરોની અવગણનાથી પક્ષને થનારા નુકસાનની તેમણે ચેતવણી પણ આપી છે. પક્ષમાં બહારથી આવેલાઓને વધુ પડતું મહત્વ આપવા સામે પણ તેમણે પક્ષના બીજા લોકોને ચેતવ્યા છે. આ બતાવે છે કે સહકારી ક્ષેત્રના રાજકારણમાં પક્ષની બાગડોર કોઈ બીજાના હાથમાં જાય તે મનસુખ વસાવાને મંજૂર નથી. તે ઇચ્છે છે કે આ બાગડોર પક્ષના જ માણસો પાસે રહે. બહારથી આવેલાઓને ભલે બીજા હોદ્દા મળે, પરંતુ તેમને એવા હોદ્દા પણ ન મળવા જોઈએ જેથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થાય.
મનસુખ વસાવાના પત્ર પછી ભરૂચમાં દૂધડેરીમાં સહકારી ક્ષેત્રનું રાજકારણ કેવા પ્રકારના વળાંક લે છે તે પર બધાની નજર રહેશે. આમ પણ તાજેતરના વર્ષોમાં સહકારી ક્ષેત્રનું રાજકારણ ઉત્તરોતર ગરમ થઈ રહ્યુ છે ત્યારે મનસુખ વસાવાના લેટર બોમ્બે આ ગરમાવામાં ઉમેરો કર્યો છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
