નવનીત બાલધિયાએ તેના પર થયેલા હુમલા પછી તેના સમાજના ધારાસભ્યોએ તેને ન્યાય અપાવવા જહેમત કરતા સરકારે વાત હાથ પર લીધી હતી. તેના પગલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી તેના પર હુમલો કરનારા જાણીતા લોકગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી. તેથી ધારાસભ્યો તો એમ જ માને છે કે આખો કેસ અહીં પૂરો થઈ ગયો, પરંતુ નવનીત બાલધિયાએ માયાભાઈ આહિર સામેની આ લડતને આગળ ધપાવવાનો અને તેમના જેવા બીજા ભોગ બનેલાઓને ન્યાય અપાવવાનો નિર્ધાર કર્યો છે. આમ હવે એક નવી જ લડતનો પ્રારંભ થયો છે. આ લડત છે શોષિતો વિ. શોષણ કરનારાની. તેના પગલે માયાભાઈ આહિરના પુત્રો સામે જૂના કેસો ફરીથી ઉખળવા લાગ્યા છે.
જાણે કોઈએ રાખમાં અંગારો ચાંપ્યો હોય અને પછી તેનો ભડકો થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. માયાભાઈના પુત્રએ ચાંપેલો અંગારો હવે અગનજવાળાનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તેના કારણે આ લડાઈ સમાજ વિ. સમાજની નથી, પરંતુ શોષણનો ભોગ બનનારાઓની અને શોષણ કરનારાઓ વચ્ચેની લડાઈ બની ગઈ છે. આ એક એવી લડાઈ બની છે જેને ફક્ત નવનીત બાલધિયા જ નહી પણ શોષણનો ભોગ બનનારા દરેક સમાજના તળિયાના લોકો સાથ આપશે. નવનીત બાલધિયાની આ લડતમાં આહિર સમાજના પણ તળિયાના લોકો જે શોષણનો ભોગ બન્યા છે તે જોડાય તો આશ્ચર્ય ન થવું જોઈએ.

કોળી સમાજના સંમેલનમાં એવા ઘણા લોકો આવ્યા છે જેમની માયાભાઈના પુત્ર ફક્ત જયરાજ આહિર જ નહીં બીજા પુત્ર ભરત આહિર સામે પણ ફરિયાદો છે. પોલીસ તેમની ફરિયાદ સુદ્ધા નોંધતી નથી. તેમની સામે અવાજ ઉઠાવનારાઓના અપહરણ કરી જવામાં આવે છે, તેમને માર મારવામાં આવે છે, દિવસોના દિવસો સુધી ગોંધી રાખવામાં આવે છે પરંતુ તંત્ર મૌન છે. પોલીસ માયાભાઈ આહિરના આ પુત્રો સામે ફરિયાદ પણ લેતી નથી, કારણ કે તે ગરીબ છે, વંચિત છે, શોષિત છે, વીખરાયેલા છે અને તેમનો કોઈ અવાજ નથી. તેનો ફાયદો શોષણ કરનારા ઉઠાવે છે, કારણ કે શોષણ કરનારા શક્તિશાળી છે. તેમને રાજકીય ઓથ છે, શોષિત હાથ જોડીને ઊભો છે, તેને કોઈ રાજકીય ઓથ નથી. તેનો અવાજ ટોચ સુધી ક્યાંય સંભળાતો નથી. તે જીવે કે મરી જાય, તેના મકાનો પર ગમે ત્યારે બુલડોઝર આ લોકો ફેરવી નાખે પણ કોઈ સાંભળવાનું નથી.

નવનીત બાલધિયા હવે આ લોકોનો અવાજ બન્યો છે. હવે તે પીડિતો અને શોષિતો અને શોષણખોરોનો ભોગ બનનારાઓનો અવાજ બનવા જઈ રહ્યા છે. તેથી આ લડત જે એક સમયે માયાભાઈ અને હીરા સોલંકીની લાગતી હતી તે માયાભાઈ અને નવનીત બાલધિયાની લડી રહી છે. આમ ગુજરાતમાં અનામત આંદોલન પછી શોષણ સામે એક નવા જ જંગનુ મેદાન બન્યું છે અને આ નવા જંગનો સુકાની કે ખેલાડી બન્યો છે તે છે નવનીત બાલધિયા. હવે જોવાનું એ છે કે શું નવનીત બાલધિયા પીડિતોનો અવાજ બનવામાં સફળ થશે.
કોળી સમાજના સંમેલનમાં માયાભાઈ આહિરના પુત્રોના કારણે પારાવાર તકલીફોનો ભોગ બનેલા બીજા કેટલાય પીડિતોએ તેમના અવાજને વાચા આપી હતી. આ પીડિતોને લાગ્યું છે કે તેમની સામેની ફરિયાદ પહેલી વખત કોઈકે સાંભળી છે. તંત્રએ તો તેમની ફરિયાદને નોંધવાની તો ઠીક સાંભળવા સુદ્ધાની તસ્દી લીધી નથી. આ સંજોગોમાં હવે માયાભાઈ આહિરના બીજા પુત્ર ભરત આહિરના પરાક્રમો પણ બહાર આવવા લાગ્યા છે.

ભાવનગરમાં કોળી સમાજની રવિવારે યોજાયેલી ન્યાયસભામાં રાજુલાના જીતુભાઈ ધાપડાએ જણાવ્યું હતું કે માયાભાઈ અને અંબરિશભાઈ બંનેએ મારી કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી તેમના પુત્ર ભરત આહિરના નામે કરી દીધી છે. આ કેસની તપાસ થાય તો તેમની સામે ભૂમાફિયા ધારા હેઠળનો જ કેસ લાગે. તેઓએ આ અંગેના પુરાવાનો 2007માં જ નાશ કર્યો હતો, આ જમીનનો કબ્જો 2007થી મારા પાસે છે. બીજા કોઈ દસ્તાવેજ નથી કે આ જમીનમાં કોઈ બીજા ખાતેદાર પણ નથી. 2017માં ધારાસભ્ય બનેલા અંબરિશ ડેર પણ માયાભાઈના આ જમીન પડાવી લેવાના કામમાં તેમની સાથે છે. તેથી નવનીત બાલધિયા પર તેઓએ હુમલો કર્યો ત્યારે મને તેમની સાથે મારી પીડા પણ યાદ આવી ગઈ હતી.
આ જ રીતે બાબર જ્ઞાતિના ચંદુ સરવૈયાએ આ સભામાં જણાવ્યું હતું કે 2023થી માયાભાઈ આહિર અને તેમના પુત્ર ભરત આહિર જેવા મોટા માથાએ હું એકલા હાથે લડી રહ્યો છું. તેઓએ તેમની પવનચક્કી લઈ જવા માટે મારુ પોતાનું મકાન પાડી નાખ્યુ હતુ. તેઓ પવનચક્કી ઓપેરા એનર્જીના જાણે દલાલ હોય તે રીતે વર્તે છે. તેમા તેમનો હિસ્સો હોય તો મને આશ્ચર્ય નહીં થાય. મેં માયાભાઈના બંને પુત્ર જયરાજ અને ભરત આહિર સામે પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ બધુ કાગળ પર જ છે. વાસ્તવિક ધોરણે કોઈ કાર્યવાહી થઈ નથી. આ લોકો મારુ અપહરણ કરીને લઈ ગયા છે, મને માર માર્યો છે, પરંતુ હું મારી વાત પરથી ડગ્યો નથી. માયાભાઈ આહિરના પુત્રોએ પોલીસનું પેટ બરોબરનુ ભરી દીધું છે, તેથી મારી કોળી સહિત બધા સમાજ પાસે ન્યાયની માંગ છે. હું અહીં સુધી ન પહોંચુ તે માટે પણ મોટાપાયા પર પ્રયત્નો કવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મને કોળી સમાજના સંમેલનમાં આવતા અટકાવી શક્યા નથી.
નવનીત બાલધિયાએ જણાવ્યું હતું કે હું આવા દરેક શોષિતો અને પીડિતો વતી સરકારને અરજ કરું છું કે તેમને ન્યાય અપાવવામાં આવે. આ પીડિતોનું કોઈ સાંભળે, તેમની ફરિયાદો નોંધવામાં આવે, ગુનેગારો સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવે. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે કોળી સમાજની જ્યાં-જ્યાં વસ્તી હશે ત્યાં-ત્યાં સમાજ આ પીડિતો અને શોષિતો માટે પ્રદર્શન કરશે. કોળી સમાજની આગામી બેઠકમાં
આ પ્રકારના વધુને વધુ પીડિતો અને શોષિતો હાજર રહે તેમ માનવામાં આવે છે.
આ ઉપરાંત ઋષિ ભારતી બાપુએ પણ જણાવ્યું હતું કે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આ જાગૃતિ કાયમ જળવાઈ રહેવી જોઈએ. કોળી સમાજના કોઈપણ યુવાન સામે અન્યાય થાય તો સમાજ આ રીતે રસ્તા પર ઉતરવો જોઈએ. દરેક પ્રકારના અન્યાયનો સંગઠિત થઈ સામનો કરવો જોઈએ. કોળી સમાજે જાગૃતિની આ ચેતનાને વેડફવી ન જોઈએ.
આ પણ વાંચો : નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી
આ પણ વાંચો : નવનીત બાલધિયા સામેના હુમલામાં મુંબઈથી દોરીસંચાર
આ પણ વાંચો : નવનીત બાલધિયાના વિવાદના પગલે માયાભાઈ આહિરનું સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ
