MANTAVYA Vishesh/ રાજ્યમાં 1,500 કરોડનું જમીન કૌભાંડ, કલેક્ટર-ડેપ્યુટી કલેક્ટર EDના સાણસામાં

રાજ્યમાં એક પ્રોજેક્ટ આવ્યો નથી કે કટકી કરનારાઓની દાઢ સળકી નથી, પણ પછી આ સળકેલી દાઢ કાઢવાનો વારો આવે ત્યારે તકલીફ પણ જબરદસ્ત પડે છે. બસ આવું જ સુરેન્દ્રનગરમાં થયું છે. ખાણ માફિયા માટે બદનામ સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર 1,500 કરોડથી પણ વધુ રકમના જમીન સંપાદન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સાણસામાં આવ્યા છે.

Mantavya Vishesh

રાજ્યમાં એક પ્રોજેક્ટ આવ્યો નથી કે કટકી કરનારાઓની દાઢ સળકી નથી, પણ પછી આ સળકેલી દાઢ કાઢવાનો વારો આવે ત્યારે તકલીફ પણ જબરદસ્ત પડે છે. બસ આવું જ સુરેન્દ્રનગરમાં થયું છે. ખાણ માફિયા માટે બદનામ સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર 1,500 કરોડથી પણ વધુ રકમના જમીન સંપાદન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સાણસામાં આવ્યા છે.

લખતરમાં સોલર પ્રોજેક્ટ નાખવાનો હતો અને તેના માટે જમીન સંપાદન કરવાનું હતું. આ જમીન સંપાદન 1,500 કરોડનુ હતું. પણ સરકારી તંત્ર આમ પણ વજન વગર કે કટકી વગર તો કામ કરતું નથી. તેમણે સોલર પ્લાન્ટ લગાવનારી કંપનીને ખંખેરવાનો પ્રયત્ન કર્યો, તેમને એમ કે કંપનીને કમાણી કરવી હોય તો અમને પણ રકમ તો ચૂકવવી જ પડે. આ કૌભાંડી તંત્રએ કદાચ કટકીને શિરસ્તો બનાવી દીધો છે, પરંતુ તેમને કલ્પના જ ન હતી કે તેઓ આ વખતે કોનો સામનો કરી રહ્યા છે. આ કંપનીના તાર દિલ્હી સુધી અડેલા છે, જેના કરંટ હવે સુરેન્દ્રનગરના વહીવટીતંત્રને બરોબર લાગેલો છે.

સોલર પાવર પ્લાન્ટમાંથી કટકી કરવા જતાં સુરેન્દ્રનગરના તંત્રને સૌર ઉર્જાની બરોબરની ઝાળ લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વખતે કટકી લેવા જતા તંત્રએ કદાચ કોઈ ખોટો તાર જ છેડી દીધો હતો અને તેના કારણે છેક દિલ્હીથી EDની ટીમ ગુજરાત સુધી લાંબી થઈ છે. સુરેન્દ્રનગરના જિલ્લા વહીવટીતંત્રએ મંગળવારે સવારે પોતાના ઘરના દરવાજા અને ઓફિસના દરવાજા પણ ખોલ્યા ન હતા ત્યારે ઇડીની ટીમ તેમને ત્યાં ત્રાટકી હતી.

આમ સરકારી તંત્રના કટકી કરનારાઓ કદાચ પહેલી વખત તેમને કોઈ બટકુ ભરી જાય તેવી સ્થિતિનો સ્વાદ ચાખ્યો હતો. તેની સાથે તેઓને ખબર પણ પડી હતી કે તેમણે જે કર્યુ છે તે શિરસ્તો નથી પણ એક કૌભાંડ છે અને હવે તેને તેમની સજા થશે. કૌભાંડનો એક તાર ખોલવામાં આવે તો તેની સાથે અનેક તાર પણ ખુલી શકે છે. આવા જ એક જમીન કૌભાંડમાં લખતરના ઠાકોર બલભદ્રસિંહની જમીન કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ શરૂ થઈ છે. આ જમીનનો કેસ કોર્ટમાં ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. લખતરમાંથી જ આવતા જયરાજસિંહ જાડેજા કલેક્ટરના પીએ છે અને તેઓ બલભદ્રસિંહ ઠાકોરના ગામના જ વતની છે. તેમની કૌટુંબિક જમીનના વિવાદમાં કલેક્ટરના પીએની પણ સંડોવણી હોવાનું માનવામાં આવે છે.

આ ઉપરાંત ઇડીએ નાયબ કલેક્ટર ડો. ચંદ્રસિંહ મૌરીની ધરપકડ કરી છે. આ ઉપરાંત ક્લાર્ક મયૂરસિંહ ગોહિલ અને હાઈકોર્ટના વકીલ સહિત પાંચેકની પૂછપરછ કરવામાં આવી છે. કલેક્ટર તરીકે રાજેન્દ્ર પટેલે હોદ્દો સંભાળ્યા પછી નળસરોવર, ધ્રાગંધ્રાના માલાવણ, લખતરના તલસાણા અને પાટડીના સોલર પ્લાન્ટમાં મોટાપાયા પર કરવામાં આવેલો જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ કૌભાંડનો આંકડો 1,500 કરોડથી પણ વધુ રકમનો હોવાનું કહેવાય છે.

ઇડીએ તેમા ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરની ઓફિસેથી મોટાપાયા પર દસ્તાવેજો જપ્ત કર્યા છે. કલેક્ટરને ત્યાંથી 100થી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી છે. આ જ રીતે ડેપ્યુટી કલેક્ટરને ત્યાંથી પણ મોટાપાયા પર દસ્તાવેજો જપ્ત કરાયા છે. આગામી દિવસોમાં આ જપ્ત કરાયેલી ફાઇલો અને દસ્તાવેજો બહુ મોટી રકમના કૌભાંડનો પર્દાફાશ કરે તો આશ્ચર્ય નહીં થાય. આ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર બને તેમની ફાઇલો ઘરે લઈ જતા હતા. હવે તેઓએ કેટલો વહીવટ કર્યો છે તેની પોલ આગામી દિવસમાં ખુલી શકે છે.

આ ઉપરાંત ઇડીની ફરિયાદના કારણે એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) આગામી દિવસોમાં કલેક્ટર, નાયબ કલેક્ટર, પીએ અને ક્લાર્ક સહિત ચારેય જણાની સામે અપ્રમાણસર સંપત્તિની તપાસ પણ શરૂ કરી શકે છે. એટલે આ ચારેયની સામે એક સમયે ઇડીની કાર્યવાહી પૂરી થતાં એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ની તપાસ શરૂ થઈ શકે છે. આમ પણ કમસેકમ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર પાસેની સંપત્તિ જોતા બંને સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ ચાલે તેવી પૂરેપૂરી સંભાવના છે. તેમની પાસે જે સંપત્તિ અને જમીન છે તે કંઈ સરકારી નોકરીમાં પગારથી તો આવે તેવી જરા પણ સંભાવના છે. આ બધુ બીજા રસ્તેથી જ શક્ય બન્યું હોવાનું ઇડી માને છે.

આજે એક જ સરકારી વિભાગના અધિકારી ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મૌરીએ બીજા સરકારી વિભાગ ઇડીના મહેમાન બનવું પડે તેનાથી શરમજનક બાબત કોઈ નથી. ઇડી તો આ કેસમાં હવે કયા પ્રકારે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે તેની ચકાસણી કરશે. કૌભાંડીઓના નાણા કંઈ સાચા રસ્તે તો વપરાય જ નહી. તે પણ કયા બીજા કૌભાંડમાં ફરતા થયા છે તે પણ જોવાનું રહેશે.

આ ઉપરાંત ઇડીએ દરોડા પાડ્યા તેના થોડા જ સમય પહેલા ડેપ્યુટી કલેક્ટર ચંદ્રસિંહ મૌરી, ગોહિલ અને બારડની બદલીના આદેશ મહેસૂલ ખાતામાંથી છૂટ્યા હતા. શું મહેસૂલ ખાતાના ઉચ્ચ અધિકારીઓને ગંધ આવી ગઈ હતી કે દિલ્હીથી ઇડીની ટીમ ત્રાટકવાની છે. શું મહેસૂલ ખાતાના ટોચના અધિકારીઓ આ ત્રણેયને બચાવવા માંગતા હતા, આવા અનેક સવાલો આ તાત્કાલિક બદલીને લઈને ઉઠ્યા છે.

સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ 2015ની બેચના આઇએએસ અધિકારી છે.  તેઓ અગાઉ સુરતના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કામગીરી કરી ચૂક્યા છે. તેમના વતનમાં તેમની પાસે 70થી 75 વીઘા જમીન હોવાનું કહેવાય છે. અમદાવાદમાં તે ફ્લેટના માલિક છે. આ સિવાય અન્ય સ્થળોએ તે પાંચ કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતની જમીન ધરાવતા હોવાનું કહેવાય છે. આગામી દિવસોમાં તપાસ પછી વધુ ફણગા ફૂટે અને બીજી પણ નવી મિલકતો મળી આવે તો આશ્ચર્ય નહી થાય. કૌભાંડ કરનારાઓ અનેક રીતે બેનામી મિલકતો રાખતા હોય છે. તેને શોધવી પણ અઘરી હોય છે. આ સિવાય ક્રિપ્ટોકરન્સીમાં પણ સોદા થતા હોય છે, આ કૌભાંડીઓ કૌભાંડની એવી જાળ ગૂંથી નાખે છે જેથી તેનો છેડો તપાસ એજન્સીઓ પકડે તે પહેલાં પોતે છૂ થઈ જાય.

જો કે અહીં એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે પકડાયા તે તો કટકી કરનારા લોકો જ છે, જે મોટા કૌભાંડનો કટકો ખાતા હોઈ શકે છે. તેથી મોટું કૌભાંડ કરનારા કોઈ મોટા માથા હોય તો આશ્ચર્ય નહી થાય. બીજા શબ્દોમાં કહીએ તો ઇડીએ હાલમાં તો કૌભાંડ અને કૌભાંડીઓનો એક જ છેડો પકડ્યો છે. બીજા છેડો તો હજી પકડાયો જ નથી. આ બીજો છેડો હાથમાં આવશે નહીં ત્યાં સુધી અસલી કૌભાંડીઓ તો પણ હાથમાં નહીં આવે. ચમરબંધીઓને પકડવાની વાતો થાય છે ખરી, પરંતુ ચમરબંધી ક્યારેય પક્કડમાં આવતા નથી. હવે અહીં તપાસનો વિષય ફક્ત એટલો જ છે કે કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને જાણે બીજા લોકોએ કૌભાંડથી બચાવવા તેમને આગળ ધરી દીધા છે, તે કૌભાંડનો હિસ્સેદાર છે, નાનો હિસ્સો લેનાર છે કે કૌભાંડની ચાવી જ તેમની પાસે છે, આવા અનેક રહસ્યના વમળો આ કૌભાંડના તાણાવાણાને લઈને સેવવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો