કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) ચીમકી આપી છે કે સમાજ માટે અને મારા આદિવાસી (Tribal) બાંધવો માટે જરૂર પડી તો પક્ષ છોડતા પણ ખચકાઈશ નહી. આના પગલે ગુજરાત કોંગ્રેસ (Congress) માં મોટો ધ્રૂજારો વ્યાપી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વર્તમાન શાસક પક્ષ સામે જનાક્રોશ રેલી કાઢીને પક્ષને મજબૂત કરવામાં લાગેલા છે તે સમયે જ દક્ષિણ ગુજરાતના આ નેતાએ પછાડેલા ધોકાના પગલે પક્ષને ચિંતાની લાગણી ઘેરી વળી છે.

અનંત પટેલ (Anant Patel) 2022માં ભાજપની પ્રચંડ બહુમતી વચ્ચે ચૂંટાયા હતા
પક્ષના વાંસદાના ધારાસભ્ય 2022માં ભાજપ (BJP) ની પ્રચંડ બહુમતી અને આખા ગુજરાતમાં ફરી વળેલા રોલર છતાં પણ વાંસદાની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. આ બાબત જ સૂચવે છે કે અનંત પટેલ ની લોકપ્રિયતા કેટલી છે. શિક્ષક તરીકેની કારકિર્દી ધરાવતા આ રાજકારણી સમાજ સેવા કરતાં-કરતાં ક્યારે રાજકારણનો હિસ્સો બની ગયા તેની તેમને પોતાને ખબર ન રહી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે રાજકારણ કરવા રાજકારણમાં નથી આવ્યા, પરંતુ દક્ષિણ ગુજરાતના લોકોની સેવા કરવાના તથા તેમને મુખ્યપ્રવાહનો હિસ્સો બનાવવાના ધ્યેય સાથે રાજકારણમાં આવ્યા છે.
પક્ષમાં અત્યારે આંતરિક જૂથબંધી અને આંતરિક ખેંચતાણ અત્યંત તીવ્ર છે તે સમયે તેઓનું નિવેદન સૂચક માનવામાં આવે છે. તાજેતરમાં જ સ્થાનિક સ્તરે થયેલી નિમણૂકોમાં ભરતસિંહ જૂથના આગેવાનોની નિમણૂક ન થતાં આ જૂથે પક્ષની અંદર જ માથું ઉચક્યું છે અને તે પક્ષની અંદર મોટા હોદ્દાઓ માટે જબરદસ્ત લોબીઇંગ કરી રહ્યું છે. તેના કારણે પક્ષની અંદર આંતરિક ખેંચતાણ વધુ તીવ્ર બની છે.

કોંગ્રેસ નિષ્ક્રિય રાજકીય આગેવાનોને કાયમ માટે નિષ્ક્રીય કરવાની ફિરાકમાં
આ ઉપરાંત પક્ષ લાંબા સમયથી નિષ્ક્રીય રહેલા નેતાઓને કાયમ માટે નિષ્ક્રીય કરી દેવાની ફિરાકમાં છે. તેમા પક્ષના હાલના ઘણા મોટા દાવેદારોનો નંબર લાગી જાય તેમ માનવામાં આવે છે. તેના કારણે પક્ષના કેટલાય લોકો પોતાના હોદ્દા બચાવવાની ફિરાકમાં પડ્યા છે તો કેટલાય લોકોએ કમર કસી લીધી છે. કેટલાય લોકોએ પક્ષ સામે બાંયો ચઢાવવાનું નક્કી કરી લીધું છે. આ સિવાયના પક્ષના અગ્રણીઓએ બીજે ગોઠવણ કરવાનું શરૂ કરી દીધું છે.
પક્ષમાં તાજેતરમાં જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિજ્ઞેશ મેવાણી સામસામે આવી ગયા હતા. હાઈકમાન્ડે દરમિયાનગીરી કરીને આ વિવાદને માંડમાંડ ઠંડો પાડ્યો છે. હવે વાંસદાના ધારાસભ્યએ ધોકો પછાડતા પ્રદેશ નેતાગીરી દોડતી થઈ જાય તો નવાઈ નહી લાગે. તેઓએ તેમની દક્ષિણ ગુજરાત પર કેવી પક્કડ છે તે 2022માં જ બતાવી દીધુ હતું.

વાંસદાના ધારાસભ્ય છેલ્લાં કેટલાક સમયથી પક્ષથી છે નારાજ
આ ઉપરાત તે તાજેતરમાં કેટલાય સમયથી પક્ષથી નારાજ થઈને ચાલતા હોવાનું માનવામાં આવે છે. તેઓને લાગી રહ્યુ છે કે પક્ષની અંદર તેઓ આદિવાસીઓનો એકમાત્ર અવાજ હોવા છતાં પક્ષની નેતાગીરી તેમને જોઈએ તેવું મહત્વ આપતી નથી. તેમની વાત ઘણે અંશે સાચી પણ છે. જો આજે પક્ષ પાસે દક્ષિણ ગુજરાતમાં તેમના સિવાય કોઈ આદિવાસી નેતા જ દેખાતો નથી. તેથી જો તેઓ પક્ષ છોડે તો પક્ષે દક્ષિણ ગુજરાત કાયમ માટે ભૂલી જવાનો વારો આવે.
દક્ષિણ ગુજરાતના લોકો તેમના નેતાનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે. તેમણે એકલા હાથે પાર-તાપી-નર્મદા નદીને જોડવાના કારણે તેઓની જમીન ડૂબમાં જતી હોવાથી તેની સામે બરોબરની લડત આપી હતી અને તેના કારણે સરકારે આ પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢાવી દેવાની ફરજ પડી હતી. આ લડતના કારણે તેઓ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં નિર્વિવાદ નેતા થઈ ગયા હતા. તેઓ વિધાનસભાની વિવિધ સમિતિઓમાં પણ તે હોદ્દા પર કામ કરી ચૂક્યા છે.

પાર-તાપી નર્મદા યોજનાનો વિરોધ કરી એકલા હાથે અપાવ્યો હતો ન્યાય
રાજકીય સમીક્ષકો વાંસદાના આ ધારાસભ્યની ચીમકીને જુદા જ સંદર્ભમાં જુએ છે. તેઓનું માનવું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પક્ષ તેઓને ટિકિટ ન આપે તેવું જરા પણ બની ન શકે. વાંસદામાં લોકો પક્ષના નામે નહીં પણ તેમના નામે મત આપે છે. હવે તેમણે આપેલી ચીમકીને રાજકીય સમીક્ષકો કદ મોટું કરવાના તેના પ્રયત્ન તરીકે જોઈ રહ્યા છે. તેઓનું માનવું છે કે તેઓને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ એક રાજકીય પક્ષ તરીકે શાસક પક્ષ સામે જેટલી આક્રમકતાથી પ્રચાર કરે છે તેટલી આક્રમકતાથી પ્રચાર કરતી નથી અથવા કરી શકતી નથી.

આમ આદમી પાર્ટી સાથે સાંઠગાંઠ
બીજી બાજુ તેનાથી વિપરીત તેઓએ પોતે આદિવાસી મુદ્દાઓને લઈને આક્રમક અભિગમ માટે જાણીતા છે. પક્ષનું સુષ્ઠુ-સુષ્ઠુ રાજકારણ તેમને બહુ માફક આવી રહ્યુ હોય તેમ લાગતું નથી. તેમની માનસિકતા ક્યાંય કુલડીમાં ગોળ ભાંગવાની નહીં, પરંતુ સીધા લડી લેવાની છે. તેના કારણે તેમને આમ આદમી પાર્ટી(આપ)નું વલણ અનુકૂળ આવ્યું હોવાનું લાગે છે. આમ આદમી પાર્ટી જે રીતે સરકારને પડકારે છે, શાસક પક્ષને પડકારે છે તે શૈલી તેમને ગમે છે અને તેમની પોતાની પણ શૈલી આ જ પ્રકારના રાજકારણની છે. બીજી બાજુએ પક્ષના વિરોધના રાજકારણની ધાર બુઠ્ઠી છે અને આમ આદમી પાર્ટીની ધાર તેજ છે. તેની સાથે સામા પક્ષે આમ આદમી પાર્ટીને પણ અનંત પટેલ જેવા તેજતર્રાર નેતાની જરૂર છે, જે શાસનને સતત ચાબખા મારતા રહે. વાંસદાના આ ધારાસભ્યને હવે લાગવા માંડ્યું છે કે પક્ષ કદાચ ગુજરાતમાં ફરીથી સત્તા પર ક્યારે આવે તે બહુ મોટો સવાલ છે, પણ આમ આદમી પાર્ટી સરકારને જે રીતે દોડતી રાખી રહી છે અને આક્રમક પ્રહારો કરી રહી છે તે જોતાં વહેલા કે મોડાં ગુજરાતીઓની માનસિકતા મુજબ આ પક્ષમાં કરેલું રોકાણ ફળી શકે છે. તેથી તેમણે પવન જોઈને પોતાને સઢ બદલવા માંડ્યો છે, જેથી તેમની રાજકીય નાવને યોગ્ય કિનારા પર લાંગરી શકાય. હવે ગુજરાતમાં પક્ષ વાંસદાનો આ ગઢ કેટલો સાચવી શકે છે તેનો આધાર તેની રાજકીય મુત્સદીગીરી પર આધારિત છે. પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ જુદી-જુદી દિશામાં દોડી જતાં તેના રાજકીય જૂથોને એક જ દિશામાં દોડતા કરવાની મહત્વની જવાબદારી અદા કરવાની છે.
