Jamnagar News : જામનગર શહેરમાં નવા બનેલા ફ્લાયઓવર બ્રિજ પર શિવરાત્રીની મોડી રાત્રે અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યુ હતું.. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા આ નવા બ્રિજ (New Flyover)પર નોંધાયેલો આ પ્રથમ જીવલેણ અકસ્માત હોવાનું જાણવા મળે છે.
મૃતક યુવાનની ઓળખ દિનેશ વેલજીભાઈ રાઠોડ (ઉંમર 21), રહેવાસી ખેતીવાડી ફાર્મ શેરી નં. 8, જામનગર તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિનેશ પોતાનું બાઈક (નં. GJ 10 CA 6675) લઈને ઓવરસ્પીડમાં નવા ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યો હતો.

અકસ્માત સુભાષ બ્રિજ નજીક, ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે નવા પુલના ઉપરના ભાગે ડાબી બાજુએ બન્યો હતો. ઓવરસ્પીડના કારણે બાઈકનું સંતુલન બગડતા તે પુલની આરસીસી દીવાલ સાથે જોરદાર અથડાયું હતું. અથડામણ એટલી ગંભીર હતી કે દિનેશ બાઈક સાથે નીચે પટકાયો હતો.
આ અકસ્માતમાં દિનેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત (Dies) જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ મૃતકના પિતા વેલજીભાઈ દેવાભાઈ રાઠોડે પોલીસને કરી હતી. માહિતી મળતા જ પી.એસ.આઈ. એમ.વી. મોઢવાડિયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતનું કારણ અને અન્ય પરિસ્થિતિ અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે.
