Surat News/ સુરત વસ્તાદેવડી રોડ પર અકસ્માત, BCA વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ મોત

સુરતના (surat) વસ્તાદેવડી રોડ પર સોમવાર સાંજે થયેલા ગંભીર અકસ્માતમાં કોલેજના વિદ્યાર્થીનું મોત થયું છે. મોપેડ લપસી જતા યુવક બસના ટાયર નીચે આવી ગયો હતો.

Gujarat Surat
surat

સુરતના (surat) વસ્તાદેવડી રોડ પર સોમવાર સાંજે એક દુઃખદ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ થયું છે. GSRTCની વોલ્વો બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા મોપેડ લપસી જતા બસના ટાયર નીચે કચડાઈ જવાથી 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી મોત થયું હતું. પરિવારના એકના એક દીકરાના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.

 સુરતની (surat) ની જે.ઝેડ. શાહ કોલેજમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થી

પ્રાપ્ત માહિતી અનુસાર, જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી ‘શ્રીકોન વિંગ્સ’માં રહેતા ગિરીશ બુંદેલા સુરક્ષા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેમનો પુત્ર જશ બુંદેલા છાપરાભાઠા સ્થિત જે.ઝેડ. શાહ કોલેજમાં BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સોમવારે સાંજે અંદાજે 4:30 વાગ્યે કોલેજમાંથી ઘરે પરત ફરતી વખતે વસ્તાદેવડી રોડ પર આ દુર્ઘટના બની હતી.

જ્યારે જશ મોપેડ લઈને આગળ જઈ રહ્યો હતો ત્યારે તેની આગળ GSRTCની વોલ્વો બસ હતી. બસને ઓવરટેક કરવા જતા સામે તરફથી એક બાઈક આવતાં તેણે અચાનક બ્રેક મારી હતી. તે દરમિયાન મોપેડનું સંતુલન ગુમાતા વાહન લપસી ગયું અને જશ સીધો ચાલતી બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો.

Surat
Surat

બસચાલક સામે કાયદેસરની કાર્યવાહી

અકસ્માત બાદ આસપાસના લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જશને સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં મહીધરપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને બસચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરી છે.

surat volvo
surat-volvo

પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ

જશ પરિવારનો એકમાત્ર પુત્ર હતો. યુવાન વયે આશાસ્પદ વિદ્યાર્થીના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના બાદ જહાંગીરાબાદ વિસ્તારમાં પણ શોકની લહેર ફરી વળી છે, જ્યારે કોલેજના મિત્રો અને શિક્ષકો પણ ગહન શોક વ્યક્ત કરી રહ્યા છે.


આ પણ વાંચો:સુરતમાં સ્કૂલ બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી

આ પણ વાંચો:સુરતમાં બસ ચાલકોની હડતાળ, એજન્સીને કોર્પો.ને ફટકાર્યો જંગી દંડ

આ પણ વાંચો:સુરતના સચિન ફોજીવાલા રોડ પર અકસ્માત, BRTS બસ ચાલકે અડફેટે લેતા બાઈકચાલકનું મોત