Botad Anganwadi Corruption: ગુજરાત સરકાર બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ બોટાદના શંકરપરામાં આવેલી આંગણવાડીના દ્રશ્યો જોઈને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. લાખોના ખર્ચે નવી બનેલી આંગણવાડી ગણતરીના સમયમાં જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે નિર્દોષ ભૂલકાંઓના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.
Anganwadiમાં ભોંયતળિયે ખાડા અને ઉખડેલી લાદીઓ
શંકરપરાની આ આંગણવાડીની અંદરની હાલત અત્યંત દયનીય છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં ભોંયતળિયાની લાદીઓ ઉખડી ગઈ છે અને જમીનમાં મોટા-મોટા ખાડા પડી ગયા છે. અહીં અભ્યાસ કરવા અને પૌષ્ટિક આહાર લેવા આવતા નાનાં બાળકો ગમે ત્યારે આ ખાડામાં પટકાઈ શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
સ્થાનિક નાગરિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રહીશો એવો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે આંગણવાડીના બાંધકામમાં અત્યંત હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે મંજૂર થયેલા બિલ મુજબ જે ગુણવત્તાનું કામ થવું જોઈતું હતું, તેવું કોઈ જ કામ જમીન પર દેખાતું નથી. વધુમાં, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આંગણવાડીની લાખોની ગ્રાન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
તંત્ર ક્યારે જાગશે?
જ્યારે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થતા હોય ત્યારે સ્થાનિક પ્રશાસન મૌન કેમ છે? તેવો સવાલ જનતા પૂછી રહી છે. ભ્રષ્ટાચારના આ ખાડા માત્ર આંગણવાડીની જમીન પર નથી, પણ સરકારી સિસ્ટમમાં પણ પડી ગયા હોય તેવું જણાય છે. જો તાત્કાલિક આ આંગણવાડીનું સમારકામ કરવામાં નહીં આવે, તો કોઈ માસૂમ બાળક તેનો ભોગ બની શકે છે.
