Gandhinagar News: ગુજરાતમાં નવેમ્બર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવી કોઈ સંભાવના નથી. સ્વાભાવિક રીતે આ બાબત ચૂંટણી માટે ઉત્સાહમાં તૈયાર થયેલા શાસક પક્ષ અને વિપક્ષ બંનેને આંચકો આપે તેવી છે. તેમા પણ શાસક પક્ષે તો સંગઠનની પુર્નરચના પણ કરી નાખી છે અને વિપક્ષમાં આ પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તમે જો પરિસ્થિતિ પર નજર નાખો તો સ્પષ્ટ સમજાઈ જાય તેમ છે.
મતદારયાદી સુધારણાના લીધે ચૂંટણી પહેલા પાછી ઠેલાઈ
હાલમાં તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે ત્રણ મહિના પાછી ઠેલવામાં આવી છે. એટલે કે વર્તમાન સ્થિતિ મુજબ આ ચૂંટણી એપ્રિલમાં યોજાય તેવી પૂરેપૂરી સંભાવના માનવામાં આવતી હતી. આના પગલે તે સ્પષ્ટ પણ થઈ ગયું હતું કે એપ્રિલમાં જ ચૂંટણી યોજાશે. એપ્રિલના પ્રથમ પખવાડિયામાં સ્કૂલોની પરીક્ષા પણ પૂરી કર દેવાનું તંત્રને જણાવી દેવામાં આવ્યુ હતુ. જ્યારે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરી થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ડ્રાફ્ટ યાદીમાં 73 લાખ મતદારોની બાદબાકી થઈ છે. આના પગલે કેટલાય લોકો જેમના નામ રહી ગયા છે તેને તેઓ પડકારે તેવી સંભાવના પણ છે. હવે આ લોકોના નામ અંતિમ મતદાર યાદીમાં આવે નહીં ત્યાં સુધી અંતિમ મતદારયાદી બહાર પડી પણ ન શકે. તેથી સૌથી પહેલો વિલંબ તો અંતિમ મતદારયાદી બહાર પડવામાં જ થઈ શકે છે.
વર્તમાન સમય મુજબ તો ફેબ્રુઆરીની 16મી અંતિમ તારીખ છે, પરંતુ સરકારી કામકાજ જે રીતે થતું હોય છે તે જોતાં માર્ચ મહિનો પણ પૂરો થઈ જઈ શકે છે. રાજ્યમાં સંખ્યાબંધ લોકોએ મતદારયાદીમાંથી બાકાત થવાના કારણે ચૂંટણીપંચના નિર્ણયને પડકાર્યો છે. તેના કારણે અંતિમ મતદારયાદીની પ્રક્રિયા નિયત તારીખ કરતાં વધુ સમય સુધી લબાઈ શકે છે.
નવી વસ્તી ગણતરીના કારણે ચૂંટણીની સંભાવના ટળી
બીજી બાજુએ કેન્દ્ર સરકારે નવી વસ્તી ગણતરી પહેલી એપ્રિલ 2026થી શરૂ કરવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં તો આ વસ્તી ગણતરી 2011ના દાયકા બાદ 2021માં જ કરવામાં આવનાર હતી, પરંતુ કોરોનાના કારણે તે મોકૂફ રહી હતી અને હવે આ ગણતરી પહેલી એપ્રિલ 2026ના રોજ શરૂ થઈ રહી છે. વસ્તી ગણતરીની આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલવાનો અંદાજ છે એટલે કે છ મહિના સુધી ચાલી શકે. તેમા પણ પહેલી વખત જ ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. એટલે કે વસ્તી ગણતરી કરવા આવનારા પાસે કંઈ કાગળપત્રી નહીં હોય, પરંતુ મોબાઇલ એપ્લિકેશન હશે અને તેમા તે નોંધ કરશે. આ ઉપરાંત પહેલી વખત જ્ઞાતિદીઠ વસ્તી ગણતરી પણ કરવામાં આવી રહી છે. અને તેમા પણ પહેલી વખત પાકા મકાનોથી લઈને કાચા મકાનો બધાની ગણના કરવામાં આવનારી હોવાથી તેનો સમય લંબાઈ પણ શકે છે. તેથી પહેલી એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરીની આ પ્રક્રિયા આખુ નાણાકીય વર્ષ ચાલે તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ.
મતદારયાદીના કામમાંથી નવરા પડેલા શિક્ષકો વસ્તી ગણતરીમાં જોતરાશે
આ વસ્તી ગણતરી માટે કંઈ કેન્દ્ર સરકાર અલગથી સ્ટાફ ફાળવવાની નથી. મતદાર યાદી સુધારણાનું કામ જેમ શિક્ષકો પાસે કરાવવામાં આવ્યું હતું તે જ રીતે આ કામ શિક્ષકોથી માંડીને અન્ય સહાયક સ્ટાફ પાસે આ કામ કરાવવામાં આવશે તેમ મનાય છે. આના કારણે આ સંજોગોમાં વર્તમાન સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવી તંત્ર માટે જ શક્ય નથી.
કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીની પ્રક્રિયાને બે તબક્કામાં વહેંચી દીધી છે. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ મકાનોની ગણતરી થશે. તેમા મકાનોની વિગતો, વીજળી, પાણી, શૌચાલય અને ગેસ જોડાણ જેવી પાયાની સગવડોની વિગતો મેળવવામાં આવશે. બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિની વિગતો નોંધવામાં આવશે.
આ વખતે સરકારે નાગરિકોને તેમની વિગતો જાતે ભરવાનો વિકલ્પ પણ આપ્યો છે. રાજ્યમાં હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થાય તેના 15 દિવસ પહેલાં જનતા ઓનલાઇન પોર્ટલ અથવા મોબાઇલ એપ દ્વારા તેની વિગતો જાતે ભરી શકશે. તેના પછીના 30 દિવસોમાં સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને બાકીની વિગતો નોંધશે.
વસ્તી ગણતરી ડિજિટલ હશે
આ વખતની વસ્તી ગણતરીની ખાસિયત એ હશે કે તેમાં કાગળ કે પેનનો ઉપયોગ જ નહીં થાય. તેના બદલે મોબાઇલ એપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ વસ્તી ગણતરીનો ફાયદો એ હશે કે તેના કારણે ડેટામાં ભૂલોની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થશે. તે સીધો સર્વર પર અપલોડ થવાથી તેના આંકડા વહેલા જાહેર કરી શકાશે. આ ઉપરાંત આ વખતે 1931 પછી પહેલી વખત એટલે કે લગભગ એક સદી પછી પહેલી જ વખત જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ ગણતરી સામાજિક મોડેલ માટે મહત્વની નીવડી શકે છે. આ વસ્તી ગણતરી ભારતનું નવું આર્થિક અને સામાજિક માળખુ રચવામાં મહત્વની સાબિત થશે.
આ સ્થિતિ વચ્ચે ફેબ્રુઆરીમાં મતદારયાદી સુધારણામાંથી નવરા પડેલા અધ્યાપકો બોર્ડની ચૂંટણીની વ્યવસ્થામાં લાગશે. આ બધુ માર્ચમાં પૂરુ થશે અને હજી નિરાંતનો પણ શ્વાસ લીધો નહીં હોય તેવા સંજોગોમાં દેશની ડિજિટલ વસ્તી ગણતરીના અભિયાનનો આરંભ થશે.
હવે આ શિક્ષકોને કંઈ સીધા વસ્તી ગણતરીમાં ઝોંકી નહી દેવાય. તેમનો કમસેકમ એક અઠવાડિયાનો ટ્રેનિંગ કેમ્પ થશે. તેમા તેમને ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમ આપવામાં આવશે, તેના પ્રેક્ટિકલ બતાવવામાં આવશે. તેના પછી તેઓ વસ્તી ગણતરીનું કામ શરૂ કરશે. આ સંજોગોમાં કઈ રીતે એપ્રિલ કે મેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે મોટો સવાલ છે.
આ જોતાં એમ જ થાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જાણે કાળ ગ્રસી ગયો છે. આ સંજોગોમાં ચૂંટણીપંચ પણ તેની પાસેના સંસાધનોના અભાવે કેવી રીતે ચૂંટણી યોજી શકે તે પણ સવાલ છે. તેથી ચૂંટણીને પાછી ઠેલવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહે તેમ લાગે છે. તેથી રાજકીય પક્ષોએ પણ ચૂંટણીમાં આ વિલંબને સહન કર્યા વગર છૂટકો નહીં રહે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
