સરદાર વલ્લભભાઈ પટેલે તેમને બગલમાં થયેલી ચેપી બીમારીનો ઇલાજ લ્હાય જેવા લોખંડના સળિયા વડે કર્યો હતો. હવે આવું જ મનોબળ અમદાવાદના સરદાર નગર વિસ્તારે બતાવવું પડે તેવા દિવસો આવી ગયા છે.
અમદાવાદમાં એરપોર્ટનું મોટાપાયા પર વિસ્તરણ થવાનું છે. અમદાવાદ એરપોર્ટ પર વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખતા આ પગલું ભરવામાં આવી રહ્યું છે. આના લીધે અમદાવાદના સરદાર નગર વિસ્તારની કાયાપલટ થઈ જશે તેમ માનવામાં આવે છે.

અમદાવાદનો આ પછાત મનાતો વિસ્તાર આગામી દિવસોમાં પ્રીમિયમ વિસ્તાર બનીને ઉભરી આવે તેવી સંભાવના છે. તેનું કારણ એ છે કે એરપોર્ટનું વિસ્તરણ થવાની સાથે એરપોર્ટની જોડેનો આખો વિસ્તાર પોશ વિસ્તાર થઈ જશે. અનેક ફાઇવ સ્ટાર હોટેલો ત્યાં આવશે તેની સાથે આખા વિસ્તારને જ નવું સ્વરૂપ મળશે. આમ સરદાર નગર હવે નવા વાઘા સજવા માટે સજ્જ થઈ રહ્યું છે.
પણ કહેવાય છે કે કશું મફતમાં મળતું નથી વિકાસની કિંમત ચૂકવવી જ પડે છે. આ કિંમત સરદાર નગરના રહેવાસીઓએ ચૂકવવી પડશે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 3,505 મીટર લાંબા રનવેની સમાંતર 1895 મીટરનો અડધો ટેક્સી વે કાર્યરત છે. જ્યારે બાકીના 1,610 મીટરનો ટેક્સી વે પૂરો કરવા માટે અવરોધરૂપ બાંધકામનો દૂર કરવામાં આવનારા છે.

આમ અમદાવાદના સરદાર નગરના રહેવાસીઓએ તેમના પછાતમાંથી પ્રીમિયમ બનતા વિસ્તારની કિંમત ચૂકવવી પડશે. આ એરપોર્ટ વિકસાવવા અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં મોટાપાયા પર ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ માટેની તૈયારીઓ તંત્રએ કરી દીધી છે. આમાં કેટલાય મકાનો ગેરકાયદેસરના હોવાનું પણ જાણવા મળ્યું છે. તે ફક્ત 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર લઈને અપાયા હોવાનું પણ જણાયું છે. તેની સાથે જે મકાનો કાયદેસર છે તેને નોટિસ ફટકારવામાં આવી છે. તેના પછી તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. મ્યુનિસિપાલિટીને મહેસૂલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે લગભગ 200થી વધુ મકાનો ગેરકાયદેસર છે અને તે બધા મકાનો તોડી પાડવામાં આવશે.
આ મકાનોને તોડતા અટકાવવા માટે હાઈકોર્ટમાં કોઈ સ્ટે ન લાવી શકે તે માટે કેવિયટ પણ ફાઇલ કરી દેવામાં આવી છે. આ તોડફોડમાં અવરોધ સર્જનારા સામે કલેક્ટરની કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તૈયારી છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ કાફલો પણ જોડા રાખવામાં આવનાર છે.

એરપોર્ટ ઓથોરિટીએ આ જમીન વર્ષો પહેલા સંપાદિત કરી હતી, પણ આ જગ્યા ખુલ્લી હોવાથી તેના પર અનેક ગેરકાયદે બાંધકામ થઈ ગયા હતા. સ્થાનિકોએ વર્ષોથી આ જગ્યા પર દબાણ કરી દીધુ હતુ. તેની સામે એરપોર્ટ ઓથોરિટીને પણ તે સમયે કોઈ ખાસ જરૂર ન હોવાથી તેણે સ્થાનિકો સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે તેને આ જગ્યાની જરૂર છે ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તેની જ જગ્યા પચાવનારા સ્થાનિકોને ત્યાંથી હટાવવા જરૂરી છે. આ અગાઉ પણ અહીં દબાણ હટાવવાના પ્રયત્ન થયાં ત્યારે રાજકીય દબાણ આવતું હતું અને તેના કારણે કાર્યવાહી અટકી જશે. જ્યારે આ વખતે સીએમ પોતે જ ગેરકાયદેસરના દબાણો સામે ‘ડિમોલિશન મેન’ બન્યા હોવાથી કોઈ દબાણ આવે તેવી સંભાવના જ નથી.
અમદાવાદ ઉત્તર ઝોનના ડીવાયએમસીએએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નરને આ ફાઇલ મંજૂરી માટે મોકલી આપી છે. બધા પ્રકારની મંજૂરી મળ્યા પછી આગામી ટૂંક સમયમાં આ કાર્યવાહી શરૂ થશે. તેની સાથે કોર્પોરેશને સ્પષ્ટતા કરી દીધી છે કે મહેસૂલ રેકોર્ડમાં ન હોય અને 20 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપેલા ગેરકાયદેસરના મકાનોને કોઈ વળતર આપવામાં આવશે નહીં. જ્યારે રેવન્યુ રેકોર્ડમાં હોય અને કાયદેસર હોય તેવા મકાનોને જ જંત્રી મુજબ વળતર આપવામાં આવનારું છે.

આ જોતાં આગામી સમયમાં આ મેગા ડિમોલિશન થશે ત્યારે વિવાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તેની સામે તંત્રએ પણ આ વિવાદનો સામનો કરવા માટે પૂરેપૂરી તૈયારી રાખી છે. કોર્ટથી લઈને રાજકારણી સુધી બધાને આ મેગા ડિમોલિશનથી માહિતગાર કરી દેવાયા છે. તેની સાથે કાયદેસર મકાન ધરાવનારાઓને જંત્રી મુજબ યોગ્ય વળતર આપવાની તૈયારી પણ દાખવવામાં આવી છે.
આ કામ હવે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપાલિટી અને પોલીસ તંત્ર ત્રણેયે ભેગા મળીને પૂરુ કરવાનું છે. તેથી એરપોર્ટ ઓથોરિટી અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સતત બેઠક કરી રહ્યા છે. આ કામ વધુને વધુ યોગ્ય રીતે પૂરુ થાય તે માટે પ્રયત્નશીલ છે. આ સિવાય ડિમોલિશન થવાનું છે તે બધાને નોટિસ પણ આપી દેવામાં આવી છે. બધા જ પ્રકારની જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે. તેથી ક્યાંય કાયદાનો ભંગ થયો હોય તેવી આંગળી પણ કોઈ ચીંધી શકશે નહીં.
આમ અમદાવાદના સરદાર નગરે નવો ઓપ મેળવવા માટે આ મેગા ડિમોલિશનન હથોડા વેઠવા પડશે. સોનાએ પણ સોનું બનતા પહેલાં કેવું તપવું પડે છે, બસ આ જ રીતે સરદાર નગર વિસ્તારે પણ પછાતમાંથી પ્રીમિયમ બનતા પહેલા આવા ઘણા ઘા વેઠવા પડશે.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
