બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજની સભામાં સમાજને ઉદ્દેશીને સરકાર પર તીવ્ર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તાજેતરમાં રાજ્ય સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ તેમા ઠાકોર સમાજને અન્યાય થયો છે. તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજના 38-38 ધારાસભ્યો હોવા છતાં પણ સરકારને આમાનો એકપણ મંત્રી બનવા લાયક ન દેખાયો. આ મંત્રીમંડળ વિસ્તરણ એક રીતે ઠાકોર સમાજની મશ્કરી છે.
આમ દિયોદર પછીના પખવાડિયાની પાલનપુરના ચડોતરા ગામમાં ઠાકોર સમાજનો બીજો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. દિયોદરના કાર્યક્રમમાં તો ગેનીબેન, અલ્પેશ ઠાકોરની સાથે-સાથે સ્વરૂપજી ઠાકોર હાજર હતા, પરંતુ ચડોતરા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વરૂપજી ઠાકોરની ગેરહાજરી હતી. ગેનીબેન અને અલ્પેશ ઠાકોર જ હાજર હતા.
ગેનીબેને જણાવ્યું હતું કે વર્તમાન તંત્ર દ્વારા ઠાકોર સમાજને દરેક રીતે હળાહળ અન્યાય થતો આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા હોવા છતાં પણ ઠાકોર સમાજને હોદ્દાથી લઈને સરકારી યોજનાઓ સહિતની બધી જ બાબતમાં અન્યાય કરવામાં આવે છે. કોઈપણ યોજના હોય કે હોદ્દાઓ આપવાના હોય તો ઠાકોર સમાજને કેમ હંમેશા હાંસિયે ધકેલી દેવામાં આવે છે તે મને સમજાતું નથી. રાજ્યમાં સૌથી વધુ વસ્તી હોવી શું તે ઠાકોરોનો ગુનો છે, ઠાકોરો રાજકીય લાભ માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરતાં નથી તે તેમનો ગુનો છે. તેમણે હંમેશા બીજા સમાજની ચિંતા કરે છે તે તેમનો ગુનો છે. કાયમ બીજાને રસ્તો આપ્યો છે તે તેમનો ગુનો છે. ગેનીબેનની ટિપ્પણીને લઈને રાજકીય સમીક્ષકો કહે છે કે તેમણે અલ્પેશ ઠાકોરને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણી કરી હતી.
ઠાકોર સમાજના ઉદાર વલણ અને દરેક સાથે હળીમળીને રહેવાના અભિગમને વર્તમાન શાસન નબળાઈ તરીકે જોઈ રહ્યુ છે. તેથી રાજકારણથી લઈને સંગઠનના દરેક હોદ્દા સુધી પણ તેઓ ઠાકોરને કોઈ મહત્વના સ્થાન પર મૂકતા નથી. આ જ ઘટનાક્રમના સંદર્ભમાં જાણીતા ઠાકોર કલાકાર વિક્રમ ઠાકોરની વાત અહીં ટાંકવી જરૂરી છે. સરકાર કલાકારોને મળી હતી ત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને સંઘર્ષના સમયગાળામાં પણ ટકેલો રાખનારા વિક્રમ ઠાકોરને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું, પછી વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરતાં સરકાર જાગી હતી. તેણે પછી બધા જ કલાકારોને આમંત્રણ આપ્યું હતું.
વિક્રમ ઠાકોરે પણ જણાવ્યું હતું કે અમારી શાંતિ અને અમારી ચૂપકિદીને અમારી નબળાઈ પણ સમજવામાં ન આવે. તેના કારણે વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે તેવી વાતો ઉઠવા લાગી હતી, પરંતુ તેમણે તે બધી વાત ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે પોતાની વાત રજૂ કરવી અને પોતાની નારાજગી દર્શાવવાનો અર્થ કંઈ એવો ન થાય કે અમે રાજકારણ શરૂ કરી દઈએ. અમે તો ફક્ત અમને કરવામાં આવેલા અન્યાયની વાત કરી હતી, તેની સામેની નારાજગી દર્શાવી હતી. હાલમાં તો રાજકીય કારકિર્દી શરૂ કરવાનો કોઈ ઇરાદો નથી તેમ પણ વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું. આ ઘટના પણ ઠાકોર સમાજની સરકાર કયા પ્રકારે ઉપેક્ષા કરે છે તેનું જ્વલંત ઉદાહરણ છે.
આમ ઠાકોર સમાજની ઉપેક્ષા ફક્ત રાજકીય સ્તરે જ કરવામાં આવી રહી છે તેવું નથી, પરંતુ દરેક સ્તરે કરવામાં આવી રહી છે. પછી આ સ્તર ફિલ્મ નિર્માણ જેવું સર્જનાત્મક ક્ષેત્ર પણ ન હોય. હવે સમય આવી ગયો છે કે ઠાકોર સમાજ તેમની આ ઉપેક્ષાનો પૂરી તાકાતથી જવાબ આપે. આપણા આ પ્રકારના મેળાવડાનો અર્થ ફક્ત હળીમળીને એકબીજાને શાબાશી આપીને છૂટા પડવાનો નથી, પણ એકબીજાને સમર્થન આપવાનો છે. ઠાકોર સમાજે પોતાની સંગઠન શક્તિની તાકાત આખા ગુજરાતને બતાવવાની છે.
તેમણે ઉમેર્યુ હતું કે તમારી જ સંગઠન શક્તિના કારણે આજે ઠાકોર સમાજના 38 કરતાં પણ વધારે ધારાસભ્યો વિધાનસભાની અંદર છે. હવે આ જ સંગઠનશક્તિને વધુ મજબૂત બનાવો તો ભવિષ્યમાં આપણું રાજકીય કદ હાલમાં છે તેના કરતાં પણ વધી શકે છે. આપણે આપણી સંગઠનશક્તિની ધારને હજી પણ વધારે ધારદાર બનાવવાની જરૂર છે. ફક્ત વિધાનસભાની છત નીચે જ પ્રતિનિધિત્વ મળે તેનાથી ખુશ થવાની જરૂર નથી. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણને રાજકીય પ્રતિનિધિત્વ મળે અને તેના આધારે આપણો સામાજિક વિકાસ થાય તે જોવાની જવાબદારી આપણા સમાજની છે.
તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમય ટેકનોલોજીનો છે, તેથી ઠાકોર સમાજે આગળ વધવું હોય તો ટેકનોલોજીકલી સજ્જ થયા વગર છૂટકો નથી. આપણા આખા સમાજની વિગતો આપણે પોતે જ વિકસાવેલી એક એપ્લિકેશનમાં આવી જવી જોઈએ. આપણા સમાજના મેળાવડા પણ આવી જ એક એપ્લિકેશનમાં હોવા જોઈએ. ઠાકોર યુવાનોએ તો દારૂનો નહીં પ્રગતિનો નશો કરવો જોઈએ, જીવનનો સૌથી મોટો નશો હોય તો તે પ્રગતિનો નશો છે, દરેક ઠાકોર યુવાન પ્રગતિ કરશે તો સમાજ પણ પ્રગતિ કરશે. આ પ્રગતિ જ આપણી સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવશે. તમે પાટીદાર સમાજ પાસે જોઈ શકો છો કે તેમણે સંગઠન શક્તિથી પ્રગતિ કરી અને પ્રગતિ વડે સંગઠનને વધુને વધુ મજબૂત બનાવ્યું. આ જ મોડેલનું અનુસરણ ઠાકોર સમાજ પણ કરી શકે છે. આના માટે બીજે ક્યાંય ફાંફા મારવા જવાની જરૂર નથી.
આ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના આગેવાન અલ્પેશ ઠાકોરે રાજકીય ટિપ્પણી કરવાનું ટાળતા સામાજિક વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે ગેનીબેનની વાતના જવાબમાં જણાવ્યું હતું કે આપણા સ્વરૂપજી ઠાકોરને પક્ષમાં મહત્વની ભૂમિકા મળી છે. આગામી દિવસોમાં પણ હોદ્દા મળતાં રહેશે, પરંતુ સામાજિક વિકાસ અને સામાજિક એક્તા જરૂરી હોવાની બાબત પર તેમણે વધુ ભાર મૂક્યો હતો. મજબૂત બનશો તો બધુ જ મળશે તેમ તેમણે સમાજને જણાવ્યું હતું.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
