સાયલામાં આમ આદમી પાર્ટીની મોટી જનસભા હતી અને રાજ્યની વર્તમાન સરકારથી અસંતુષ્ટ ખેડૂતોનો મોટો વર્ગ આમ આદમી પાર્ટી (AAP)ની જંગી જાહેર સભામાં પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન જેવા નેતાઓની હાજરીમાં તેમના માટે કોઈ મોટું વચન અપાય કે જાહેરાત થાય તેવી આશા રાખતો હતો, પરંતુ અહીં તો વિપક્ષે શાસક પક્ષની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા, પરંતુ ખેડૂતોને પણ વચન આપવામાં પણ દરિદ્રતા દાખવી હતી. આટલી મોટી જંગી સભામાં વચનોની લ્હાણી થતી હોય, પરંતુ વિપક્ષ વચન આપવામાં પણ નિષ્ફળ જતાં ઊંચી આશાએ ગયેલા ખેડૂતોને નિરાશ વદને પરત ફરવાનો વારો આવ્યો છે.
આમ આદમી પાર્ટીના આ પ્રકારના વલણના કારણે ખેડૂતો માટે સ્થિતિ હવે જાયે તો જાયે કહાં જેવી છે. એક બાજુએ શાસક પક્ષ ખેડૂતો માટેની બાબતોમાં ઠાગાઠૈયા કરે છે તો બીજુ બાજુએ વિપક્ષ ખેડૂતોને આભાઆંબલી બતાવે છે, પરંતુ ઠાલા વચનો આપતો નથી. આમ વિપક્ષને શાસક પક્ષ સામેના લોકોનો અસંતોષનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા છે, પણ ખેડૂતને તે તેના ઓટલા ભેગો થાય તેવું સમખાવા પૂરતું આશ્વાસન પણ આપવું નથી. ફક્ત શાસક પક્ષ પર રાજકીય પ્રહારો કરવાથી કદાચ વિપક્ષનું પેટ ભરાતું હશે, પરંતુ તેનાથી ખેડૂતોનું પેટ ભરાવવાનું નથી. તે તો નક્કર પગલાં લેવાથી જ ભરવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ લાંબા સમય પછી યોજાયેલી કિસાન મહાપંચાયતને રાજકીય પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ખેડૂતોને અપાતા ટેકાના ભાવ, ખેડૂતોને પાક વીમામાં વળતર, પાક. નિષ્ફળ જવાના કિસ્સામાં આપવામાં આવતા વળતર, નાના ખેડૂતો માટે કોઈ યોજના સહિતની કોઈ બાબત પર ખુલીને વાત ન કરતાં ખેડૂતોને જાણે આ બધી બાબતો પાછળ સમય બગાડતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જગતના તાતે છેલ્લે તો અપના હાથ જગન્નાથની જેમ જાતે જ ઉદ્યમ કરવો પડશે તેમ લાગી રહ્યું છે.
કોઈપણ રાજકીય પક્ષ આટલા મોટા પ્લેટફોર્મનો ઉપયોગ વચનોની લ્હાણી કરવામાં કરે, પછી ભલેને બધાનું પાલન કરી ન શકાય. જ્યારે અહીં આપે તો ફક્ત સરકાર ખેડૂતો પર લાઠીઓ વીંઝે છે, અગાઉ કોંગ્રેસે લાઠીઓ વીંઝતા સત્તા ગુમાવી હતી, હવે ભાજપ આ જ માર્ગે છે. તેથી ખેડૂતો પર લાઠીઓ વીંઝનારને સત્તા પરથી ઉખાડી ફેંકો તેવા આહવાન કર્યા હતા. તેમના ભાષણોનો જોશ જોતાં ખેડૂતો ભર તડકામાં બેથી ત્રણ કલાક તે આશાએ બેઠા રહ્યાં કેજરીવાલ જેવા મોટા નેતા આવ્યા છે ત્યારે હમણાં કંઇક મોટી જાહેરાત થશે, પણ અહીં જાહેરાત તો બાજુએ રહી પણ ઠાલા આશ્વાસનો પણ ન મળ્યાં. આના કારણે ખેડૂતોને પણ લાગવા માંડ્યું કે આ તો રીતસર ખેડૂત-ખેડૂત બોલે છે, સહાનુભૂતિ બતાવે છે, પરંતુ તેના કારણે તેમની સ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી.
AAPના વર્તમાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તંત્ર સામે જે ઉગ્રતાથી ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવા માંડી હતી તેનાથી ખેડૂતો ખુશ થયા હતા. ગામેગામ ખૂંદીને ખેડૂતોને સમસ્યાને તંત્ર સામે વાચા આપતા ખેડૂતોમાં રાજીપો હતો કે હાશ, ચલોને અમારું પણ કોઈ સાંભળનાર છે. અમે પણ હવે અમારા અવાજને વાચા આપી શકીએ છીએ. તેમની સમક્ષ અમારી મુશ્કેલીની રજૂઆત કરી શકીએ છીએ. તેના કારણે તંત્રના અન્યાયનો ભોગ બનેલા અને એપીએમસીના અન્યાયનો ભોગ બનેલા ખેડૂતો ખુશ હતા. તેઓ તેના કારણે આખા પક્ષને જાણે પોતાની વેદનાને વાચા આપતો પક્ષ સમજવા લાગ્યા હતા.
ગોપાલ ઇટાલિયાની સક્રિયતાના કારણે ખેડૂતોના મોટા વર્ગને આખા પક્ષ પાસેથી મોટી આશા બંધાઈ હતી, તેમને થયું હતું કે અમારું કંઇક થશે, અમારી સ્થિતિમાં સુધારો આવે તે દિશામાં આ પક્ષ કંઇક કરી શકશે. તેના અંગેનો કદાચ કોઈ રોડમેપ પણ આપી શકશે. આ જ આશાએ તો કિસાન મહાપંચાયતના નેજા હેઠળ લાખો ખેડૂતોએ આમ આદમી પાર્ટીની સભામાં હાજરી આપી હતી. હવે કેજરીવાલ જેવા મોટા નેતા ગુજરાતમાં આવે છે તો કમસેકમ તે ગમે તે સભા કરે અને આટલું મોટું પ્લેટફોર્મ હોય કંઇક મોટી જાહેરાતની આશા તો બધાને હોય, પરંતુ તેના બદલે આ તો દિવાળી પછી જાણે ફટાકડાનું સૂરસુરિયું પણ ન થયું. ઘણા ખેડૂતો જાણે મૂછમાં કહેતા હતા કે કદાચ કમોસમી વરસાદની કે માવઠાની અસર હવે આમ આદમી પાર્ટી પર પણ થઈ ગઈ લાગે છે.
ખેડૂતોને કમસેકમ એટલી ખબર પડી ગઈ કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોનો હામી હોય એટલે તેનો અર્થ એવો ન કરી શકાય કે આખો પક્ષ તેમની પાછળ લાગી જશે, ગોપાલ ઇટાલિયા બહુ-બહુ તો વિસાવદરના પ્રશ્નો રજૂ કરી શકે, આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને આગેવાન ન બની શકે. તેમા પણ ગોપાલ ઇટાલિયા સ્વતંત્ર હોય ત્યારે જે રીતે ખીલી ઉઠે છે તેવું તે કેજરીવાલની હાજરીમાં ખીલી શક્યા ન હતા તેમની તે મર્યાદાની નોંધ પણ ખેડૂત સમાજે લીધી. ખેડૂતોને લાગ્યું કે અમારો સિંહ જાણે પક્ષના વડાની હાજરીમાં સરકસનો સિંહ હોય તેમ વર્ત્યો, જે તેમને ગમ્યું નથી.
આ જોતાં એમ જ લાગે છે કે અત્યારે ખેડૂતોની ધીરજની બધે જ પરીક્ષા થઈ રહી છે. સરકાર, વિપક્ષ અને આબોહવા પણ જાણે ખેડૂતોની પરીક્ષા લઈ રહી છે અને તેમાથી રસ્તો પણ તેણે પોતે જ કાઢવો પડશે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
