અલ્પેશ ઢોલરિયા
રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ તેમના પર ઠગાઈના આરોપ પછી વળતો પ્રહાર કરતાં તેમની સામે ફરિયાદ કરનારા મહેશ હીરપરા પર 10 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો છે. તેમણે તેમની સામે થયેલા આક્ષેપ અંગે જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય ચાલબાજી અને કાવતરું હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. મહેશ હીરપરા નામની વ્યક્તિને હું પોતે ઓળખતો પણ નથી તો પછી નાણાકીય વ્યવહારની વાત જ ક્યાંથી આવી. આ વ્યક્તિ પણ મને લાગે છે કે કોઈનો હાથો જ બન્યો છે અને પડદા પાછળ બીજું કોઈ છે.
અલ્પેશ ઢોલરિયાએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે આ માટે પોલીસ મારી અને ફરિયાદી મહેશ હીરપરાની મોબાઇલ કોલ ડિટેલ પણ ચેક કરાવી શકે છે. આ ઉપરાંત બ્રેઇન મેપિંગથી લઈને લાઇ ડિટેક્ટર ટેસ્ટ બધા માટે અલ્પેશ ઢોલરિયાએ તૈયારી બતાવી હતી. અલ્પેશ ઢોલરિયા પણ જાણે છે કે એક જ ડાઘ આખી રાજકીય કારકિર્દી ખતમ કરી શકે છે, તેથી તેમણે આ આક્ષેપોમાં દમ નથી અને પોતે સત્યના પક્ષે છે તે દર્શાવવા ફરિયાદી પર બદનક્ષીનો દાવો માંડ્યો છે.
ઢોલરિયાએ જણાવ્યું હતું કે મવડીના વેપારી મહેશ હીરપરાએ તેમના પર ઠગાઈનો આક્ષેપ કર્યો તેની જાણ પણ મને સોશિયલ મીડિયા પર થઈ હતી. હું પોતે આ આક્ષેપથી ચોંકી ઉઠ્યો હતો, મને થયું કે આ ભાઈને તો હું ઓળખતો જ નથી તો પછી રૂપિયાની લેતીદેતીની વાત ક્યાંથી આવે. મને તે પણ આશ્ચર્ય થયું કે મારા પર તેમણે કેમ આક્ષેપ કર્યો હતો. પણ હવે મને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે આ આક્ષેપ રાજકીય કિન્નાખોરીના પગલે કરવામાં આવ્યો છે. હું આગેવાન હોઈ મારી રાજકીય પ્રતિષ્ઠાને લાંછન લગાડવા માટે આ આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેમનો દાવો છે કે મને ઓળખતો પણ ન હોય તેવો વેપારી મારા પર આક્ષેપ કરે તો તેનો અર્થ રાજકીય કિન્નાખોરી જ છે. આની પાછળ ક્યાંકને ક્યાંક કોઈ રાજકારણ રમાઈ રહ્યુ છે. આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે પક્ષનું વાતાવરણ ગોટે ચઢાવી દેવાનો આ પ્રયત્ન છે. રાજકોટ જિલ્લા ભાજપમાં આ ચિનગારી પેટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મેં મારી વાત તો પક્ષની અંદર અને મોવડી મંડળને કરી જ દીધી છે, હવે લોકો સમક્ષ પણ કરી રહ્યો છું. આના કારણે મેં મહેશ હીરપરા પર 10 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. હવે તેણે ક્યાં તો મને દસ કરોડ ચૂકવવા પડશે અથવા તો મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા બદલ જાહેર અથવા તો લેખિત માફી માંગવી પડશે. આ સિવાય તો હું તેમને નહીં જ છોડું. મારી સામે ખોટી ફરિયાદ કરનારને ઢોલની જેમ હું વગાડીશ.
તેમણે જણાવ્યું હતું કે મારી સામે આક્ષેપ કરનારને હું ખુલ્લો પડકાર ફેંકું છું કે લડવું હોય તો સામી છાતીએ લડે, આ રીતે કોઈને હાથા બનાવીને લડવાથી કંઈ ફેર નહી પડે. સામે છાતીએ લડો તો લડવાની તમને પણ મજા આવે અને મને પણ મજા આવે. આ રીતે છાનાછપના પ્રહારથી નહીં મને ફેર પડે કે નહીં તમારા ઇરાદા સફળ થાય. આમ અલ્પેશ ઢોલરિયાનો આ પડકારના કારણે રાજકોટ જિલ્લા ભાજપ પણ જાણે જોરમાં આવી ગયું છે. તેમણે સંગઠનના કાર્યકરોને પણ સાબદા થવા જણાવી દીધું છે અને કહ્યું છે કે આ પ્રકારની બાબતોથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહીં.
તેમણે જણાવ્યું હતું કે મેં બદનક્ષીનો દાવો એટલા માટે જ કર્યો છે કે આની પાછળ જે પણ હોય તે બહાર આવે. મને તે પણ ખાતરી છે કે મહેશ હીરપરાએ ભલે કેસ કર્યો, પરંતુ તેની પાછળ તો બીજું કોઈક જ છે. હું તેની પાછળના સૂત્રધારને પડકાર ફેંકું છું કે તે મારી સામે આવે. હું મારા પરના આક્ષેપ કરનારની પાછળના સૂત્રધારનો પર્દાફાશ કરીને જ રહીશ.
તેમણે ઉમેર્યુ હતું કે ચૂંટણીઓ નજીક હોય ત્યારે આગળ અને પડદા પાછળ ઘણી રાજરમત રમાતી હોય છે. રાજકોટમાં આમ પણ આ પ્રકારની રમતની નવાઈ નથી, આવું કંઈ ન થાય તો જ મોટું આશ્ચર્ય છે. તેમા પણ આક્ષેપ કરનારને પણ ખબર છે કે આક્ષેપથી કશું વળવાનું નથી, પણ તે કમસેકમ એક રાજકીય આગેવાનને બીજા કામમાં રોકી દે તો તે ચૂંટણી પર ઓછું ધ્યાન આપી શકે. હવે આગેવાન ચૂંટણીમાં જ પૂરું ધ્યાન ન આપી શકે તો તેના જ પક્ષને તેનો ફાયદો ન મળે અને અપેક્ષા મુજબનું પર્ફોર્મન્સ પણ આપી ન શકે.
ઢોલરિયાનું કહેવું હતું કે મારા કિસ્સામાં તો મારે આ બધુ જોવું છે કે પહેલાં તો આની પાછળ કયા પ્રકારની રમત છે, કયા હેતુ છે, કઈ રાજકીય ચાલબાજી છે, કેવી સોગઠાબાજી ગોઠવાઈ રહી છે, મારાથી કોને તકલીફ થઈ છે. આ વાત એવા તે કયા સ્તર સુધી પહોંચી છે કે છેક મારા પર આક્ષેપ કરાયો. આ ઉપરાંત તે મને ટાર્ગેટ બનાવીને મારા દ્વારા કોઈ બીજાની કૂકરી ઉડાડવા માંગે છે, આ ઉપરાંત કોણ મને હટાવીને તેનો રસ્તો સાફ કરવા માંગે છે. આવી કેટલીય વાતો છે. એક વખત પોલીસ તપાસમાં પડદા પાછળના કસબીનું નામ બહાર આવ્યા પછી તેની ખબર પડશે તેમ લાગે છે. બદનક્ષીના દાવામાંથી હું જરા પણ પીછેહઠ નહીં કરું એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે સવા ચાર કરોડથી વધુ રકમનો પોલીસ કેસ કરીને કોઈની ઇજ્જતનો જાહેરમાં ઉલાળિયો કરો છો તો પછી તેનો વળતો પ્રહાર સહન કરવાની પણ તૈયારી રાખવી પડે.
આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા
આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો

