MANTAVYA Vishesh/ મહેશગીરીનો હોબાળો રંગ લાવ્યો, હરિગીરીને હટાવવાની તૈયારી શરૂ

મહેશગીરીએ હરિગીરી સામે મચાવેલો હોબાળો અને તેની ગેરરીતિ સામે ચઢાવેલી બાંયોએ છેવટે તેનો રંગ બતાવ્યો છે. આના પગલે સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરના મહંત હરિગીરીને હટાવવાની અને તેમના સ્થાને મંદિરનો વહીવટ કરવા હાલમાં વહીવટદાર નીમવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Mantavya Vishesh

કહેવાય છે કે પોદરો પડે તો છેવટે ધૂળ લઈને તો ઉખડે જ, ભવનાથના પ્રકરણમાં વિવાદાસ્પદ બનેલા મહેશગીરીના કિસ્સામાં પણ આવું જ થયું છે. તેમણે પાડેલો પોદરો ફક્ત ધૂળ જ નહીં પણ જાણે આખેઆખી જમીન લઈ ઉખડ્યો છે. મહેશગીરીએ હરિગીરી સામે મચાવેલો હોબાળો અને તેની ગેરરીતિ સામે ચઢાવેલી બાંયોએ છેવટે તેનો રંગ બતાવ્યો છે. આના પગલે સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરના મહંત હરિગીરીને હટાવવાની અને તેમના સ્થાને મંદિરનો વહીવટ કરવા હાલમાં વહીવટદાર નીમવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આમ મહેશગીરીએ પડકાર ફેંક્યો હતો કે શિવરાત્રીમાં ખરાખરીનો ખેલ થશે, પણ શિવરાત્રીમાં તો કશું ન થયું પરંતુ નવરાત્રિમાં જરૂર આ ઘટના બની. આમ નવરાત્રિ પૂરી થવાની સાથે જ હરિગીરીના મહંત પદનો ખેલ અહીં સમાપ્ત થઈ જવાનો છે. આ કિસ્સામાં મહેશગીરીએ શહેરના ભૂતપૂર્વ મેયર ગિરીશ કોટેચાને પણ ઝપેટમાં લીધા હતા. તેમણે ગિરીશ કોટેચાને હરિગીરીની ટોળકીના ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.

આ વિવાદના મૂળમાં જોઈએ તો જૂનાગઢના અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા પછી તેમની ગાદીની સાથે-સાથે ભવનાથ મંદિરના મહંતપદે પણ વિવાદ પકડ્યો હતો. આ પદ માટે મહંત હરિગીરીએ ભાજપ, કલેક્ટર અને કેટલાક સાધુસંતોને મળીને કુલ રૂ. આઠ કરોડની ચૂકવણી કરી હોવાનો આક્ષેપ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ કર્યો હતો. તેમણે ફક્ત આક્ષેપ ન કરતા હરિગીરીએ આપેલી લાંચના પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમના આરોપોએ સનદી અધિકારીઓની સાથે ધર્મસ્થાનોમાં તથા શ્રદ્ધાળુઓમાં પણ સનસનાટી મચાવી હતી.

આના કારણે પહેલી વખત લોકોની જાણમાં આવ્યું હતું કે લો મંદિરના મહંત બનવા માટે પણ આઠ-આઠ કરોડ રૂપિયા જેવી જંગી રકમની ચૂકવણી કરવી પડે છે. હવે આ મંદિરમાંથી કરોડો રૂપિયા કમાવવા હશે તો આટલા તો ચૂકવવા પડશે જ ને. આ બતાવે છે કે સાધુસંતોએ પણ તેમની સત્તા માટે રૂપિયા ખાલી કરવા પડે છે, આના પરથી હવે વિધાનસભ્યથી લઈને સાંસદ બનવા માટે કેટલી કિંમત અદા કરવી પડતી હશે તેનો ખ્યાલ આવી જવો જોઈએ.

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરના મહંત હરિગીરી સામે સંખ્યાબંધ ફરિયાદોના પગલે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી હતી. એસડીએમ દ્વારા પણ હરિગીરી સામેનો અહેવાલ આપી દેવાયો છે. હરિગીરીએ તેની સામે થયેલા આક્ષેપો અંગે જવાબો પણ આપ્યા છે. વહીવટીતંત્ર તેણે આપેલા જવાબોની ચકાસણી કરી રહ્યું છે. તેના આ જવાબોની ઘણી બાબતો સંતોષજનક ન હોવાનું પણ વહીવટીતંત્રએ જણાવ્યું છે. આના પરિણામે અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરની જેમ જ ભવનાથ મંદિર ખાતે પણ મહંત પદેથી હરિગીરીને હટાવવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આગામી દિવસોમાં આ હોદ્દા પરથી હરિગીરીને દૂર કરીને વહીવટદાર નીમવામાં આશે તે સુનિશ્ચિત થઈ ગયું છે.

આના પગલે જૂનાગઢમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરીએ દાનપેટીની રકમ મંદિરના બેન્ક ખાતામાં જમા કરાવવી, બાંધકામ કરવું હોય તો વહીવટદાર સાથે સંકલનમાં રહેવું, આ સિવાય જૂનાગઢની બહાર જાય ત્યારે મામલતદારને તેના અંગે જાણ કરવાની રહેશે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ આ કિસ્સામાં જણાવ્યું છે કે હાલમાં મહંત હરિગીરીએ તેની સામે કરવામાં આવેલા આક્ષેપો અંગે અમે રજૂઆત કરી રહ્યા છીએ.

આ આખુ પ્રકરણ બતાવે છે કે મહેશગીરીએ વાત કહી હતી તેમા ક્યાંકને ક્યાંક તથ્ય હતુ. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢના ગિરનારને હરિગીરીએ અભડાવ્યો છે. અહીં મુજરા થતા હતા, સાધુ સંતો ગાંજો પીતા હતા અને દારૂ પીતા હતા, હરિગીરી જૂથના સાધુઓ વેશ્યા ગમન કરતા હતા. નાચનારીઓને અહીં બોલાવવામાં આવતી હતી. આમ કરીને હરિગીરીના જૂથે જૂનાગઢની પવિત્રતાનો ભંગ કર્યો હતો. તેની સાથે તેને સ્થાનિક ભ્રષ્ટ રાજકારણીઓનું પણ સમર્થન છે.

આ ઉપરાંત મહેશગીરીએ કલેક્ટર રચિત રાજને પણ સાણસામાં લીધો હતો. મહેશગીરીએ જણાવ્યું હતું કે સીએમ ભુપેન્દ્ર પટેલે આપેલી સૂચનાને કલેક્ટર રચિત રાજ ઘોળીને પી ગયા હતા. તેમણે હરિગીરી સાથે મિલીભગત કરીને તેમને આ હોદ્દા પર નીમ્યા હતા. આમ ભવનાથની આ જગ્યાને આ દુરાચારીઓ અને ભ્રષ્ટાચારીઓએ અપવિત્ર કરી હોવાનો દાવો તેમણે કર્યો હતો.

તેમનું કહેવું હતું કે હરિગીરી અને તેની ટોળકીને અહીંથી કાઢો અને મને મારો ગિરનાર એવોને એવો પાછો આપો. આ દુરાચારીઓ, કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓના લીધે ફક્ત ભવનાથ અને ગિરનાર જ બદનામ થતો નથી, સરકારનું પણ નામ ખરાબ થાય છે. તેથી સરકાર આ દિશામાં કંઇક પગલાં ભરે તેના પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે આમાની મેં જે પણ વાત કરી તે કોઈ હવામાં વાત કહી નથી, મારી બધી વાત પ્રમાણ સાથે રજૂ કરી છે. આ પ્રમાણ હું બધે જ આપવા તૈયાર છું. મહેશગીરીએ લગભગ દરેક પ્લેટફોર્મ પર તેમની વાત પુરાવા સાથે મૂકવાનું ચાલુ કરતાં સરકાર પણ છેવટે હરકતમાં આવી હતી. તેના પગલે હવે આગામી સમયમાં આ કેસમાં કૌભાંડીઓ સામે કાર્યવાહી થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !