MANTAVYA Vishesh/ ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !

ટાટા કેમિકલ્સે દરિયાનું જાણે કેમિકલાઇઝેશન કરી નાખ્યું હોય તેવી સ્થિતિ છે. કમસેકમ દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના ઓખા, બેટ દ્વારકા અને આરંભડાના વિસ્તારના વતનીઓ તો આવું જ માને છે. તેઓના માનવા પાછળ કારણ પણ છે ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા લગભગ કેટલાય દાયકાથી ફેંકવામાં આવતા કેમિકલ વેસ્ટના કારણે ત્યાંનો દરિયો દરિયો ન રહેતા કેમિકલ સી બની ગયો છે.

Mantavya Vishesh

ટાટા કેમિકલ્સે દરિયાનું જાણે કેમિકલાઇઝેશન કરી નાખ્યું હોય તેવી સ્થિતિ છે. કમસેકમ દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના ઓખા, બેટ દ્વારકા અને આરંભડાના વિસ્તારના વતનીઓ તો આવું જ માને છે. તેઓના માનવા પાછળ કારણ પણ છે ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા લગભગ કેટલાય દાયકાથી ફેંકવામાં આવતા કેમિકલ વેસ્ટના કારણે ત્યાંનો દરિયો દરિયો ન રહેતા કેમિકલ સી બની ગયો છે. આ વિસ્તારોમાં કાંઠા વિસ્તારનું પાણી જાણે દરિયાનું નહીં પણ કેમિકલનું છે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સ્થાનિક માછીમાર અને ગાંધીનગરના વતની ફારુકભાઈ હારૂનભાઈએ આ અંગે ટાટા કેમિકલ્સ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી પણ છે. તેમણે પ્રાંત અધિકારી સમક્ષ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમનો દાવો છે કે એક સમયે આ વિસ્તારમાં નિર્મળ પાણી જેવો દેખાતો દરિયો ટાટા કેમિકલ્સના પ્રદૂષણના કારણે કેમિકલ્સનો સમુદ્ર બની ગયો હોય તેવી સ્થિતિ છે. આ પાણી ન્હાવાલાયક પણ રહ્યુ નથી. તેના કારણે ઓખાથી બેટદ્વારકા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં પાણી પ્રદૂષિત થવાથી દરિયાઈ જીવો મોટાપાયે નાશ પામ્યા છે. આના કારણે સ્થાનિક માછીમારોને હવે માછલીઓ પણ મળતી નથી. તેઓએ દરિયામાં છેક ઊંડે સુધી જવું પડે છે. આમ તેમની આજીવિકા પણ ભયમાં મૂકાઈ છે. માછીમારો એટલા સક્ષમ નથી કે તેમની નાવડીઓ લઈને દરિયામાં ઉંડે સુધી જઈ શકે.

તેમણે પ્રાંત અધિકારીને સ્પષ્ટ જણાવ્યું છે કે 2011થી હાલ સુધીની સેટેલાઇટ તસ્વીરોમાં જ કેમિકલ્સના લીધે દરિયાની શું સ્થિતિ થઈ તે દેખાઈ આવે છે. તેના કારણે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં તો દરિયાની અંદર જ કેમિકલના થર જામવા લાગ્યા છે. આથી દરિયાકિનારા પછી દરિયાકાંઠો પણ કેમિકલ્સથી પ્રદૂષિત થઈ જાય તેવો ડર સેવાઈ રહ્યો છે.

આ જોઈને તો એમ જ લાગે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઘોરે છે. દાયકાઓના દાયકાઓ સુધી આટલું બધુ પ્રદૂષણ થતું રહ્યુ પરંતુ તેમ છતાં તેણે કોઈ પગલાં ન લીધા. કદાચ પગલાં પણ લીધા હશે તો પણ આ પગલાં કાગળ પર જ લીધા લાગે છે. જો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જો તેના પર ધ્યાન આપ્યું હોત તો આજે બીજા કોઈએ ફરિયાદ કરવાની સ્થિતિ જ આવી ન હોત. કદાચ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માપદડો પ્રદૂષણ અંગે કંઇક અલગ જ લાગે છે.

ફરિયાદીનો દાવો છે કે કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે આજે સ્થિતિ એવી આવી છે કે તેની દરિયો પાંચેક કિ.મી. જેટલો ઊંડો ઉતરી ગયો છે. નીચે કેમિકલના થર જામી ગયા હોવાથી કંપની દ્વારા છોડવામાં આવતું કેમિકલ્સ આગળ વધી શકતું નથી. આના કારણે હવે ટાટા હવે દરિયામાં છેક ઊંડે જઈને કેમિકલ્સ છોડવામાં આવે તે માટેની પાઇપલાઇન નાખવાની છે. આ પાઇપલાઇન તેની જેટ્ટીથી નાખવામાં આવનારી છે. આમ ટાટા કેમિકલ્સ જે પ્રદૂષણ હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેલાવતી હતી હવે તે જ પ્રદૂષણ છેક દરિયામાં ઊંડે થઈને ફેલાવશે. આવું થશે તો હાલમાં માછીમારો જે ઊંડે જઈને પણ માછલી મેળવીને પોતાનું પેટિયુ રળી રહ્યા છે તે પણ તેમના માટે શક્ય નહીં બને. આના કારણે તો સ્થાનિક માછીમારો માટે તો જીવનગુજારો અશક્ય બની જશે. આવા હજારો માછીમારોની રોજીરોટી ભયમાં મૂકાઈ છે.

આ રીતે દરિયામાં ઊંડે સુધી કેમિકલ્સ છોડવાથી દરિયાઈ સૃષ્ટિમાં પણ વિનાશ સર્જાશે અને ત્યાંની ઇકોસિસ્ટમ પણ ખતમ થઈ જશે. તંત્ર આ દિશામાં કોઈ પગલાં નહીં ભરે તો હજારો માછીમારોએ ભૂખે મરવાના દિવસો આવશે. ટાટા કેમિકલ્સ આ માટે કંઈ બધા માછીમારોને વળતર આપવાનું નથી, અગાઉ પણ તેણે આપ્યું નથી તો પછી હવે ક્યાંથી આપે. આમ તંત્રને જો માછીમારો બેરોજગાર થતા હોય તેની ચિંતા હોય તો પછી તેણે ટાટા કેમિકલ્સને દરિયામાં ઊંડે જઈને કેમિકલ્સ ઠાલવતા અટકાવવી જ રહી.

તંત્રને કદાચ માની લઈએ કે ફરિયાદીની ફરિયાદ પર વિશ્વાસ ન આવે, ટાટા જેવા મોટા નામ આગળ ફરિયાદ નાની લાગે. તે સમજી શકાય છે. પરંતુ તંત્ર પાસે તપાસના વિપુલ સાધનો છે. તેની પાસે ટેકનોલોજી છે, તે ઉપગ્રહો દ્વારા જાતે શોધી શકે છે કે દરિયામાં કેટલું પ્રદૂષણ થયું છે અને આ પ્રદૂષણ કોના દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદૂષણ કંઈ માછીમારોએ તો કર્યુ નથી. માછીમારો થોડી માછલી વધારે પકડે તેમા કંઈ દરિયામાં પ્રદૂષણ થઈ જતું નથી. તેઓ ઇસરોની મદદ લઈને પણ ચકાસી શકે છે કે દરિયાને આટલો કેમિકલયુક્ત કોણે બનાવ્યો છે. માછીમારોની આજીવિકા છીનવાય તે જોવાની તંત્રની ફરજ પણ છે. અમને ટાટા કેમિકલ્સ સામે કોઈ વાંધો નથી, પરંતુ અમારા પેટ પર પાટુ પડે ત્યારે કેમ ચૂપ બેસી રહીએ. કંપનીએ શું-શું કર્યુ છે તે બતાવવા માટે જ ફરિયાદ કરી છે. તેથી હવે આ દિશામાં પગલાં લેવા માટે તંત્ર જાગે તો સારુ, નહીં તો છેવટે પ્રજા જાગશે તો પછી તંત્રને પણ તકલીફ પડશે તે હકીકત છે. તંત્ર પ્રજાના હિત માટે છે, કોઈના નફાનુકસાનની ચિંતા કરવા માટે નથી. લોકોનું હિત જોખમાય ત્યારે તંત્રએ પગલાં લેવા રહ્યા. પછી ભલેને સામે ગમે તેવો ચમરબંધી કેમ ન હોય. તેથી તંત્ર પોતાની જવાબદારી સમજીને નીભાવે તો જ લોકોને રાહત મળશે. આ કાર્યવાહી ફક્ત કાગળ પર નહી વાસ્તવમાં થવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા