Porbandar News/ કાંધલ જાડેજાના કાકી હિરલબા પોલીસના પાંજરામાં

પોરબંદરના કુખ્યાત કાંધલ જાડેજાના કાકી હિરલબાને કાયદો હાથમાં લેવો ભારે પડી ગયો છે. પિતાપુત્રને ગોંધી રાખવા બદલ અપહરણના કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી છે. હિરલ બા જાડેજા સ્વ. ભૂરા મુંજાના પત્ની થાય છે.

Mantavya Vishesh

પોરબંદરના કુખ્યાત કાંધલ જાડેજાના કાકી હિરલબાને કાયદો હાથમાં લેવો ભારે પડી ગયો છે. પિતાપુત્રને ગોંધી રાખવા બદલ અપહરણના કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી છે. હિરલ બા જાડેજા સ્વ. ભૂરા મુંજાના પત્ની થાય છે. પોરબંદરમાં સૂરજબા પેલેસ ખાતે 70 લાખની લેતીદેતીમાં ત્રણ જણનું અપહરણ કરીને દિવસો સુધી ગોંધી રાખવાના કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવતા આખા શહેરમાં સોંપો પડી ગયો છે. કોઈને કલ્પના પણ ન હતી કે પોરબંદર પોલીસ આ પ્રકારનું કારનામુ પણ કરી શકે છે.

આ કેસમાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કરેલી કામગીરીની સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે. બધા જાણે છે કે હિરલબા જાડેજા કેવું વગદાર નામ છે. તેમની સામેની ફરિયાદમાં આ પ્રકારની કાર્યવાહી કરવાની હિંમત બહુ ઓછા પોલીસ અધિકારી કરી શકે છે. જો કે આના પગલે આખા પોરબંદર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને ચોરે અને ચૌટે ફક્ત હિરલબાની ધરપકડની જ ચર્ચા છે.

આખા પ્રકરણમાં એવી વાત છે કે મૂળ કુછડી ગામના વતની અને હાલમાં ઇઝરાયેલમાં વસવાટ કરતાં લીલુબેન ઓડેદરાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ કરીને ફરિયાદ કરી હતી કે તેમના પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ તેમના સુરજ પેલેસમાં પખવાડિયા કરતાં પણ વધુ સમયથી ગોંધી રાખ્યા છે. તેમને ડર છે કે તેઓ ગમે ત્યારે તેની હત્યા કરી શકે છે.  ઉછીના લીધેલા 70 લાખ રૂપિયા વસૂલવા બાબતે તેમને આ રીતે ગોંધી રાખવામાં આવ્યા છે.

પોરબંદરમાં હિરલબા વ્યાજે રૂપિયા ફેરવવા, વસૂલવા, ખંડણી ઉઘરાવવાના  મોરચે જાણીતું નામ છે. કોઈની તાકાત નથી કે તેમની સામે ફરિયાદ પણ નોંધાય. પણ છેક ઇઝરાયેલથી સોશિયલ મીડિયા મારફતે આ મહિલાએ પીએમ મોદી, સીએમ ભુપેન્દ્ર પટેલ અને પોરબંદરના જિલ્લા વડાને મદદ માટે ગુહાર લગાવતા પોલીસ તરત જ તપાસમાં લાગી ગઈ હતી.

પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ તરત જ આ ઘટનાની સુધ લઈને તપાસ આદરી હતી. તેમણે બાપદીકરાને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તે સમયે હિરલબાને લાગ્યું કે ભગીરથસિંહ નામ મુજબનું જ ભગીરથ કામ પાર પાડે તેવા છે. તેથી તેમણે બાપ દીકરાને દમદાટી આપી છોડી દીધા.

તેમની દમદાટી અને દબાણના કારણે બંને બાપદીકરાએ પોલીસ સમક્ષ એવું નિવેદન નોંધાવ્યું કે આ તો અમારી પર ઉછીના લીધેલા લોકોનું દબાણ હતું એટલે તેમનાથી બચવા માટે હિરલબાએ અમને આશરો આપ્યો હતો. હવે સ્વાભાવિક છે કે એકબાજુએ પીડિતની જ પત્નીએ પતિ અને પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હોય અને બંને સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં હાજર થાય તો પોલીસને પણ ગંધ આવ્યા વગર રહે નહીં કે દાળમાં કંઇક કાળું છે.

આના પગલે પોલીસે આખા ઘટનાક્રમની તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. પોલીસને પણ લાગ્યું કે પીડિતો કદાચ એટલા ડરી ગયા છે કે તેઓ ફરિયાદ પણ નોંધાવવા માંગતા નથી. તેના પછી કુછડા ગામમાં રહેતા લીલુબેન ઓડેદરાના પિતા ભનાભાઈએ હિરલબા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના પગલે પોલીસે ત્વરિત પગલાં લેવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દીકરી લીલુએ લીધેલા 70 લાખ રૂપિયા કઢાવવા માટે કાવતરુ રચીને 11 એપ્રિલ 2025ના રોજ આરોપીએ તેમનું, તેમના જમાઈ અને દીકરીના પુત્ર રણજીત તથા સાળીનું અપહરણ કર્યુ હતું. આ માટે તેમણે મોકલેલા ચારથી પાંચ માણસો આવીને તેમને ઉઠાવી ગયા હતા. તેમા પણ રણજીતને તો હિતેશ ભીમા નામના શખ્સે ઉઠાવ્યો હતો. અમને બધાને હિરલબાના બંગલે સૂરજ પેલેસ પર રાખવામાં આવ્યા હતા.  આ ઉપરાંત મારા જમાઈ અને પુત્રને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો અને આડકતરી રીતે ધમકી પણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત હિતેશ ભીમાએ 11 કોરા ચેકમાં સહી કરાવી દીધી હતી અને વિજય ભીમા ઓડેદરાએ ફરિયાદી પાસેથી લગભગ પોણા બેથી બે તોલાના દાગીના લઈ લીધા હતા. તેઓએ મારા જમાઈ અને દોહિત્ર રણજીતને પખવાડિયા સુધી ગોંધી રાખ્યો હતો અને તેને માર માર્યો હતો. તેઓએ તેમની કાર પણ જપ્ત કરી લીધી છે. જમીન, મકાન, પ્લોટ અને દાગીના આપવા માટે ધમકીઓ આપી હતી.

આ બધો ઘટનાક્રમ હિરલબાની નજર હેઠળ અને તેમના જ આદેશથી થયો હોવાના કારણે પોલીસે ધરપકડ કરી છે. હાલમાં તો તેમની સામે વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, પણ તેમની ધરપકડથી આખા પોરબંદરમાં સોંપો પડી ગયો છે. પોરબંદરની ગુનેગાર આલામ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. આમ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ખરેખર ભગીરથ કામ પાર પાડ્યું છે. જો તેઓએ ત્વરિત કાર્યવાહી કરી ન હોત તો કદાચ રાજકુમાર જાટની જેમ અહીં ફક્ત દીકરો જ નહીં બાપદીકરા બંનેની લાશ જ મળી હોત.

હિરલબાને તો એમ જ હતું કે કાયદાના હાથ તો ક્યારેય તેમના સુધી પહોંચવાના જ નથી, પરંતુ કાયદાના હાથ તેમના સુધી પહોંચ્યા પણ ખરા અને હવે તેમની સામે કાયદો કાયદાકીય કાર્યવાહી પણ કરશે.

આમ એક મહિલાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ કરીને તેના પતિ અને પુત્રનો જીવ આ વ્યાજખોરોથી બચાવ્યો હતો. જો કે હિરલબા પ્રભાવશાળી હોવાથી કાયદાની ચુંગાલમાંથી ચોક્કસ બચી જશે, પરંતુ કાયદાએ તેમને અહેસાસ તો કરાવી દીધો છે કે કાયદો કોઈને શેહશરમ રાખતો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી