ગુજરાતીઓ પીવે છે ગાયના માંસ, ભૂંડની ચરબી, યુરીયા, ડીટરજન્ટ પાવડરના મિશ્રણવાળુ કેમિકલ દૂથ, આ પ્રકારનો આક્ષેપ કર્યો છે આમ આદમી પાર્ટી (AAP)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ. ગોપાલ ઇટાલિયા (Gopal Italia)નું કહેવું છે કે આજે ખુલ્લા બજારમાં વેચાતું દૂધ એ દૂધ નથી, પરંતુ ખુલ્લેઆમ વેચાતું ઝેર છે. ગુજરાતીઓ (Gujarati)ના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓ જાણે દૂધ નહી પણ ઝેર પી રહ્યા છે. સોક્રેટીસને સત્તાવાર રીતે દંડના ભાગરૂપે ઝેર આપવામાં આવ્યુ હતુ, જ્યારે અહીં તો ગુજરાતીઓને પોષણના નામે ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે.

ગોપાલ ઇટાલિયા (Gopal Italia) બજારોમાં ખુલ્લેઆમ વેચાય છે દૂધ નહી ઝેર
ગુજરાતમાં ખુલ્લેઆમ બજારમાં વેચાતુ દૂધ ઝેરથી વિશેષ નથી. ગુજરાતીઓને આ પ્રકારની સજા કયા કારણસર આપવામાં આવી રહી છે તે વાત સમજાતી નથી. શું જબરદસ્ત બહુમત આપવો તે ગુજરાતની પ્રજાની ભૂલ છે, શું કોઈને અથવા ઘણા બધા લોકોને કાળી કમાણીમાંથી મળતો નફો એટલો બધો વહાલો છે કે તેની સામે ગુજરાતની પ્રજાના જીવનનું કોઈ મૂલ્ય નથી. કેન્દ્ર સરકાર આયુષ્યમાન કાર્ડમાં સારવાર મફત આપે એટલે કંઈ તેનો અર્થ એવો ન થાય કે ઘેર-ઘેર કેન્સર આવે તો પણ વાંધો નહી. આયુષ્યમાન કાર્ડ તો છે જ ને.

દૂધની પવિત્રતાનો પણ થયો ભંગ
દૂધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આપણામાં બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા દૂધનું સેવન કરે છે. આપણે ત્યાં ઉપવાસમાં દૂધનું સેવન કરવામાં આવે છે. ભગવાનના મંદિરમાં દૂધ ચઢાવાય છે, કોઈપણ પૂજા દૂધ અને દૂધની બનાવટ વગર પૂરી થતી નથી. હવે આવા જ દૂધને અપવિત્ર કરવાનો કોને અધિકાર મળી ગયો છે. આ અધિકાર એટલો બધો વધી ગયો છે કે દૂધની પવિત્રતાને પણ નેવે મૂકી દેવામાં આવી છે. આજે જે દૂધને લોકો પવિત્ર માનીને પીવે છે તેની અંદર આ બધી વસ્તુઓ છડેચોક ભેળવાઈ રહી છે. આવું ભેળસેળવાળુ, કેમિકલવાળુ દૂધ બજારમાં ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યુ છે, એમ ગોપાલ ઇટાલિયા (Gopal Italia)એ જણાવ્યું હતું.

સફેદ દૂધના કાળા કારોબાર પર તંત્ર મૌન
ગોપાલ ઇટાલિયા (Gopal Italia) એ જણાવ્યું હતું કે સફેદ દૂધના આ પ્રકારના કાળા કારોબારને લઈને કેમ કશું થતું નથી. તેના અંગે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ફક્ત એટલું જ નહીં આવો કારોબાર પકડનારા યુવરાજસિંહ જાડેજા (Yuvarajsinh Jadeja) નું સન્માન કરવાની વાત તો બાજુએ રહી પણ આવું કરનારાઓની સામે યુવરાજસિંહ (Yuvarajsinh Jadeja) ની ફરિયાદ પણ તંત્ર નોંધતી નથી. શું તંત્ર ખરેખર મિલ્ક માફિયાઓથી ડરી ગયું છે કે પછી તંત્ર પોતે જ આ મિલ્ક માફિયાઓના ખોળે બેસી ગયું છે. સામાન્ય સંજોગોમાં તો દૂધના આ પ્રકારના કાળા કારોબારનો પર્દાફાશ કરનારાનું સન્માન કરવું જોઈએ, સરકાર કે તંત્રના ફૂડ વિભાગે જે કાર્યવાહી કરવી જોઈએ તે યુવરાજસિંહ જાડેજા એ કોઈ સ્વાર્થ વગર કરી છે.
મિલ્ક માફિયાઓની પહોંચ જબરદસ્ત
યુવરાજસિંહે સામી છાતીએ મિલ્ક માફિયાઓની દુશ્મની વહોરી લીધી છે, તેનું વિધાનસભામાં બોલાવીને સન્માન કરવાની અને પીઠ થપથપાવવાની વાત તો બાજુએ રહી પરંતુ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવતી ફરિયાદ સુદ્ધા તંત્ર લેતું નથી. આટલા પુરાવા સાથેની ફરિયાદ લેવામા તંત્રના હાથ કેમ ધ્રૂજે છે. શું તંત્રના હાથ પર મિલ્ક માફિયાઓની પક્કડ છે.
તંત્ર શું મિલ્ક માફિયાઓની માફિયાગીરી અને રાજકીય પહોંચ સામે સાવ નિસહાય થઈ ગયું છે કે એક ફરિયાદ સુદ્ધા નોંધતા તેના હાથ ધ્રૂજે છે. ગુજરાતીઓના આરોગ્ય સાથે થતાં ચેડાનો આ મુદ્દો અમે હવે વિધાનસભામાં ઉઠાવવાના છીએ. આ પ્રકારના કારોબારમાં અનેક નેતાઓ હપ્તા લઈ રહ્યા છીએ, અમે એક-એકની પોલ ખોલીશું તેવી વાત પણ તેમણે કરી હતી. આજે વિચાર કરો કો દારૂમાં તો મિલાવટ હતી જ, પરંતુ હવે તો દૂધ પણ બાકાત રહ્યું નથી. મિલાવટ માફિયાઓનો મુદ્દો અમે વિધાનસભામાં ચોક્કસ ઉઠાવીશું.

નોંધાયેલા ઢોર કરતાં ચાર ગણુ વધુ દૂધ વેચાય છે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં નોંધેલા પશુ કરતાં ચાર ગણુ દૂધ રાજ્યમાં વેચાય છે તો આ વધારાનું દૂધ આવ્યું ક્યાંથી. દૂધનું ઉત્પાદન બહુ-બહુ તો નોંધાયેલા પશુથી બમણું થાય તે સમજી શકાય, પરંતુ ચાર ગણુ વધારે દૂધ ઉત્પાદન ક્યાંથી થાય. આ જોતાં હવે તે સ્પષ્ટ લાગી રહ્યુ છે કે પહેલા જેમ કેમિકલવાળા દારૂના કારણે લોકો મરતા હતા તેમ હવે કેમિકલવાળા દૂધથી મરે તે દિવસો દૂર નથી. ઇન્દોરમાં તો દૂષિત પાણીના લીધે કેટલાય લોકોના મોત જોઈ ચૂક્યા છો, તે તો ટ્રેલર છે. હવે ઝેરી પાણી પછી કેમિકલવાળા દૂધનો વારો છે. ગુજરાતીઓની સ્થિતિ તો તેમા પણ અત્યંત વરવી થશે, ઝેરી કેમિકલવાળુ દૂધ તેમને જીવવા નહીં દે અને આયુષ્યમાન કાર્ડ તેમને મરવા નહીં દે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ દૂધનો કાળો કારોબાર બેફામ બન્યો છે. સરકારનું તંત્ર તેને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. યુવરાજસિંહના દાવા મુજબ જૂનાગઢના હનુમાન ખીજડિયાથી બાલાસિનોર એટલે કે છેક અરવલ્લી સુધી નકલી દૂધ ટેન્કરથી પહોંચતું હતું. અમે તો પુરાવા તરીકે એક જ ટેન્ડર પકડ્યુ છે. વાસ્તવમાં તો કેમિકલવાળા દૂધના રોજના સંખ્યાબંધ ટેન્કરો દોડી રહ્યા છે. હનુમાન ખીજડિયાથી આટકોટ, જસદણ, ખેડા, કપડવંજ એમ ચાર સહકારી ડેરીમાં દૂધ ખાલી થતું હતું.
બનાવટી દૂધના ટેન્કરની રેકી કરતી વખતે થયો હુમલો
બનાવટી દૂધના ટેન્કરની રેકી કરતાં તે સમયે હુમલો કરવામાં આવ્યો હતો. તેમા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કેસ નોંધ્યો નથી. અમે તો પકડેલા નકલી દૂધનો સરકારી રિપોર્ટ પણ કઢાવ્યો છે તે મુજબ પામોલિન અને બીફ તેલના ઉપયોગથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. આ ઉપરાંત દૂધમાં ફીણ આવે તે માટે ડીટરજન્ટ ભેળવવામાં આવતુ હતુ. પ્રતિ લિટર 12 રૂપિયાના ભાવે આ દૂધ ખરીદવામાં આવતું હતું. આ પ્રકારનું બનાવટી દૂધ જીવલેણ અને હાનિકારક છે. આટલું બધું થયું હોવા છતાં સરકાર કાર્યવાહી નહી કરે તો મિલ્ક માફિયા બેફામ બનશે.
યુવરાજસિંહે જણાવ્યું હતું કે અમે આ પગલું કંઈ રાતોરાત ભર્યુ નથી, ત્રણ-ત્રણ મહિના સુધી રેકી કરીને દૂધનો આ કાળો કારોબાર પકડ્યો છે. તંત્રએ તો જાણે આ પ્રકારના કારોબાર સામે આંખે પાટા બાંધી લીધા છે. આજ દિન સુધી તંત્રએ બનાવટી દૂધનું સમખાવા પૂરતું પણ એક ટેન્ડર પકડ્યુ નથી. તેથી જ ગોપાલ ઇટાલિયાએ કટાક્ષમાં કહ્યું હતું કે હવે જો આ પ્રકારે ફૂડ ડિપાર્ટમેન્ટની કામગીરી પણ યુવરાજસિંહે કરવાની હોય તો પ્રધાનોમાંથી એકાદ પાસેથી રાજીનામુ લખાવી લઈને તેમને આ પ્રકારે મિલાવટ માફિયા પર ત્રાટકવા ફૂડ વિભાગનો ચાર્જ સોંપી દેવો જોઈએ.
આ પણ વાંચો: દૂધમાં મિલાવટની આશંકા! નરોલીમાંથી 40 હજાર લિટર દૂધ ભરેલા બે ટેન્કર સાથે 3 ઝડપાયા
આ પણ વાંચો: અમૂલ દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ થતી હોવાનો વીડિયો બનાવનારા વ્યક્તિ સામે UPના પ્રયાગરાજમાં ફરિયાદ દાખલ
