Junagadh News:જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં એક સનસનાટીભરી ઘટના બની કે સમગ્ર સૌરાષ્ટ્રના કોંગ્રેસી કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી દેવેન્દ્રસિંહ યાદવની આગેવાનો તથા કાર્યકરો સાથે મહત્વની બેઠક ચાલી રહી હતી, એ દરમિયાન વોર્ડ નંબર-15ના પૂર્વ કોંગ્રેસ વોર્ડ પ્રમુખ અને સક્રિય કાર્યકર દીપક મકવાણાએ અચાનક ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસ કાર્યકરે ગટગટાવી ફિનાઈલ
આ ઘટનાથી બેઠકમાં હાજર તમામ આગેવાનો તથા કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા. તાત્કાલિક દીપક મકવાણાને જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત સ્થિર જણાવી રહી છે. ડોક્ટર્સ મુજબ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને જોખમ ટળી ગયું છે.
સારવાર દરમિયાન હોસ્પિટલ ખસેડાયેલા દીપક મકવાણાએ આકરા પ્રહારો કરતા કહ્યું તેઓ છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે અને સતત કાર્ય કરે છે.શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી તથા તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા પાર્ટીમાં જ્ઞાતિવાદ ચલાવવામાં આવે છે.તેમને 2019 તથા 2022ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ માંગી હતી, પરંતુ બંને વખત ટિકિટ આપવામાં આવી ન હતી.લાંબા સમયથી થઈ રહેલા અન્યાય, શોષણ અને અપમાનથી કંટાળીને તેમને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.
આ મામલે શહેર કોંગ્રેસ (Congress) પ્રમુખ મનોજ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે,જ્યારે આ ઘટના બની ત્યારે હું જાતે મારી ગાડીમાં દીપકભાઈને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તેની સારવાર માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કર્યા છે.”તેમને વધુમાં જણાવ્યું કે 2019ની મહાનગરપાલિકા ચૂંટણી વખતે દીપક મકવાણા ભાજપમાં જોડાયા હતા.2022ની ચૂંટણી પહેલાં જ ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા અને તરત જ વોર્ડ-15ની ટિકિટ માંગી હતી.
ટિકિટનો અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાના ચૂંટણી પ્રભારીઓ લે છે, શહેર પ્રમુખનો તેમાં કોઈ અધિકાર નથી.વોર્ડ નં.15 અનામત બેઠક હતી અને મતદારોની સંખ્યા તથા પાર્ટીની રણનીતિને આધારે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી.જો ટિકિટ ન મળી તો 2022માં કંઈ બોલ્યા નહીં, પરંતુ આજે બે વર્ષ પછી અચાનક આ મુદ્દો ઉછાળવો એ અયોગ્ય છે, એમ મનોજ જોશીએ સવાલ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો:કોંગ્રેસને15-15 વર્ષ સુધી સત્તા પર દેખાવવા નહીં દઉ, નરેન્દ્ર મોદી બોલ્યા તે કરી બતાવ્યું
આ પણ વાંચો:ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ: BJP-કોંગ્રેસ-AAPની ત્રણ ત્રણ મોટી યાત્રાઓ
આ પણ વાંચો:‘ફાયર બ્રિગેડમાં નોકરી માટે લાયકાત નહીં, ઓળખાણ જોઈએ’,કોંગ્રેસનો AMC પર ગંભીર આરોપ

