રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર : દિલ્હી મોડલનો પ્રચાર કરી ગુજરાતમાં પણ સ્થાનિક ચૂંટણીના માધ્યમથી પગપેસારો કરવા માટેની યોજના
ભારતમાં કોઈપણ પક્ષ અસ્તિત્વમાં આવે તો તેને ઝડપથી પોતાની તાકાત વધારવાની ઈચ્છા થાય છે. આઝાદીના જંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર ૧૩૪ વર્ષ કરતા પણ વધુ જૂનો અને એક નહિં પરંતુ બે બે તબક્કામાં વર્ષો સુધી દેશમાં એક ચક્રી શાસન ભોગવનાર કોંગ્રેસ પક્ષનો ૨૦૧૪ બાદ પડતીકાળ શરૂ થયો છે. ૨૦૧૪માં ૨૧૦માંથી ૪૪ બેઠકો અને અત્યારે સંસદમાં ૫૨ બેઠકો છે. ૨૦૧૪ પહેલા જે પક્ષનું ૧૪થી વધુ રાજ્યોમાં શાસન હતું તે પક્ષનું પોતાનું સ્વતંત્ર શાસન હાલ માત્ર ચાર રાજ્યો પંજાબ, રાજસ્થાન અને પોંડીચેરી અને છત્તીશગઢમાં છે. જ્યારે એક સ્થળે ગઠબંધનના સૌથી નાના ઘટક તરીકે સત્તા ભોગવે છે. આ પક્ષે ચૂંટણીમાં હારવાનો અને સૌથી નબળો દેખાવ કરવાનો વિક્રમ સર્જી દીધો છે. જ્યારે ૧૯૫૨માં જેની જનસંઘના નામે સ્થાપના થયેલી અને ૧૯૭૭માં જનતા પક્ષમાં વિલિન થયા બદ ૧૯૮૦માં ભાજપ તરીકે અસ્તિત્વમાં આવેલા પક્ષને ૧૯૮૫ની ચૂંટણીમાં માત્ર બે જ બેઠકો મળી હતી અને તે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયો હતો. પરંતુ ૧૯૯૧ની તે પક્ષના ભીષ્મપિતામહ સમાન નેતા એલ.કે. અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રાના પગલે આ પક્ષની બેઠક નોંધપાત્ર પ્રમાણમાં વધી ગઈ. ૧૯૯૮માં તો એનડીએના સૌથી મોટા ગઠબંધન એનડીએના મુખ્ય ઘટક બની સરકાર પણ રચી અને લોકપ્રિય નેતા અટલ બિહારી વાજપાયીની આગેવાની હેઠળની આ સરકારે પાંચ વર્ષ પૂરા પણ કર્યા. પરંતુ ગમે તે કારણોસર ૨૦૦૪માં સત્તા ગુમાવી અને ૧૦ વર્ષ સુધી વિરોધપક્ષે રહી જવાબદાર છતાં આક્રમક વિપક્ષ તરીકે ફરજ બજાવી અને તેને નરેન્દ્ર મોદી જેવા આક્રમક રાજનાથસિંઘ જેવા ધીરગંભીર અને અમિત શાહ જેવા ચાણક્યચાલ જાણતા નેતા મળ્યા અને ૨૦૧૪ની ચૂંટણીમાં એનડીએને સત્તા તો મળી પણ સાથો સાથ સંસદમાં પૂર્ણ બહુમતિ જેટલી બેઠકો તો એકલા હાથે મેળવી. ૧૯૮૫ની રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસને જે બેઠકો મળેલી તેટલી ૪૧૦ બેઠકો ભલે ન મળી હોય, પરંતુ ૨૮૨ તો મળી જ હતી. ત્યારબાદ એક પછી એક રાજ્યો કબ્જે કરી ૭૦ ટકા ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું.

૨૦૧૯ની ચૂંટણીમાં નવો ઈતિહાસ આલેખાતો હોય તેમ ૩૦૩ જેટલી બેઠકો મેળવી ભાજપે બીનકોંગ્રેસી પક્ષો માટે નવો ઈતિહાસ આલેખી દીધો. આ કોઈ જેવી તેવી ઘટના નહોતી. ભલે કોંગ્રેસને ૧૯૮૫માં મળી હતી તેટલી ૪૧૦ બેઠકોને ન મળી પણ કોંગ્રેસને જિંદગીભર યાદ રહે તેવી નિષ્ફળતાના માર્ગે ધકેલી દેખાડ્યું છે.
આ તો થઈ બે મુખ્યપક્ષોની વાત છે પણ જ્યારે દેશના રાજકારણની વાત કરતા હોઈએ ત્યારે પશ્ચિમ બંગાળમાં સીપીએમની આગેવાની હેઠળના ડાબેરી મોરચાએ પશ્ચિમ બંગાળમાં ૩૦ વર્ષ અને ત્રિપુરામાં ભોગવેલા ૨૦ વર્ષ કરતા વધુ વર્ષના રાજ અને જે મોરચો કેરળમાં આજે પણ શાસનમાં છે અને ભૂતકાળમાં અડધો ડઝનથી વધુ વખત શાસનમાં આવી ચૂકેલા તે કેરળના ડાબેરી મોરચાને પણ યાદ કરવો પડે. તમિલનાડુમાં તો ૧૯૬૭ બાદ ત્યાંના પ્રાદેશિક પક્ષો અન્ના ડીએમકે કે ડીએમકેનું રાજ રહ્યું છે. હાલ અન્નાડીએમકે સત્તા પર છે. મુખ્ય વિપક્ષ ડીએમકે છે. જો કે ૨૦૧૯ની ચૂંટણીમાં લોકસભાની એક સિવાયની તમામ બેઠકો જીતી ડીએમકે – કોંગ્રેસ સહિતના પક્ષોના બનેલા સંયુક્ત મોરચાએ પોતાની તાકાત બતાવી દીધી છે. ડાબેરીઓના ગઢ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમુલ કોંગ્રેસ છેલ્લા દસ વર્ષથી સત્તાપર છે. આંધ્ર કે જે પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યાં પહેલા ટીડીપી અને પછી એક ટર્મ માટે કોંગ્રેસ અને હવે ત્યાં જગનમોહન રેડ્ડીના નવા પક્ષ વાય.આર.એસ. કોંગ્રેસનું શાસન છે. તેલંગણાની સ્થાપના બાદ ત્યાં ચંદ્રશેખર રાવની ટીઆરએસ પક્ષનું શાસન છે. ઓરિસ્સામાં છેલ્લા ૨૫ વર્ષ કરતા વધુ વર્ષથી નવિન પટનાયકની આગેવાની હેઠળના બીજુ જનતાદળ એટલે કે બીજેડીનું શાસન છે. જમ્મુ કાશ્મીર ભલે હાલ કેન્દ્રશાસિત પ્રદેશ હોય પણ ત્યાં કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનું શાસન આવી ચુક્યું છે. બીજા ઘણા નાના રાજ્યોમાં પ્રાદેશીક પક્ષો પોતાનું શાસન ચલાવી રહ્યા છે.
દિલ્હીમાં ૨૦૧૧ના સમયગાળા દરમિયાન થયેલા અન્ના હજારેના આંદોલન બાદ અસ્તિત્વમાં આવેલ અરવિંદ કેજરીવાલ દ્વારા બનાવવામાં આવેલ આમ આદમી પાર્ટીએ ૨૦૧૩માં ૨૮થી વધુ બેઠકો મેળવી કોંગ્રેસના આઠ સભ્યોના ટેકાથી થોડા વખત શાસન ચલાવ્યા બાદ ૨૦૧૫માં અને ૨૦૨૦થી ભાજપને સાવ નબળો પાડી અને કોંગ્રેસનો તો સાવ સફાયો કરી નાખ્યો. ભલે લોકસભામાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળતી હોય, સ્થાનિક ત્રણેય નગર નિગમોમાં ભાજપની સત્તા હોય. પરંતુ આ પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ શાસિત પંજાબમાં મુખ્યવિપક્ષ તરીકે ભૂમિકા ભજવે છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસના નેતાઓ ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કરે છે, તો ભાજપના નેતાઓ કોંગ્રેસની બી ટીમ તરીકે વર્તતી હોવાનું આરોપનામું મુકે છે. હવે કેજરીવાલના પક્ષે અન્ય રાજ્યોમાં પોતાની તાકાત ઉભી કરવાનો અને તેને વ્યાપક બનાવવા માટેની રણનીતિ ઘડાઈ રહી છે.
તાજેતરમાં આમ આદમી પાર્ટની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દિલ્હીમાં મળી હતી. બેઠકમાં આવતા બે વર્ષમાં જ્યાં વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ રહી છે, તે ૬ રાજ્યો ઉતરાખંડ ઉત્તરપ્રદેશ હિમાચલપ્રદેશ ગુજરાત પંજાબ અને ગોવામાં પોતાના ઉમેદવારોને ઉતારવાનું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે. પંજાબમાં તો મુખ્ય વિપક્ષ બનેલા આમ આદમી પાર્ટી ત્યાં સત્તાધારી પક્ષ બનવા માંગે છે. ગોવામાં પણ પોતાની તાકાત બનાવવા માગે છે. જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના ૭૦ ટકા જિલ્લાઓમાં પોતાનું સંગઠનનું માળખું તૈયાર કર્યું છે ત્યાં હવે ૨૦૨૧ના અંતમાં કે ૨૦૨૨ના પ્રારંભમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બસપા સપા કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત સાથે ચૂંટણી જંગમાં ઉતરશે. ગોવા અને હિમાચલ પ્રદેશ પર તો આમ આદમી પાર્ટીની લાંબા સમયથી નજર છે. ગુજરાતમાં પણ નવા સંગઠન માળખાની રચના અને સ્થાનિક ચૂંટણીમાં પૂરતી તાકાતથી ઉતરવાના નિર્ધારનો પરચો સ્થાનિક ચૂંટણી માટેના ‘આપ’ના ઉમેદવારોના ત્રણ – ત્રણ લિસ્ટ તૈયાર કરીને પોતાની તાકાતનો પરચો બરાબર આપી દીધો છે. આના કારણે ભલે સ્થાનિક ચૂંટણીમાં તે જીતે કે ન જીતે પણ પોતાના મૂળિયા તો ઉંડા ઉતારશે જ એ નિશ્ચિત છે અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે તે નિશ્ચિત છે.
અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ જે વ્યૂહ રચના ઘડી છે તે પ્રમાણે તેને દિલ્હીમાં જે મોડલ તૈયાર કર્યું છે જેમાં વિપક્ષમાં હોય ત્યાં સુધી લોકોના પાયાના પ્રશ્નોને વાચા આપી આંદોલન કરવું, ત્યારબાદ દિલ્હીમાં પોતે શું કામગીરી કરી છે ? પૂર્ણકક્ષાના રાજ્ય તરીકે દરજ્જાે ન હોવા છતાં અને કેન્દ્ર સરકાર તરફથી ભાજપ શાસિત રાજ્યોને જે સહકાર મળે છે તેવો સાથ ન મળતો હોવા સહિતના બીજા અનેક પડકારો જીલ્યા છે અને વીજ બીલની માફિ, પેટ્રોલ ડીઝલ પરના વેટ બેથી વધુ વખત ઘટાડવા તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓનું સરકારીકરણ અને કોરોના કાળમાં જરૂર પડે કેન્દ્રનો સાથ લઈને પણ જે કામગીરી કરી છે તેનાથી દિલ્હીનો મોટો વર્ગ ખુશ છે.
ભલે દિલ્હીમાં તેણે કોંગ્રેસને પછાડી સત્તા કબ્જે કરી અને તેનો સાથ પણ લીધો અને કોંગ્રેસે લોકપાલ મુદ્દે સાથ છોડતા રાજીનામું આપી અલગરીતે ચૂંટણી લડી, એક નહિ બે બે વખત દિલ્હીમાં કોંગ્રેસનું ખાતુ પણ વિધાનસભાની ચૂંટણીમાં ખોલવા દીધું નથી. કેજરીવાલની આ સિદ્ધિ સાવ સામાન્ય કક્ષાની હરગીઝ નથી. તેવી રીતે પંજાબમાં ભલે કોંગ્રેસની સત્તા ગત ચૂંટણીમાં આવી પણ મુખ્ય વિપક્ષનું સ્થાન મેળવે એટલી બેઠકો તો આમ આદમી પાર્ટીએ મેળવી જ છે અને એકલા હાથે ચૂંટણી લડવા છતાં ભાજપ અને અકાલીદળના જાેડાણને તળિયે ધકેલી દીધું છે. હવે કૃષિ કાયદાના પ્રશ્ને અકાલીદળ અને ભાજપ અલગ પડ્યા છે ત્યારે કેજરીવાલ માટે પંજાબમાં માર્ગ સરળ બન્યો હોવાનું ઘણા વિવેચકો માને છે. ૨૦૧૨ બાદ અસ્તિત્વમાં આવેલા પક્ષે ટુંકાગાળામાં એક રાજ્યમાં ત્રણ વાર સત્તાપર આવવું અને તેમાં છેલ્લી બે ચૂંટણીમાં તો ૮૦ ટકા બેઠકો મેળવી સત્તા મેળવવી તે સિધ્ધી જ કહેવાય. આમ આદમી પાર્ટી પંજાબમાં તો મજબુત બની જ છે હવે દિલ્હી મોડલના સહારે ભાજપ કોંગ્રેસ સહિતના બાકીના પક્ષોને મ્હાત કરીને નવા વિકલ્પ બનવાની ખ્વાહીશ ધરાવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
