માણસનું પેટ અને હાથમાં રૂપિયા ભરેલા હોય તો કેવી ચળ આવતી હોય છે તેનું ઉદાહરણ રાયપુરની ન્યુડ પાર્ટીની જાહેરાતથી ઊભો થયેલો વિવાદ છે. આજના યુગમાં દરેક જણ કંઇક નવું કરવાની ફિરાકમાં હોય છે, તેના જ ભાગરૂપે છત્તીસગઢના રાયપુરની અપરિચિત ક્લબે ન્યુડ પાર્ટીનું આયોજન કર્યું હતું. ક્લબે આયોજન કરતાં જાહેરાત તો આપી દીધી હતી અને યોજી પણ હતી.
આના પરથી આપણે ત્યાંનું ક્લબ કલ્ચર હવે ડ્રિન્ક્સ અને ડાન્સથી પણ આગળ વધીને કયા સ્તરે પહોંચી રહ્યુ છે તેનો પુરાવો મળી રહ્યો છે. ક્લબ કલ્ચરમાં બાર ડાન્સ અને રેઇન ડાન્સ સહિત ડ્રગ્સના દૂષણ તો હતા જ. હવે તેમા ન્યુડ પાર્ટીના સ્વરૂપમાં વધુ એક નવા દૂષણનો ઉમેરો થયો છે. દરેક ક્લબ બને એટલે તેને ટકાવવા તથા તેનો પ્રચાર કરવા નવા ગતકડા કરે છે. આ ગતકડાની સાથે-સાથે તે નવા-નવા દૂષણો પણ સમાજમાં ફેલાવે છે.
આ આખું પ્રકરણ બતાવે છે કે આજકાલ બિલાડીના ટોપની ફૂટી નીકળતી ક્લબો તેના અસ્તિત્વને ટકાવવા કેવા નીતનવા ગતકડા કરે છે. હવે આ પ્રકારને ન્યુડ પાર્ટીના આયોજનની જાહેરાત કરીને આયોજકોએ ચોક્કસપણે માનસિક નાદારીનું પ્રદર્શન કર્યુ છે. તેમા પાછી દંપતી અને યુવતીઓને પણ એન્ટ્રી હતી. તેમા સમાજના વકીલો, લબ્ધ પ્રતિષ્ઠિતો સહિતની નામી હસ્તીઓએ ભાગ લઈને બતાવ્યું કે સમાજનું માનસિક સ્તર કેટલી હદ સુધી નીચે પહોંચી ગયું છે.
ક્લબે આ પ્રકારનું પગલું ફક્ત સનસનાટી મચાવવાના ઉદ્દેશથી ભર્યુ હતુ. તે રાયપુરમાં કંઇક અનોખું કરવા માંગતી હતી અથવા તેના આયોજકો આ પ્રકારે વિદેશમાં છે તેવી વિકૃતિને ભારતમાં લાવવા માંગતા હતા તે બધા સવાલો આ આયોજનના કારણે ઊભા થયા છે. પાછા આવી વિકૃતિને પોષનારા પણ મળી રહે છે તે પણ હકીકત છે. ક્લબની આ પાર્ટીમાં ભાગ લેવા માંગનારોએ રીતસર રજિસ્ટ્રેશન કરાવીને તેમના ચહેરા પર માનવી હોવાનો માસ્ક રીતસર ઉતારી નાખ્યો છે અને પોતે પણ જાણે જંગલના પ્રાણી હોય તે રીતે વર્તવાની તૈયારી બતાવી છે.
તેના પછી આ પ્રકારની પાર્ટીમાં ભાગ લેવા ગયેલાઓના વિડીયો લીક થઈને જાહેર થશે અને અને સોશિયલ મીડિયા પર વાઇરલ થશે ત્યારે તેઓને જે ધજાગરા થશે તેની પણ તેમને ચિંતા નથી. આ લોકો પહેલાં કદાચ માનસિક રીતે નગ્ન થઈ ગયા હશે, તેથી હવે તેમને શારીરિક રીતે નગ્ન થવામાં જરા પણ વાંધો નથી. બની શકે તેઓ તેમના આ જ પ્રકારના વલણના કારણે આ સ્તરે પહોંચ્યા હોય. તેમને સંભવતઃ તેમનો આવો નગ્ન વિડીયો વાઇરલ થાય તેની પણ ચિંતા નથી. હવે ક્લબના આયોજકો આ પ્રકારની પાર્ટીના વિડીયોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરશે તો તેમા ભાગ લેનારાઓશું કરી શકશે, તેમના હાથમાં કશું જ નહીં હોય. તેનું કારણ એ હશે કે તેમણે તેના માટે પહેલેથી જ સંમતિ આપી દીધી હશે.
વિદેશમાં આ પ્રકારની ન્યુડ પાર્ટી અને ન્યુડ બીચના કન્સેપ્ટ છે, પરંતુ ભારતમાં અત્યાર સુધી આ જોવા મળ્યું નથી. હવે આ પ્રકારની ન્યુડ પાર્ટીનું રીતસર જાહેર આમંત્રણ આપીને આયોજન કરીને આ પગલે ચાલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમા ભાગ લેનારાઓ અંગે એમ જ કહી શકાય કે આ ભર્યા પેટના ચાળા છે. જો રૂપિયા કૂદતા હોય તો કરવા જેવા બીજા ઘણા કામો છે, આ પ્રકારની પાર્ટીમાં ભાગ લેનારાઓએ છેવટે સાબિત શું કરી લીધું.
આ ન્યુડ પાર્ટીનું આયોજન કરનારાઓને અને તેમાં ભાગ લેનારાઓને રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા તથા લગભગ વસ્ત્રવિહીન અવસ્થામાં જ કહી શકાય તેવા લોકો દેખાતા લાગતા નથી. આવી પાર્ટી કરવા કરતાં આવા લોકો માટે પણ જો કંઇક કરવામાં આવ્યું હોત તો તે લેખે લાગ્યું હોત.
આ પ્રકારે આયોજન કરનારાઓને ખબર જ નથી કે તેઓ શું કરી રહ્યા છે. સમાજમાં આમ પણ વિકૃતિ ઓછી છે ત્યાં તે એક નવી વિકૃતિનો અધ્યાય શરૂ કરી રહ્યા છે. આ પાર્ટીમાં ભાગ લેનારાઓમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વકીલો, અને બોડી મસાજ કરનારાઓનો સમાવેશ થાય છે. પોલીસનો દાવો છે કે ક્લબના સંચાલકો સોશિયલ મીડિયા દ્વારા લોકોને લલચાવતા હતા. આ ઉપરાંત ક્લબમાં યોજનારા ન્યુડ પાર્ટી જેવા કાર્યક્રમો માટે આમંત્રણ પણ આપતા હતા.
પોલીસે આ અપરિચિત ક્લબના આયોજકા સામે કેસ નોંધીને આઠ જણની ધરપકડ કરી છે, હજી પણ બે ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. આ કેસની તપાસ કરનારા અધિકારીઓનું કહેવું છે કે તેઓ ન્યુડ પાર્ટીમાં હાજરી આપનારા લોકોની ઓળખ અને સામાજિક પૃષ્ઠભૂમિને લઈને તપાસ કરી રહ્યા છે. અગાઉ આવી પાર્ટી ક્યારેય થઈ નથી.
ન્યુડ પાર્ટીના મુખ્ય આયોજકો સંતોષ જેવાણી અને અજય મહાપાત્રાએ ભાટાગાંવના એસએસ ફાર્મહાઉસમાં આ કાર્યક્રમ યોજવાનું આયોજન કર્યુ હતું. ફાર્મ હાઉસના માલિક સંતોષ ગુપ્તાએ તેનું સ્થળ પૂરુ પાડ્યું હતું. અવનીશ ગંગવાણી પાર્ટીના પ્રચાર અને પ્રમોશન કરતા હતા.
ક્લબે ન્યુડ પાર્ટીનો પ્રચાર કરવા માટે વોટ ઇઝ રાયપુર નામના પેજને પણ બનાવ્યું હતું. વીઆઇપી રોડ પર આવેલા હાઇપર ક્લબના માલિક જેમ્સ બેક પણ આ પાર્ટીના મદદકર્તા હતા. દીપકસિંહ અને દેવેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર આ ન્યુડ પાર્ટીનો પ્રચાર કર્યો, જે તેમને ભારે પડી ગયો હતો. તેઓએ કોઈપણ સરકારી વિભાગની મંજૂરી પણ લીધી નથી. સ્વાભાવિક છે કે તેઓ આવી મંજૂરી માટે ગયા હોત તો ત્યાં જ તેમને ના પાડી દેવાઈ હોત. આ આખુ પ્રકરણ બતાવે છે કે ટીવી, ઓટીટી પર બતાવાતી નગ્નતાનો વ્યાપ હવે છેક ક્લબ કલ્ચર સુધી વધ્યો છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/લોકસાહિત્યકાર દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના
આ પણ વાંચો: MANTAVYA Vishesh/11 લાખ રૂપિયાનું દૂધ પંખા ફરવાના લીધે ઉડી ગયું !
આ પણ વાંચો: MANTAVYA Vishesh/ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણ હાથવેંતમાં !
