MANTAVYA Vishesh/ પાદરામાંથી રોહિંગ્યાઓને શોધી-શોધીને કાઢો, MLA ચૈતન્યસિંહ ઝાલા

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પક્ષના કાર્યકરોને હાકલ કરી હતી કે પાદરામાંથી રોહિંગ્યાઓને શોધી-શોધીને કાઢો. તેમની હકાલપટ્ટી કરીને તેમને બાંગ્લાદેશ ભેગા કરી દેવાના છે.

Mantavya Vishesh

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે એપ્રિલ અને મે સુધી યોજાય તેવી કોઈ સંભાવના રહી નથી ત્યારે રાજકારણીઓ પક્ષના કાર્યકરોના ઉત્સાહને ટકાવી રાખવા માટે અવનવા રાજકીય વિવાદોનો આશરો લેવા માંડ્યા છે. તેના કારણે હવે તેમના કાર્યકરોને તેઓ ટૂંકા નહીં પણ લાંબા લેસન આપવા માંડ્યા છે અને ચૂંટણીનો ચઢેલો પાનો જાળવી રાખવાની મથામણ કરતાં જોવા મળ્યા છે. આના જ ભાગરૂપે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પક્ષના કાર્યકરોને હાકલ કરી હતી કે પાદરામાંથી રોહિંગ્યાઓને શોધી-શોધીને કાઢો. તેમની હકાલપટ્ટી કરીને તેમને બાંગ્લાદેશ ભેગા કરી દેવાના છે.

આશ્ચર્યની વાત એ છે કે ભાજપમાંથી આ પ્રકારની હાકલ તો સામાન્ય રીતે વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન થતી હતી. આ વખતે હવે આ પ્રકારની હાકલ છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ થવા લાગી છે. આમ ઉપરના સ્તરનું રાજકારણ તળિયા સુધી જવા લાગ્યું છે. હવે રોહિંગ્યાની હકાલપટ્ટીનો મુદ્દો ફક્ત પાદરા પૂરતો સીમિત નથી, પણ પાદરાના રાજકારણમાં રોહિંગ્યાનો મુદ્દો પહેલી જ વખત ચગ્યો છે. આની સાથે રોહિંગ્યાનો મુદ્દો પાદરાના સ્થાનિક રાજકારણમાં પણ લાઇમલાઇટમાં આવતા વિપક્ષે પણ ચોંકવાનો સમય આવ્યો છે. તેનું કારણ એ છે કે આ મુદ્દો સ્થાનિક હોવાની સાથે પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણને પણ અસર કરે છે. તેના કારણે મોટી વોટબેન્ક પર તેની સીધી અસર થાય છે.

આમ ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ચૂંટણી પરત ઠેલાતા થોડા ઠંડા પડેલા રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે પાદરાના અટકેલા વિકાસ માટે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. પક્ષના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે આજે પાદરા વિકાસથી વંચિત રહી ગયું હોય તે ભૂતપૂર્વ શાસક પક્ષ કોંગ્રેસ અને તેની નીતિઓ છે. કોંગ્રેસે વર્ષોના વર્ષો સુધી પાદરા-જંબુસરનો હાઈવે કાગળ પર જ રાખ્યો હતો, તેને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. આના કારણે પાદરાવાસીઓ અને જંબુસર વાસીઓ બંનેને ખૂબ જ તકલીફ પડી હતી, પણ લોકોની તકલીફની કોંગ્રેસને ક્યાં પડી જ હોય છે. તે ફક્ત એક જ કુટુંબના ગુણગાન ગાવામાં વ્યસ્ત રહે છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાદરામાં યોજાયેલા પક્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં વિપક્ષ પર પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે ફક્ત 27 કિ.મી.નો રસ્તો કોંગ્રેસ વર્ષોના વર્ષો સુધી ન બનાવી શકે અને પાદરાવાસીઓ હેરાન થયા. જો લોકોએ ભાજપને ચૂંટ્યો ન હોત તો આજે પણ પાદરા અને જંબુસરવાસીઓ બંને શહેરના લોકો રસ્તા વગર ટળવળતા હોત, વિકાસ માટે ટળવળતા હોત. લોકોની વિકાસ માટેની આ ભૂખના કારણે જ અમે છીએ.

તેમણે રોહિંગ્યાથી શરૂ કરેલા પ્રહારો પછી કોંગ્રેસને નિશાન બનાવવા માંડી હતી અને જણાવ્યું હતું કે પાદરાના વિકાસની આડે કોઈ વિઘ્ન હોય તો તે કોંગ્રેસ છે, કોંગ્રેસ પોતે તો વિકાસ કરતી નથી, પરંતુ બીજા વિકાસ કરતાં હોય તો તેમા પણ અવરોધ સર્જે છે. પ્રજાનો વિકાસ થાય તે કોંગ્રેસને ગમતું નથી, પ્રજા વિકસે અથવા તો વિકાસના કામો થાય તો તેને જાણે તેનો ગરાસ લૂંટાઈ જતો હોય તેમ લાગે છે. કોંગ્રેસની માનસિકતા છે કે પ્રજા તેના જ ટુકડા પર નભે અને તે જેટલા ટુકડા ફેંકે તેના પર જીવે. જ્યારે વર્તમાન શાસક પક્ષ માને છે કે પ્રજામાં જબરદસ્ત ક્ષમતા છે, એક પ્રજા ધારે તો શું કરી શકતી નથી. તેના માટે તેણે ગમે તે શાસક પક્ષના ટુકડા પર જીવવાની જરૂર નથી. પ્રજામાં શાસનને પલટાવવાની તાકાત છે

તેથી આગામી ચૂંટણીમાં પાદરાની પ્રજાને અમારી હાકલ છે કે કોને પાદરે મૂકવા અને કોને સત્તા સોંપવા તે બધુ તેમની નજર સામે જ છે. તેઓએ બંનેની તુલના કરીને નક્કી કરવાનું છે કે કોણ બોલ બચ્ચન છે અને કોણ કામ કરનાર છે. પાદરાનું શાસન પાદરાની પ્રજાની જોડે જ રહેવું જોઈએ, પાદરાની તિજોરી પર કોઈપણ પ્રકારનો પંજો પડવો જોઈએ નહી, તેની વિકાસની સરવાણી વહેતી જ રહેવી જોઈએ.

તેમણે ઉમેર્યુ હતું કે એક ધારાસભ્ય કેટલુ વેઠતો હોય છે તેની ક્યાં કોઈને ખબર હોય છે. ધારાસભ્યએ તેની છાતી પર કેટલાય પ્રહારો ઝીલવા પડે છે. કામ તંત્ર ન કરે પણ લોકોની ટીકાઓ ધારાસભ્યએ વેઠવી પડે છે. લોકોનો આખો મોરચો ધારાસભ્યની ઓફિસેથી લઈને ઘેર સુધી આવી જાય છે. આ ઉપરાંત પક્ષની અંદરથી લઈને વિપક્ષની આકરી ટીકાનો સામનો કરવો પડે છે. દિવસ ઉગવાની સાથે ધારાસભ્યએ કોઈ મોટા પડકારનો સામનો કરવો પડે છે.

આ ઉપરાંત તેણે પક્ષના મેનિફેસ્ટોનો પણ અમલ કરવાનો હોય છે. વર્તમાન શાસક પક્ષ કંઈ વચનોની લ્હાણી કરવામાં માનતો નથી, તેના મેનિફેસ્ટોમાં આપેલા વચનો તે પૂરા કરે છે. તેમા રામમંદિરથી લઈને કલમ 370 દૂર કરવાનો સમાવેશ થાય છે. આ પ્રકારના વચનો સ્થાનિક સ્તરે પણ પક્ષે આપ્યા હોય છે અને તે પૂરા પણ કરવાના હોય છે. તેની સાથે સ્થાનિકોને નડતી દરેક ફરિયાદો સાંભળવાની હોય છે, તેમાથી શક્ય તેટલાનો નીવેડો લાવવાનો હોય છે. કેટલાય લોકો તેની પાસે મદદની આશ લઈને ઊભા હોય છે. બધાનું થઈ શકતું નથી, પરંતુ બધાને નિરાશ પણ કરતાં નથી. આમ કહીને ઝાલાએ પક્ષમાં ધારાસભ્યની સ્થિતિ કેવા પ્રકારની હોય છે તેવો અણસાર પણ આપી દીધો હતો. તેની સાથે સ્થાનિક વહીવટીતંત્રને પણ ઝપટમાં લઈ લીધું હતું. આમ પાદરામાં ચૂંટણી ભલે પાદરે હોય, પરંતુ સ્થાનિક ધારાસભ્યએ રાજકીય વાતાવરણ ગરમાગરમ રાખવાની તજવીજ શરૂ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા