ઊનામાં જેલમાં ગયેલા બૂટલેગરનો વાઇરલ થયેલો એક પત્ર શાસક પક્ષના ધારાસભ્ય પર કમોસમી વરસાદ બનીને ત્રાટક્યો છે. તેના કારણે શાસક પક્ષે બચાવની મુદ્રામાં આવી જવું પડ્યું છે તો વિપક્ષ ગેલમાં આવી ગયો છે, તે આ બાબતને લઈને તંત્ર પર આક્રમક પ્રહારો કરવા લાગ્યો છે. આ પત્ર પાછો બે મહિના જૂનો હતો અને પકડાયેલા બૂટલેગરે તે જેલમાંથી લખ્યો હતો. આના કારણે હવે જેલની સુરક્ષાને લઈને પણ સવાલો સર્જાયા છે, આ બતાવે છે કે જેલના વહીવટીતંત્રમાં પણ કેવું લીકેજ છે.
ઉના તાલુકાના ઉમેજ ગામના બુટલેગર ભગા ઉકા જાદવ હાલમાં જેલમાં છે. તે જૂનાગઢની જેલમાં છે અને તેમની સામે ગુજસીટોક હેઠળ પણ કેસ નોંધાયા છે. તેમની સામે ડઝનેક કેસો છે. આ બતાવે છે કે તે રીઢો ગુનેગાર છે. હવે આ કુખ્યાત ગુનેગારે ઊનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને 10મી સપ્ટેમ્બરના રોજ પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે ધારાસભ્યને ઉદ્દેશીને સ્પષ્ટ લખ્યું છે કે આપણે દેશી દારૂના ધંધામાં ભાગીદાર છીએ. જેલમાં સંખેડાનો યોગેશ રાઠોડ મારી પાસે છે. તે તેના ગામના સરપંચ રવિ રાઠોડ સાથે દારૂનો ધંધો કરે છે. તેનો હિસાબ સમજવાનો બાકી છે. જામીન મળશે ત્યારે તમારી પાસે આવી બાકીનો જે હિસાબ છે તે પતાવી દઇશું. ધંધામાં સાથે મળીને 13 વખત દમણથી દારુ મંગાવ્યો છે. આ મહાનુભાવે આ પત્રમાં 29 લાખના હિસાબની વાત પણ કરી છે.
થોડા મહિના પહેલાં જ ગીરગઢડાના બેડીયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને વાડીના જથ્થામાંથી મોટો જથ્થો ઝડપ્યો હતો. તેના કારણે તે હાલમાં જૂનાગઢની જેલમાં છે. તેણે આ પત્ર જૂનાગઢની જેલમાંથી જ લખ્યો હતો. આ પત્ર રહીરહીને બે મહિને સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ બતાવે છે કે બંને વચ્ચે આવો તો ઘણો પત્રવ્યવહાર અને હિસાબની લેતીદેતી ચાલતી હશે, પરંતુ વાઇરલ થયેલા પત્રએ કમસેકમ તે બતાવી દીધું છે કે હવે ધારાસભ્યને હપ્તાથી પણ સંતોષ નથી, દારૂના ધંધામાં સીધી ભાગીદારી જ જોઈએ છે. આમ દારૂનો ધંધો કરનારા બૂટલેગરો પાસેથી હપ્તો લેવો તે જૂની વાત થઈ ગઈ છે.
આના કારણે હવે સવાલ તે ઉદભવે છે કે રાજ્યમાં ચાલતા દારૂના ધંધામાં બૂટલેગરો અને ધારાસભ્યો ભાગીદાર છે. આના કારણે જ રાજ્યમાં કદાચ પીવાનું પાણી મળે કે ન મળે, પરંતુ દારૂ ચોક્કસ મળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. પછી ભલેને તમે કચ્છના રણમાં ભૂલા પડ્યા કેમ ન હોવ. તમને ત્યાં પાણી આપનાર કોઈ નહીં મળે, પરંતુ દારૂનો જો ઓર્ડર કર્યો તો તે ચોક્કસ મળશે.
આ તો એક રીતે બૂટલેગર અને શાસક પક્ષના ધારાસભ્ય વચ્ચે જાણે કારોબારી લેવડદેવડ ચાલતી હોય તે પ્રકારનો પત્રવ્યવહાર ચાલે છે. આ તો બહાર જાહેર થયેલો પત્ર છે એટલે આટલી વાત બહાર આવી. આવી તો કેટલીય લેવડદેવડ કેટલાય બૂટલેગરો કેટલાય ધારાસભ્ય સાથે કરતા હશે તેની કોને ખબર છે. કોંગ્રેસના ધારાસભ્યએ આ આખા પત્રકાંડને લઈને શાસક પક્ષ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેની માંગ કરી છે. તેની સાથે જો પત્રમાં જણાવાયું છે તેમ ધારાસભ્ય ખરેખર ભાગીદાર હોય તો તેની સામે પણ આકરાં પગલાં લેવામાં આવે તેમ જણાવ્યું છે.
કોંગ્રેસનું કહેવું છે કે આ તો એક જ ધારાસભ્યની વાત વાઇરલ પત્રના કારણે જાહેર થઈ છે, આના પરથી જાણે તો એવું જ લાગે છે કે રાજ્યમાં પડદા આગળ દારૂબંધી અને પડદા પાછળ દારૂનો જંગી વેપલો હોય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં દારૂના વેપારને રોકવા માટે કોનો કાંઠલો ઝાલવો તે સવાલ છે. વાડ ચીભડા ગળે તો પછી વાત કોને કહેવા જવી, બૂટલેગર સામે તમે કાર્યવાહી કરો, તેને જેલમાં નાખો, સજા પણ કરો, પઁણ દારૂનો કારોબાર નહીં અટકવાનો. હવે તમે બૂટલેગરને કેટલી વખત પકડશો, કેટલી વખત જેલમાં નાખશો, કેટલી વખત સજા કરશો. અહીં તો બધું જ ધ્યાન બૂટલેગરને પકડવા પર છે, દારૂના વેપારને રોકવા પર નહીં.
સામાન્ય માન્યતા એવી છે કે બૂટલેગરને પકડો એટલે દારૂનો વેપાર બંધ થઈ જાય, પરંતુ દારૂના વેપારને રોકનાર જ તેના ભાગીદાર હોય તો પછી ગમે તેટલા બૂટલેગરને પકડો ધંધો તો બંધ જ નહી થવાનો. આ જોતાં એમ કહી શકાય કે દારૂના વેપારને રોકવો જાણે સૂરજ સામે ધૂળ ઉડાડવા બરાબર છે, આંખમાં ધૂળ જવાથી થોડો સમય સૂરજ ન દેખાય એટલે કંઈ તે અદ્રશ્ય થોડો થઈ જાય છે. બસ આ રીતે બૂટલેગરને પકડીને લોકોની આંખમાં ધૂળ નાખવા જેવી કાર્યવાહી બતાવી દેવાય છે, પરંતુ તેનાથી દારૂ કંઈ અદ્રશ્ય થતો નથી. પીવાતો જ રહે છે અને પૂરો પડાતો જ રહે છે.
જો કે આ બનાવથા ધારાસભ્ય ચોક્કસ ચેતી ગયા છે. હવે તે કદાચ ક્યારેય કોઈ બૂટલેગર સાથે પત્રવ્યવહાર નહીં કરે, સીધો રૂબરૂ વ્યવહાર જ કરશે. તેમને ખબર પડી ગઈ છે કે લખેલું ગમે ત્યારે વાઇરલ થાય તો પછી કેવી સ્થિતિ આવે. આમ ધારાસભ્ય પણ સમજી ગયા છે કે કમસોમી વરસાદ કોને કહેવાય છે અને તે કેવો વિનાશ વેરે છે.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા

