MANTAVYA Vishesh/ બનાસકાંઠામાં આઝાદીનાં 79માં વર્ષે અનુસૂચિત જાતિને વાળંદ પાસે જવા મળી સ્વતંત્રતા

દેશનો 79મો સ્વતંત્રતા દિવસ તાજેતરમાં જ ઉજવાઈ ગયો. સ્વતંત્રતાનો અર્થ આજે પણ અંગ્રેજોથી આઝાદી તેવો કરીએ છીએ. આ દિવસે આપણે ગુલામીમાંથી મુક્ત થયા અને અંગ્રેજોના અત્યાચારથી મુક્ત થયા તેની ઉજવણી કરીએ છીએ, પણ વાસ્તવમાં સ્વતંત્રતાનો અર્થ ઘણો વ્યાપક છે.

Mantavya Vishesh

દેશનો 79મો સ્વતંત્રતા દિવસ તાજેતરમાં જ ઉજવાઈ ગયો. સ્વતંત્રતાનો અર્થ આજે પણ અંગ્રેજોથી આઝાદી તેવો કરીએ છીએ. આ દિવસે આપણે ગુલામીમાંથી મુક્ત થયા અને અંગ્રેજોના અત્યાચારથી મુક્ત થયા તેની ઉજવણી કરીએ છીએ, પણ વાસ્તવમાં સ્વતંત્રતાનો અર્થ ઘણો વ્યાપક છે. અંગ્રેજોથી મુક્ત થયા તેને તો ફક્ત રાજકીય આઝાદી જ કહેવાય. ખરી સ્વતંત્રતા તો ત્યારે કહેવાય જ્યારે સમાજ કુરિવાજોથી મુક્ત થાય, જરીપુરાણી માન્યતાઓથી મુક્ત થાય, માનવતાવાદી અભિગમ અપનાવે, અવિચારી નિયમોને ત્યજે. દરેકને એક જ પિતાના સંતાન સમજે.

બસ આવી સ્વતંત્રતા બનાસકાંઠા જિલ્લાના આલવાડ ગામે દેશ સ્વતંત્ર થયાના આટલા વર્ષો પછી મેળવી. કોઈને કલ્પનામાં પણ ન આવે કે બનાસકાંઠા જિલ્લાના આલવાડા ગામમાં આઝાદીના આટલા વર્ષો પચી પણ અનુસૂચિત જાતિના લોકોને હેરસલૂનમાં એટલે કે વાળંદને ત્યાં પ્રવેશ ન હતો. તેઓ ગામમાં વાળંદની દુકાનમાં વાળ પણ કપાવી શકતા ન હતા કે દાઢી પણ કરાવી શકતા ન હતા. તેના કારણે અનુસૂચિત જાતિના લોકો અપમાનની અને હીણપતની લાગણી અનુભવતા હતા. તેમણે ખાલી વાળ કપાવવા માટે કે દાઢી કરાવવા માટે કામકાજ પડતું મૂકી છેક 25 કિ.મી. દૂર આવેલા ધાનેરા શહેરમા વાળ કપાવવા જવું પડતું હતું. તેના લીધે સ્કૂલે જતાં બાળકો પણ લાંબા સમય સુધી વાળ કપાવી શકતા ન હતા અને તેમણે સ્કૂલમાં ઠપકો સાંભળવો પડતો હતો. પણ હવે આ સ્થિતિનો અંત આવ્યો છે.

ગામના જાગૃત યુવાનોના પ્રયત્નો અને સમજાવટના લીધે આજે ગામના વાળંદને ત્યાં અનુસૂચિત જનજાતિના લોકો વાળ કપાવવા જઈ શકશે. ગામના વાળંદ સમાજના લોકોએ પોતાની ખુશીથી અને મરજીથી અનુસૂચિત જનજાતિના લોકોને વાળ કપાવવાની તૈયારી બતાવી છે. આમ આઝાદીના 79માં વર્ષે અનુસૂચિત જાતિના લોકોને ખરા અર્થમાં આઝાદી મળી છે. ગામમાં આટલા વર્ષો પછી પહેલી જ વાર અનુસૂચિત જાતિના લોકોને હેર સલૂનમાં પ્રવેશ આપીને ફક્ત દેશ જ નહીં તેઓ પણ આ સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છે તેવો અહેસાસ કરાવવામાં આવ્યો છે.

આમ ગામમાં એક કાતરે જાતીય ભેદભાવ પર હંમેશા માટે કાતર ફેરવી દીધી છે. આ સાથે ગામે હવે  જાતિગત ભેદભાવને તિલાંજલિ આપતા અનુસૂચિત જાતિના લોકો પોતાના જ ગામના વાળંદભાઈઓ પાસે વાળ કપાવીને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેની સાથે ગામના વાળંદ ભાઈઓ પણ તેમની કમાણીમાં થયેલા વધારાનો આનંદ માણી રહ્યા છે. આ બનાવના કારણે અનુસૂચિત જાતિના લોકોની તકલીફોનો અંત આવ્યો છે અને બીજી બાજુએ ગામના વાળંદોની કમાણી વધી છે. આમ બંને પક્ષ આ ભેદભાવ દૂર થવાના લીધે ખુશ છે. આમ ગામમાં ફક્ત વાળ કપાવવા જેવી બાબતને લઈને ચાલતા ભેદભાવનો આઠ દાયકા પછી અંત આવ્યો હતો. આમ એક કાતરે ગામના જાતિગત પૂર્વગ્રહને હંમેશ માટે ખતમ કરી દઈ ગામમાં ખુશીની લહેર પ્રસરાવી દીધી છે.

દલિત સમાજના આગેવાન ભરતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમારે ત્યાં આ દાયકાઓ જૂનો કુરિવાજ હતો. આ આખા ઘટનાક્રમ પર નજર નાખીએ તો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં 6,500 લોકોની વસ્તી છે અને તેમા અનુસૂચિત જાતિના લોકો 250 જણા દાયકાઓથી રહે છે. અત્યારની સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવાની ઘટના બની તે પહેલા જાતીય ભેદભાવના કારણે ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા પર પ્રતિબંધ હોવાથી તેમને વાળ કપાવવા હોય તો કોઈ પથ્થર તોડવા કરતાં પણ વધુ મુશ્કેલ લાગતું હતું. ગામમાં વાળંદની દુકાનમાં અનુસૂચિત જાતિના લોકોને પ્રવેશ જ આપવામાં જ આવતો ન હતો.

આ અંગે સ્થાનિક વાળંદ દિનેશે જણાવ્યું હતું કે અમારે ત્યાં આ આઠ દાયકા જૂનો કુરિવાજ હતો અને હવે તેનો અંત આવી ગયો છે અને અમે પણ તેના કારણે કમાણીમાંથી થતાં વધારાથી ખુશ છીએ. અનુસૂચિત જાતિના લોકોએ પોતાના અને પોતાના બાળકોના વાળ કપાવવા છેક 25 કિ.મી. દૂર ધાનેરા જવું પડતું હતું. મોટેરાઓએ ખેતીના કામ પડતા મૂકીને અને કારોબાર પડતા મૂકીને જ્યારે બાળકોએ સ્કૂલોમાં રજા મૂકીને છેક ધાનેરા જવું પડતું હતું. સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ કોઈ અનુસૂચિત જાતિના લોકોના કોઈ વાળ કાપતું ન હોવાથી તેઓ પોતાને ગુલામ સમજતા હતા. પોતાને હીન કક્ષાના સમજતા હતા. પણ ગામના જાગૃત યુવાનોએ આ ભેદભાવ દૂર કરવાનું બીડું ઝડપ્યું હતું. તેમણે અનુસૂચિત જાતિના ભાઈઓ અને વાળંદ સમાજ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આ સમાધાન સાતમી ઓગસ્ટના રોજ કરાવવામાં આવ્યું હતું. તેના લીધે ગામના જ અનુસૂચિત જાતિના લોકોના વાળ સ્થાનિક વાળંદોએ તેમના દુકાનોની અંદર કાપવાનું શરૂ કરતાં આનંદની લહેર દોડી ગઈ હતી. તેમની વર્ષો જૂની વેદનાનો અંત આવ્યો હતો.

ગામના સરપંચ સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામના જ યુવાનોએ ગામમાંથી એક કુરિવાજને જાકારો આપ્યો તે સારામાં સારી બાબત છે. આ બતાવે છે કે ગામના લોકો ગામના મુદ્દા સંવાદથી અને પારસ્પરિક સમજથી ઉકેલે છે.

તેઓને ખરા અર્થમાં સ્વતંત્રતાની લાગણી અનુભવાઈ હતી અને પોતાને ગુલામ નથી પણ સ્વતંત્ર ભારતના જ નાગરિક છે તેવો અહેસાસ થયો હતો. જ્યારે એક સાથે આખો સમાજ વાળંદોનો ગ્રાહક બનતા તેમની આવકમાં પણ વધારો થયો છે. તેના લીધે તેઓએ હવે ગામ છોડીને પેટિયુ રળવા બીજે જવાના દહાડા નહીં આવે તેના કારણે પણ તેનો આનંદ થયો છે. આમ એક જ સુધારાથી ગામમાં જાતિગત ભેદભાવ ખતમ થઈ ગયો છે. આ જ ખરા અર્થમાં સાચી સ્વતંત્રતા છે. તેની સાથે દેશનો 79મો સ્વતંત્રતા દિન ગામના અનુસૂચિત જનજાતિના લોકો માટે ખરા અર્થમાં સ્વતંત્રતાનું પર્વ બનીને આવ્યો હોવાનું કહી શકાય. બસ રાજ્યના દરેક ગામોમાં આ જ પ્રકારના કુરિવાજો, અન્યાયી સામાજિક નિયમોને સ્થાનિકો જ દૂર કરે તથા દરેક સમાજ એકબીજા સાથે તાલમેળથી રહે તે જ ખરા અર્થમાં સ્વતંત્રતાની મળેલી ભેટ કહી શકાય અને તેને જ સાચી સ્વતંત્રતા કહેવાય. સ્વતંત્રતા કોઈને ગુલામ રાખવામાં નથી, પરંતુ તેને સ્વતંત્ર રાખવામાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર