જૂનાગઢના ભવનાથ મંદિરનો વિવાદ પણ મંદિરના નામની જેમ જ ભવોભવ ચાલે તેમ લાગે છે. વર્તમાન મહંત હરિગિરીનો કાર્યકાળ 31મી જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે ત્યારે આ હોદ્દા માટે દાવેદારી નોંધાવવા સાધુઓના બે જૂથ સામસામે આવી ગયા છે.
તેમા એક જૂથ છે તે હરિગીરીનું માનવામાં આવે છે અને બીજું જૂથ તેમની સામેનું જૂથ મનાય છે. આ બીજા જૂથના આગેવાન રાજુગીરી છે અને તેમનું કહેવું છે કે હરિગીરી પાસે રૂપિયા અને પાવર બંને છે અને તેને તંત્રનું પણ સમર્થન છે. જ્યારે અમે તો ન્યાય માટે દસ વર્ષથી લડી રહ્યા છે. અમે પરંપરાવાદી છીએ અને ગુરુશિષ્યની પરંપરા મુજબ આ ગાદી અમારા કુટુંબમાંથી જ મળવી જોઈએ.
તેમણે ચીમકી પણ આપી હતી કે જો આ ગુરુશિષ્યની પરંપરાનું પાલન ન કરાયુ અને અમારામાંથી કોઈને મહંતની ગાદી સોંપવામાં ન આવી તો અમે આત્મવિલોપન કરીશું. આમ તેમની આત્મવિલોપનની ચીમકીએ જૂનાગઢના સંતસમાજમાં સનસનાટી મચાવી દીધી છે. ભવનાથ મંદિરને વિવાદો સાથે નાતો નવો નથી, પરંતુ આ પ્રકારની આત્મવિલોપનની ચીમકી અત્યાર સુધી કોઈએ આપી નથી. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે અમે જો આત્મવિલોપન કર્યું તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
બંને સંતોએ તંત્ર પર મોટાપાયા પર દોષારોપણ કર્યુ હતુ અને જણાવ્યું હતું કે હવે મહંતના હોદ્દા પર કોઈપણ સંતની નિમણૂક નિયમ વિરુદ્ધ જઈ કરવામાં આવશે તો સંતસમાજ ચૂપ નહીં રહે. મોટાપાયે આંદોલન કરશે અને આ રીતે થયેલી નિમણૂક પાછળનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશે. સંતોની આ ચીમકીના પગલે જૂનાગઢનું વહીવટીતંત્ર હચમચી ઉઠ્યું છે. તેઓ હવે શું પગલા લેવા તેની વિચારણમાં પડ્યા છે, જેથી આ પ્રકારનો બનાવ ન બને.
આજે હરિગીરીની સત્તાનો અંત એમને એમ આવ્યો નથી, પરંતુ મહેશગીરીએ ઉઠાવેલા અવાજના કારણે આવ્યો છે. મહેશગીરીએ હરિગીરી સામે મચાવેલો હોબાળો અને તેની ગેરરીતિ સામે ચઢાવેલી બાંયોએ છેવટે તેનો રંગ બતાવ્યો છે. આના પગલે સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરના મહંત હરિગીરીનો કાર્યકાળ 31 જુલાઈએ પૂરો થશે. આ કિસ્સામાં મહેશગીરીએ શહેરના ભૂતપૂર્વ મેયર ગિરીશ કોટેચાને પણ ઝપેટમાં લીધા હતા. તેમણે ગિરીશ કોટેચાને હરિગીરીની ટોળકીના ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.
આ વિવાદના મૂળમાં જોઈએ તો જૂનાગઢના અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા પછી તેમની ગાદીની સાથે-સાથે ભવનાથ મંદિરના મહંતપદે પણ વિવાદ પકડ્યો હતો. આ પદ માટે મહંત હરિગીરીએ ભાજપ, કલેક્ટર અને કેટલાક સાધુસંતોને મળીને કુલ રૂ. આઠ કરોડની ચૂકવણી કરી હોવાનો આક્ષેપ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ કર્યો હતો. તેમણે ફક્ત આક્ષેપ ન કરતા હરિગીરીએ આપેલી લાંચના પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમના આરોપોએ સનદી અધિકારીઓની સાથે ધર્મસ્થાનોમાં તથા શ્રદ્ધાળુઓમાં પણ સનસનાટી મચાવી હતી.
આના કારણે પહેલી વખત લોકોની જાણમાં આવ્યું હતું કે લો મંદિરના મહંત બનવા માટે પણ આઠ-આઠ કરોડ રૂપિયા જેવી જંગી રકમની ચૂકવણી કરવી પડે છે. હવે આ મંદિરમાંથી કરોડો રૂપિયા કમાવવા હશે તો આટલા તો ચૂકવવા પડશે જ ને. આ બતાવે છે કે સાધુસંતોએ પણ તેમની સત્તા માટે રૂપિયા ખાલી કરવા પડે છે, આના પરથી હવે વિધાનસભ્યથી લઈને સાંસદ બનવા માટે કેટલી કિંમત અદા કરવી પડતી હશે તેનો ખ્યાલ આવી જવો જોઈએ.
જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરના મહંત હરિગીરી સામે સંખ્યાબંધ ફરિયાદોના પગલે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી હતી. એસડીએમ દ્વારા પણ હરિગીરી સામેનો અહેવાલ આપી દેવાયો હતો. હરિગીરીએ તેની સામે થયેલા આક્ષેપો અંગે જવાબો પણ આપ્યા છે. વહીવટીતંત્ર તેણે આપેલા જવાબોની ચકાસણી કરી રહ્યું છે. તેના આ જવાબોની ઘણી બાબતો સંતોષજનક ન હોવાનું પણ વહીવટીતંત્રએ જણાવ્યું છે. આના પરિણામે અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરની જેમ જ ભવનાથ મંદિર ખાતે પણ મહંત પદેથી હરિગીરીને હટાવવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો હતો.. તેની સાથે હરિગીરીની વિદાય પણ સુનિશ્ચિત થઈ ગઈ હતી.
આ આખુ પ્રકરણ બતાવે છે કે મહેશગીરીએ વાત કહી હતી તેમા ક્યાંકને ક્યાંક તથ્ય હતુ. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢના ગિરનારને હરિગીરીએ અભડાવ્યો છે. અહીં મુજરા થતા હતા, સાધુ સંતો ગાંજો પીતા હતા અને દારૂ પીતા હતા, હરિગીરી જૂથના સાધુઓ વેશ્યા ગમન કરતા હતા. નાચનારીઓને અહીં બોલાવવામાં આવતી હતી. આમ કરીને હરિગીરીના જૂથે જૂનાગઢની પવિત્રતાનો ભંગ કર્યો હતો. તેની સાથે તેને સ્થાનિક ભ્રષ્ટ રાજકારણીઓનું પણ સમર્થન છે.
આ ઉપરાંત મહેશગીરીએ કલેક્ટર રચિત રાજને પણ સાણસામાં લીધો હતો. મહેશગીરીએ જણાવ્યું હતું કે સીએમ ભુપેન્દ્ર પટેલે આપેલી સૂચનાને કલેક્ટર રચિત રાજ ઘોળીને પી ગયા હતા. તેમણે હરિગીરી સાથે મિલીભગત કરીને તેમને આ હોદ્દા પર નીમ્યા હતા. આમ ભવનાથની આ જગ્યાને આ દુરાચારીઓ અને ભ્રષ્ટાચારીઓએ અપવિત્ર કરી હોવાનો દાવો તેમણે કર્યો હતો.
તેમનું કહેવું હતું કે હરિગીરી અને તેની ટોળકીને અહીંથી કાઢો અને મને મારો ગિરનાર એવોને એવો પાછો આપો. આ દુરાચારીઓ, કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓના લીધે ફક્ત ભવનાથ અને ગિરનાર જ બદનામ થતો નથી, સરકારનું પણ નામ ખરાબ થાય છે. તેથી સરકાર આ દિશામાં કંઇક પગલાં ભરે તેના પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આમાની મેં જે પણ વાત કરી તે કોઈ હવામાં વાત કહી નથી, મારી બધી વાત પ્રમાણ સાથે રજૂ કરી છે. આ પ્રમાણ હું બધે જ આપવા તૈયાર છું. મહેશગીરીએ લગભગ દરેક પ્લેટફોર્મ પર તેમની વાત પુરાવા સાથે મૂકવાનું ચાલુ કરતાં સરકાર પણ છેવટે હરકતમાં આવી હતી.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો

