પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ટોચ પર છે. તેના લીધે ભારતે અટારી અને વાઘા સહિતની બધી બોર્ડર બંધ કરી દીધી છે. આના લીધે બંને દેશ વચ્ચે સરહદ પર થતો કારોબાર બંધ થઈ ગયો છે.
આ દરમિયાન ઇકોનોમિક થિન્ક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવે જણાવ્યું છે કે બધા પ્રતિબંધો છતાં ભારતીય કંપનીઓ લગભગ 85,000 કરોડ (10 અબજ ડોલર)ની માલસામગ્રી પાકિસ્તાન પહોંચાડી રહી છે. હવે કોઈને પણ થાય કે આવું કઈ રીતે શક્ય છે. અટારી અને વાઘા સહિતની બધી જ સરહદો તો બંધ થઈ ગઈ તો પછી ત્યાં માલસામગ્રી કઈ રીતે પહોંચી શકે છે.
વાસ્તવમાં આ પ્રકારના સંજોગોમાં ભારતીય કંપનીઓ પાકિસ્તાનમાં માલસામગ્રી પહોંચાડવા માટે ત્રીજા દેશનો આશરો લે છે. શ્રીલંકા, દુબઈ અને સિંગાપોર જેવા સ્થળોએથી કે ત્રીજા દેશો મારફતે પાકિસ્તાનમાં આ માલસામગ્રી પહોંચાડવામાં આવે છે.
થિન્ક ટેન્કે પોતાના એનાલિસિસના આધારે જણાવ્યું છે કે આ અંગે વ્યૂહરચના એવા પ્રકારની અપનાવાઈ છે કે ભારતીય કંપનીઓના માલને થર્ડ પાર્ટી કંપનીઓ દ્વારા બોન્ડેડ ગોદામોમાં રિ-લેબલ કરવામાં આવે છે. તેના પછી તેના વાસ્તવિક મૂળ સ્થાને છૂપાવી તેને પાકિસ્તાન મોકલવામાં આવે છે.
આ થિન્ક ટેન્કના સ્થાપક અજય શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ ભારતીય કંપનીઓ પરોક્ષ રીતે બંદરના માધ્યમથી પાકિસ્તાન માલ મોકલે છે. આ આખી સંપૂર્ણ પ્રક્રિયામાં જોઈએ તો કોલંબો, દુબઈ અને સિંગાપોર જેવા બંદરો પર એક ઇન્ડિપેન્ડન્ટ કંપની માલ ઉતારે છે અને પ્રોડક્ટને બોન્ડેડ વેરહાઉસમાં મૂકે છે. આ બોન્ડેડ વેરહાઉસમાં પછી લેબલ બદલી કાઢવામાં આવે છે અને દસ્તાવેજો બદલી કાઢવામાં આવે છે. ભારતમાં ઉત્પાદિત સામાનો પર પછી મેડ ઇન ઇન્ડિયાનું લેબલ કાઢીને મેડ ઇન યુએઇનું લેબલ લગાવવામાં આવે છે, પછી ભલેને તેનું ઉત્પાદન યુએઈમાં થયું ન હોય. તેના પછી તેને પાકિસ્તાન જેવા દેશમાં મોકલી દેવાય છે જેને યુએઈ સાથે વેપારની મંજૂરી નથી.
આ રીતે ભારતીય કંપનીઓને પાકિસ્તાન સાથેના વેપાર પર પ્રતિબંધ હોવા છતાં પણ તેની પ્રોડક્ટ્સ ઊંચી કિંમતે પહોંચાડવામાં અને વેચવામાં મદદ મળે છે. આવું હોય તો પછી કોણ ધંધો ન કરે. આ રીતે પ્રોડક્ટ વેચવાનો અને પાકિસ્તાનીઓ માટે ખરીદવાનો ખર્ચ ઊંચો આવે છે, પરંતુ તેના વગર તેઓને છૂટકો પણ નથી. આટલી કિંમત ચૂકવવા છતાં પણ તેઓને બીજી બધી પ્રોડક્ટ્સ કરતાં ભારતીય પ્રોડક્ટ્સ સસ્તી જ પડે છે. તેની સાથે ભારતીય પ્રોડક્ટ પણ ગુણવત્તાસભર હોય છે.
પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના રાજદ્વારી સંબંધો ખતમ કરી દીધા હતા. તેના પગલે અટારી અને વાઘા સરહદે પણ માલસામગ્રીનું આવાગમન બંધ કરી દીધું હતું. ભારતની જેમ પાકિસ્તાને પણ સામા પક્ષે ભારત સાથેના વ્યાપારિક સંબંધો ખતમ કરી નાખવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે 2019માં પુલવામા હુમલો થયો હતો. તેના પછી બંને દેશ વચ્ચે ચાલતા સીધા કારોબારમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ કારોબાર તેના પછી સતત ઘટતો જ રહ્યો છે. એપ્રિલથી જાન્યુઆરી 2024-25માં ભારતની પાકિસ્તાનમાં નિકાસ 44.76 કરોડ ડોલર હતી અને આયાત ફક્ત 4.2 લાખ ડોલરની જ હતી. જ્યારે એપ્રિલથી જાન્યુઆરી 2023-24માં નિકાસ ફક્ત 1.18 અબજ ડોલર અને આયાત 28.8 કરોડ ડોલર હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારોબારમાં જોઈએ તો ભારત પાસેથી પાકિસ્તાન મોટાપાયા પર દવા, કેમિકલ, ફળો, શાકભાજીઓ અને પોલ્ટ્રી ફીડ ખરીદતું હતું, જ્યારે ભારત પાકિસ્તાન પાસેથી ડ્રાય ફ્રૂટ, જિપ્સમ અને રોક સોલ્ટ સહિતની અનેક ચીજવસ્તુ ખરીદતું હતું.
હવે સવાલ એ થાય કે શું ભારત પણ પાકિસ્તાન પાસેથી આ રીતે જ થર્ડ પાર્ટી રુટે વસ્તુ ખરીદશે, તેનો જવાબ હા જ છે, પાકિસ્તાનની જે વસ્તુની ભારતમાં જરૂરિયાત છે તે વસ્તુ જે રુટે ભારતની વસ્તુ જાય છે તે જ રુટે ભારત આવશે, બસ અહીં પણ મેડ ઇન પાકિસ્તાનનો સિમ્બોલ હટાવી દેવામાં આવશે અને તેના બદલે મેડ ઇન યુએઇનો સિમ્બોલ લગાવવામાં આવશે. આ બધું જ થર્ડ પાર્ટી એજન્સી કરશે. જો કે તેની કિંમત ઘણી ઊંચી ચૂકવશે, પણ હવે રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે પછી કિંમત સામે જોવામાં આવતું નથી.
આમ બંને દેશો વચ્ચેનો વેપાર હવે સરહદેથી નહીં થાય, પરંતુ આ પ્રકારનો બાયપાસ જારી રહેશે. આ રીતે પરોક્ષ રીતે બંને દેશ વચ્ચેનો વેપાર જારી રહેશે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે બંને પક્ષો આ પ્રકારનો વેપાર કેટલા સમય સુધી ચલાવી શકશે. ભારત તો મોટો દેશ હોવાથી કદાચ લાંબા સમય સુધી ફટકો સહન કરી શકે, પરંતુ પાકિસ્તાન માટે આ ફટકો સહન કરવો તો અત્યંત અઘરો હશે. તે લાંબા સમય સુધી ઊંચી કિંમત ચૂકવી શકવાની સ્થિતિમાં જ નથી.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
