કુદરતની કારીગરી નિરાળી હોય છે તેમ જમીનને લગતા ખેલ પણ નિરાળા હોય છે. કલ્પનામાં ન આવે તે રીતે જમીનને લગતા ખેલ થાય છે. રાજકોટના નિવૃત્ત થયેલા RTO ઇન્સ્પેક્ટરે નકલી ખેડૂત બનીને સૌરાષ્ટ્રમાં 300 કરોડ રૂપિયાની જમીનના માલિક બની ગયાના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. હવે અહીં જમીન કૌભાંડની વાત તો પછી આવે પણ પહેલા એ વાત આવે છે કે શું RTO ઇન્સ્પેક્ટરની નોકરીમાં એટલો પગાર મળે છે કે અશોકકુમાર અનંતરાય ધ્રુવ નામના અધિકારી 300 કરોડ રૂપિયાની અસ્કયામતના માલિક બની ગયા.
સરકારી કે કોઈપણ પગારમાં પાંચ લાખથી વધુ રકમ જાય તો સીધો ટેક્સ પણ કપાઈને આવે છે, તો આ ભાઈએ ટેક્સ ભરીને કે ભર્યા વગર આટલી મોટી સંપત્તિ કેવી રીતે એકત્રિત કરી. તે મોટો સવાલ છે. આ અધિકારી પહેલા તો ચોપડે ખોટો ખેડૂત બની ગયો અને તે પણ છેક 1994માં તે ચોપડે ખેડૂત બન્યો. આમ આટલા સમય સુધી તેણે નકલી ખેડૂત બનીને કેટલાય સોદા પાડી દીધા ત્યાં સુધી તંત્રના કાને ગંધ પણ ન આવી. આ રીતે નકલી ખેડૂત બનીને તેણે રીતસરના અન્ય ખેડૂતો જે જરૂરિયાતમંદ છે તેના અધિકાર પર તરાપ મારી. પણ કહેવાય છે કે વ્યક્તિને જ્યારે લોભ અટકે નહીં ત્યારે તેનું પાપ છાપરે ચઢીને પોકારે છે.
આ અધિકારીએ રાજકોટમાં RTO ઇન્સ્પેક્ટર તરીકે ધૂમ રૂપિયા બનાવ્યા હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. તે સિવાય તે આટલી મોટી સંપત્તિનો આસામી કેવી રીતે બની શકે. હવે બ્લેક મની ઇન્કમના રૂપિયા સંતાડવા અઘરા હોવાથી આ અધિકારીએ નવી જ વ્યૂહરચના અપનાવી. તે પોતે નકલી ખેડૂત બની ગયા અને આ બ્લેક મનીની ઇન્કમથી તેમણે જમીન ખરીદી હોવાનું માનવામાં આવે છે. આમ આ ભૂતપૂર્વ RTO ઇન્સ્પેક્ટર તેમના બ્લેક મનીમાંથી જમીન ખરીદવાનો ખેલ પાડતા હતા.
આ ઘટના એક જ સરકારી અધિકારીની છે. હવે વિચાર કરો 300 કરોડ રૂપિયાની જમીન જો એક RTO ઇન્સ્પેક્ટર પાસે હોય તો બીજા ભ્રષ્ટ અધિકારીઓ સરકારી ખજાનામાં કેવી લૂંટ ચલાવતા હશે, આવું ભ્રષ્ટ તંત્ર હોય તો સરકાર નોકરીમાં ભરતી જ શું કામ કરે. સરકારી નોકરી જેટલી વધારે તેટલો ભ્રષ્ટાચાર વધારે જ થાય ને.
આ ઘટના પણ હજી સુધી પ્રકાશમાં ન આવી હોત, પણ અતિ સર્વત્ર વર્જયેત્ નો નિયમ બધે લાગુ પડે છે. છેવટે પાપ તો છાપરે ચઢીને પોકારે છે તે ન્યાયે તેણે આટલા વર્ષોના કૌભાંડથી મેળવેલી રકમનું રોકાણ બીજે પણ કૌભાંડ કરવા જ કર્યુ છે.
જામનગરના કલેક્ટર બી.કે. પંડ્યા અને ધ્રોલના મામલતદાર વી.એન. પરમારે ધ્રુવ સામે તપાસ કરતાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ તપાસમાં તેઓ બિનખેડૂત હોવાનું સાબિત થઈ ગયું. આમ હવે તે બિનખેડૂત સાબિત થતાં તેમણે ખેડૂત તરીકે લીધેલી બધી જમીન તેના મૂળ જમીન માલિકોને પરત કરવી પડશે અથવા તો તેણે જો પરત લેવી ન હોય તો આ જમીન શ્રીસરકાર થશે.
આ અધિકારીએ છેલ્લે જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારમાં માલણકા ગામે આઠ વીઘા જમીન ખરીદી તેને પણ તેમણે વેચવી પડશે કે પરત સોંપવી પડશે નહીં તો જમીન શ્રીસરકાર થશે. તેમણે આ જમીનના 7-12 અને 8-અના ઉતારામાં તેમની પત્ની અરૂણાબેન, પુત્ર આકાશ અને પુત્રી નેમશ્રીના નામ દાખલ કરી દીધા હતા.
આ ભૂતપૂર્વ RTO ઇન્સ્પેક્ટરે 1994માં જામનગર જિલ્લાના લૈયારા ગામમાં રૂ. 15000થી વધુની રકમમાં 3 એકરથી પણ વધુ જમીન ખરીદીને આ જમીન ખરીદીના કૌભાંડનો પ્રારંભ કર્યો હતો, તેના પછી તો તે પોતે જ સરકારી અધિકારી હોઈ તેમને પૂછનાર કોણ હતું. તે ન્યાયે તેમણે સૌરાષ્ટ્રમાં બધે જમીન ખરીદવા માંડી હતી .હવે આ કૌભાંડનો પર્દાફાશ પણ વર્ષો પછી થયો છે.
હવે જામનગરના ચોપડે પણ ખેડૂત તરીકે નોંધાયેલા અશોક ધ્રુવ સામે જામનગરનું વહીવટીતંત્ર પણ સક્રિય થયું છે. મામલતદારના અભિપ્રાય અને દરખાસ્ત પછી ધ્રોલ પ્રાંત અધિકારી પાસે આ આખો કેસ પહોચ્યો છે. પ્રાંત અધિકારીએ આ કેસમાં નોટિસ ફટકારીને કેસ દાખલ કર્યો છે. અશોક ધ્રુવ સામે આવા અનેક પ્રકારના કેસો થઈ શકે તેમ છે. આ ઉપરાંત આવક કરતાં અપ્રમાણસર સંપત્તિનો કેસ તો સૌથી પહેલા થઈ શકે તેમ છે.
તેથી હવે ભાનુમતી કા પીટારાની જેમ અશોક ધ્રુવના કૌભાંડોનો પીટારો ખૂલશે. તેમા ફક્ત એક ઇન્સ્પેક્ટરે 300 કરોડની સંપત્તિ કઈ રીતે ભેગી કરી તથા તેના પર ઇન્કમ ટેક્સ ન ચૂકવ્યો તે પણ સવાલ છે. આટલા સમયગાળા દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગ કેમ ઘોરતું રહ્યું તે પણ મોટો સવાલ છે. સામાન્ય વ્યક્તિ થોડી ઘણી પણ ઇન્કમ વધારે થાય કે ચૂક થાય તો નોટિસ ફટકારતું ઇન્કમ ટેક્સ વિભાગ આ વ્યક્તિ 300 કરોડ રૂપિયા કમાઈ ગયા ત્યા સુધી ઊંઘતું કેમ રહ્યુ, અહીં આવકવેરા વિભાગ પણ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. જો આવકવેરા વિભાગે ધ્યાન આપ્યું હોત તો આ વ્યક્તિ આટલું મોટુ કૌભાંડ આચરી શક્યો ન હોત. આમ સરકારી એજન્સીઓ અહીં બધી જ રીતે નિષ્ફળ ગઈ છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
