એક સમયે ફક્ત સિરામિક ટાઇલ્સના ઉત્પાદક તરીકે નામના ધરાવતું મોરબી હવે વિવિધ કૌભાંડોના લીધે પણ ગાજવા માંડ્યુ છે. મોરબીમાં જમીન કૌભાંડ, પછી અનાજ કૌભાંડ અને હવે સડેલા અનાજનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીની ફાયરબ્રિગેડને સંદેશો મળ્યો હતો કે યમુનાનગર ખાતે અનુસૂચિત જાતિના સ્મશાનગૃહમાં આગ લાગી છે, તેના પગલે ફાયરબ્રિગેડ ત્યાં પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને અંકુશમાં લીધી હતી. આ આગ ખુલ્લા મેદાનમાં લાગી હતી.
ફાયરબ્રિગેડે જોયું કે આ આગ તો ઘઉં, ચોખા, તુવેરની દાળ અને ચણાની સડેલી દાળના જથ્થામાં લાગી હતી. તેના પગલે તેણે પુરવઠા વિભાગને તેની જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેણે અનાજના આટલા મોટા જથ્થાને આગ લગાવવામાં આવી તેની તપાસ કરી હતી. કચરાના ઢગલાની અંદર સરકારી અનાજ ઠાલવી દેવામાં આવ્યું હોવાનું જાણમાં આવતા પુરવઠા વિભાગની ટુકડી પણ ચોંકી ગઈ હતી. તેના પગલે કચરાના ઢગલામાં આગ લાગી ન હતી, પરંતુ સરકારી અનાજનો જથ્થો બાળવાના પ્રયાસ રૂપે આ આગ લગાડવામાં આવી હતી તેવું પુરવઠા વિભાગનું માનવું છે.
આ અંગે સ્મશાનમાં સેવા આપતા દલિત સમાજના આગેવાને જણાવ્યું હતું કે અહીં સ્મશાનની જમીન સપાટ કરવા માટે આઠ દિવસથી ટ્રેક્ટરથી માટી નાખવામાં આવી રહી છે. તેના કારણે તાળુ લગાવવામાં આવતું નથી. રાતના સમયે કોઈ અજાણી વ્યક્તિ સરકારી અનાજનો જથ્થો નાખી ગયો હોઈ શકે છે.
સરકારી અનાજ મળવાની ઘટના પર પ્રકાશ પાડતા મોરબી પુરવઠા વિભાગના નાયબ મેનેજર દેવેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આગની ઘટના બની ત્યાંથી ઘઉં, ચોખા, તુવેરદાળ અને ચણાનો જથ્થો મળી આવ્યો હતો. તેમા તુવેરદાળ અને ચણાનો જથ્થો આઇસીડીએસ વિભાગનો 2018-19નો જથ્થો હોવાની વાત બહાર આવી છે.
પુરવઠા વિભાગની તપાસ પછી મોરબીના જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે બંને જગ્યાએથી મળી આવેલું સરકારી અનાજ હોવાનું જાણમાં આવ્યું છે. મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આ સડેલા અનાજ અંગે તંત્રને જાણ કરી હતી અને તેના સંદર્ભમાં યોગ્ય પગલાં લેવાનું જણાવ્યું હતું. તેની સાથે સડી ગયેલા અનાજનો યોગ્ય નિકાલ ન કરીને આ રીતે જાહેર સ્થળે ફેંકનારા સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેની પણ માંગ કરી હતી.
પુરવઠા વિભાગનું કહેવું છે કે આ સડી ગયેલું અનાજ વાસ્તવમાં 2019-20માં મોરબીમાં પૂર આવ્યું ત્યારે સડી ગયું હતું. સરકારે સડી ગયેલું અનાજ વેચવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. તેના પછી એક એજન્સીએ ખાતર બનાવવા માટે સરકાર પાસેથી આ સડી ગયેલા અનાજનો જથ્થો ખરીદ્યો હતો. પણ આ અનાજ ખરીદનાર પેઢીના માલિકનું 2020માં અવસાન થતાં આ જથ્થો ખાનગી ગોડાઉનમાં પડ્યો રહ્યો હતો, હવે આ પેઢીએ તે જથ્થાનો જાહેરમાં નિકાલ કર્યાનો પર્દાફાશ થયો છે.
જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે 2019-20માં આવેલા ભારે પૂરમાં પુરવઠા વિભાગનું 4,665 મણ અનાજ પલળી ગયું હતું. તેના પછી ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ સડી ગયેલું અનાજ સુરેન્દ્રનગરની વિનય એગ્રીકલ્ચર પેઢીને આપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર આદિલભાઈ રફીકભાઈના અવસાન પછી આ સડેલા અનાજનો જથ્થો મોરબીમાં જ પડ્યો રહ્યો હતો અને સતત બગડતો જતો હતો. હવે પાંચ વર્ષ પછી પેઢીના સંચાલકોએ સડેલા અનાજના જથ્થાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાલમાં તો સડેલું અનાજ ખરીદીને આ રીતે જાહેરમાં જનઆરોગ્યને નુકસાન થાય તે રીતે ફેંકવા બદલ પેઢીના સંચાલકોને પુરવઠા વિભાગે નોટિસ પણ ફટકારી છે. તેની સાથે પુરવઠા વિભાગે આ જથ્થાનો યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. પુરવઠા વિભાગનું કહેવું છે કે સડી ગયેલા અનાજને લઈને એજન્સીને નોટિસ આપવામાં આવ્યા પછી તેનો જવાબ આવ્યા બાદ તેના અનુસંધાનમાં તેની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સડી ગયેલા અનાજનો જાહેરમાં નિકાલ કરીને જાહેર આરોગ્ય સામે ગંભીર જોખમ પેદા કરવું બહુ મોટો ગુનો છે. પુરવઠા વિભાગે આ અંગે ગંભીર કાર્યવાહી કરવી જરૂરી છે. જો આવું કરનારી પેઢીઓ કે કંપનીઓ સામે પુરવઠા વિભાગ કાર્યવાહી નહીં કરે તો આ રીતે જાહેરમાં ઝેરી કેમિકલ કચરો ઠલવાવવાથી લઈને અનેક પ્રકારના કચરાનો ગંજ ખડકાવવા માંડશે. હજારો મણ સડેલું અનાજ આ રીતે જાહેરમાં ફેંકી દેવાય અને તંત્ર રીતસર ઘોરતું રહે તે ક્યાંનો ન્યાય છે.
હવે જ્યારે તંત્રને તપાસ પછી ખબર પડી કે આ પેઢીએ આ પ્રકારનું પગલું ભર્યું છે તે લોકોના આરોગ્યને જોખમાવનારી પેઢી સામે કોજદારી રુએ પણ કાર્યવાહી કરવી જરૂરી છે. પ્રજાના આરોગ્યની જાળવણીને નુકસાન પહોંચાડનાર કોઈપણ પ્રકારની બાબતને ચલાવી ન લેવાય. તેને લઈને તો તંત્રએ આકરાં પગલાં ભરવા જ રહ્યા. તંત્રએ અહીં પણ પારોઠના પગલાં ભર્યા તો સીએમ ભુપેન્દ્ર પટેલે 2047 સુધીમાં ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય 84 વર્ષનું થાય તેવું લક્ષ્યાંક રાખ્યું છે તે પૂરુ થઈને રહ્યુ. જાહેર સ્વચ્છતા તે પ્રજાનો અધિકાર પણ છે અને તે તેમને મળવો જોઈએ. તેની સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરી શકાય.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
