જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કમાં કૌભાંડીઓએ જબરદસ્ત સહકાર કરતાં ખેડૂતોએ રાતાપાણીએ રોવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિસાવદર અને ભેસાણ પંથકમાં ખેડૂતોના નામે બેન્કોમાંથી કૌભાંડીઓ કરોડો રૂપિયા ઉસેટી ગયા છે. પણ હવે ભોગવવાનું આવ્યું છે ખેડૂતોએ. આ ખેડૂતોને લોનના હપ્તા માટે નોટિસો ફટકારવામાં આવે છે, જો તેઓ લોનની રકમ નહીં ચૂકવે તો તેમના પશુધન, તેમની ખેતીની જમીન અને મકાનની લીલામી કરવાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે.
આને લઈને જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કમાં ખેડૂતોએ ભેગા થઈને બેન્કના સીઇઓને એક આવેદન આપીને ખેડૂતોને આ કૌભાંડના કારણે થઈ રહેલા અન્યાયને લઈને રજૂઆત કરી હતી. તેઓએ વિસાવદર અને ભેંસાણ વિસ્તારના ખેડૂત સભાસદો સાથે થયેલી છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી હતી.
બેન્કમાં રજૂઆત કરવામાં આવેલા ખેડૂત હરસુખ સિંગાડાએ જણાવ્યું હતું કે મારા પોતાના ખેડૂત તરીકેના ખાતામાંથી ખોટી સહીઓ કરીને ચાર લાખ રૂપિયાથી વધારે રકમ ઉપાડવામાં આવી છે. આવી છેતરપિંડી 200થી વધુ ખેડૂતો સાથે કરવામાં આવી છે.
આ કૌભાંડનો ભોગ બનેલા અન્ય એક ખેડૂત ખુશાલ સાવલિયાએ જણાવ્યું હતું કે મારા ખાતામાંથી રીતસરના છ લાખ રૂપિયા ઉપડી ગયા છે. તેની મને ખબર પણ નથી. મારી કે મારા પિતાની કોઈની પણ સહી વગર રૂપિયા ઉપડી ગયા છે. બેન્કે આટલા રૂપિયા ઉપડ્યા તો એક વર્ષ સુધી અમને જાણ પણ કરી ન હતી અને હવે તે અમને નોટિસો આપે છે.
બેન્કમાં રજૂઆત કરવા આવેલા અન્ય ખેડૂત નિલેશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે મારે તો મારા 7-12ના ઉતારા પર એક્સિસ બેન્કમાં છેક 2019થી બોજો છે, તો પછી આ કોઓપરેટિવ બેન્કમાં બીજો બોજો ક્યાંથી આવ્યો. આ બેન્કમાં તો મારું ખાતું પણ નથી તો પછી મારા નામે રૂપિયા કેવી રીતે ઉપડી ગયા. અમારા ગામની મંડળીના પ્રમુખ અને મંત્રીએ બેન્કના મેનેજર સાથે મળીને છ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.
ખેડૂત આગેવાન સંજયભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે મંડળીના પ્રમુખ, મંત્રી અને વ્યવસ્થાપકોએ ભેગા મળીને કૌભાંડ કર્યુ છે. તેઓએ મરી ગયેલા ખેડૂતોના નામે પણ પણ 7-12માં બોજો ખડકી દીધો છે. આ ઉપરાંત સિવાય કેટલાય ખેડૂતોના ખાતામાં તો 16-16 લાખનો બોજો બોલે છે. એક ખેડૂતને તો બેન્કે 49 લાખ રૂપિયાની નોટિસ ફટકારી. હવે બેન્કને આટલા રૂપિયા આપતી વખતે ખબર ન પડી કે આ રૂપિયા તે આપી રહી છે તે કોને આપી રહી છે અને તે ભરશે કઈ રીતે. બેન્કે પોતે જ આ રૂપિયા આપતી વખતે કેવાયસીના નિયમોનો ભંગ કર્યો છે. હવે ખેડૂતની તો તાકાત જ નથી કે તે રૂપિયા ભરે. તેણે ઝેર પીવાનો દહાડો આવે કે જમીન વેચવાની આવે તેવી વાત છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂત સભાસદોના નામનો ઉપયોગ કરીને ખોટી રીતે ધિરાણ મેળવવાનું આવ્યું છે. ખેડૂતોના નામે મંત્રી અને પ્રમુખ બોગસ કાગળોના આધારે ધિરાણ મેળવવામાં આવ્યું હતું. આને લઈને અમુક લોકો પર એફઆઇઆર પણ થઈ હતી, પરંતુ અહીં ફક્ત દેખાડા પૂરતાં જ પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કે આ કૌભાંડનો પર્દાફાશ થવા છતાં પણ દોષિતો સામે કોઈ નક્કર પગલાં ભર્યા નથી. તેના કારણે નિર્દોષ ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ બની છે. આમ દોષિતો કૌભાંડ કરીને છૂટા ફરે છે, જ્યારે નિર્દોષ ખેડૂતો બેન્કની કાર્યવાહીનો ભોગ બને છે. ખેડૂતોને થતો આ અન્યાય ક્યાં સુધી ચાલશે.
ખેડૂતોએ રજૂઆત કરી હતી કે હવે બેન્કને પણ કૌભાંડની અને દોષિતોની ખબર પડી ગઈ છે ત્યારે ખેડૂતોને ધિરાણની વસૂલાતની નોટિસ શું કામ પાઠવવામાં આવે છે તે મોટો સવાલ છે. આમ બેન્કો ખેડૂતો પાસેથી ધિરાણની રકમ વસૂલાત કરવાની અયોગ્ય નોટિસો પાઠવવાનું બંધ કરે. આ કૌભાંડ થયું તેમા ખેડૂતોનો કોઈ દોષ નથી. આ કૌભાંડ મંત્રી અને બેન્કના કર્મચારીની મિલીભગતથી થયું છે. પણ ભોગ ખેડૂતો બન્યા છે. બેન્કે તેના માટે ખેડૂતોને દોષિત ઠેરવીને તેમને ધિરાણ આપવાનું બંધ કરી દીધું છે.
આને કહેવાય પાડાને વાંખે પખાલીને ડામ. કૌભાંડીઓ કરોડો ઉસેટી ગયા તેની સામે કાર્યવાહી કરવાની પણ તસ્દી પણ બેન્ક લેતી નથી, પણ જે ખેડૂતોનો કોઈ વાંક જ નથી તેને બેન્ક ધિરાણ પણ આપતી નથી. શું બેન્ક તેના ખાતેદારો અને ગ્રાહકો સાથે આ જ રીતે વર્તે છે. પગલાં કૌભાંડીઓ સામે લેવાના હોય, તેના બદલે પગલાં ખેડૂતો સામે લેવાઈ રહ્યા છે. તેથી ખેડૂત આગેવાનોના સમૂહે જણાવ્યું હતું કે ભોગ બનેલા ખેડૂતોને નો ડ્યુ પ્રમાણપત્ર આપીને બોજામુક્ત કરવામાં આવે. પીડિત ખેડૂતોને બને તેટલા વહેલા ધિરાણ આપવાનું ચાલુ કરવામાં આવે. મંડળીએ ખેડૂતની શાખ કરતાં વધારે ધિરાણ મેળવી લઈને ખેડૂતના ખાત્માં બોજા પડાવીને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી છે. બેન્કે આ છેતરપિંડી કરનારા સામે કાર્યવાહી કરવી જોઈએ.
છેલ્લા પાંચ વર્ષ કરતાં પણ વધુ સમયથી વિસાવદર અને ભેંસાણના ખેડૂત સભાસદો ધરાવતી જુદી-જુદી સહકારી મંડળી દ્વારા ખેડૂત સભાસદોના નામે ખોટી રીતે ધિરાણ મેળવવાનુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ માટે જુદી-જુદી મંડળીઓના મંત્રીઓ, કમિટીઓ અને તાલુકા બેન્ક મેનેજર સહિતના કૌભાંડીઓ પર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારની આ નવી પદ્ધતિએ ખેડૂતોને પણ સ્તબ્ધ કરી દીધા છે. તેમને હવે થાય છે કે પોતાની જ મંડળીના મંત્રીઓ આ પ્રકારે કૌભાંડ કરે તો વિશ્વાસ કોના પર કરવો.
આશ્ચર્યની વાત તો એ છે કે જે બેન્કના રૂપિયા ગયા તે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કે પણ કોઈ અજાણ્યા કારણોસર કે કોઈ દબાણ હેઠળ આ દોષિતો સામે કોઈ નક્કર કે મજબૂત કાર્યવાહી કરી નથી. તેના કારણે કોઈપણ ગુનો કર્યો ન હોવા છતાં નિર્દોષ ખેડૂતોએ આજે પણ શોષાવવાનું આવ્યું છે. આ બધા કૌભાંડીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
તેથી ખેડૂતોએ માંગ કરી હતી કે જે-જે ખેડૂતોના નામે મંત્રી કે પ્રમુખે બોગસ કાગળોના આધારે ધિરાણ મેળવ્યું છે તેને ધિરાણની રકમ વસૂલવા માટેની ખોટી નોટીસ આપીને બેન્ક જે ઉઘરાણા કરે છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે. તેની સાથે કૌભાંડનો ભોગ બનનારા ખેડૂતોને બેન્કે ધિરાણ આપવાનું બંધ કર્યુ છે તે ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત દરેક ખેડૂતનો ન ડ્યુ પ્રમાણપત્ર આપીને બોજામુક્ત કરવામાં આવે. આમ આ બધી માંગ પૂરી કરીને પીડિત ખેડૂતોને થયેલા અન્યાયને દૂર કરવામાં આવે. જો દોષિતોને સજા થતી ન હોય તો કમસેકમ નિર્દોષને દંડ કરવાનું તો બંધ કરી શકાય છે.
ખેડૂતોનું કહેવું છે કે બેન્કોએ વસૂલાત કરવી હોય તો જે મંત્રી અને પ્રમુખે કૌભાંડ આચર્યુ છે તેમની પાસેથી વસૂલાત કરે. તેઓને નોટિસો ફટકારે. હવે તેની સાથે કોઈ નિસ્બત નથી તેવાને કેમ હેરાન કરવામાં આવે છે. આ તો જાણે ખેડૂત હોવું ગુનો છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
