આણંદના સહકારી ક્ષેત્રમાંથી ક્ષત્રિયોનો એકડો કાઢવાનો પ્રયત્ન સફળ નહીં થવા દઉં તેવો હુંકાર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે કર્યો છે. તેમનો આક્ષેપ છે કે સહકારી ક્ષેત્રના રાજકારણમાંથી ક્ષત્રિયોનો એકડો કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
કેસરીસિંહનો દાવો છે કે છેલ્લા દસ વર્ષથી આણંદના પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે અને હજી પણ તે ચાલુ છે. સહકારી ક્ષેત્રમાં ચાલતા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર, જમીન કૌભાંડ અને અન્ય કૌભાંડોને લઈને કેટલાય આવેદનો આપવામાં આવ્યા છતાં સહકારી ક્ષેત્રની દૂધે ધોયેલી ટોળકી સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
હવે આટલું ઓછું હોય તેમ ક્ષત્રિય સમાજ સામે ખાર રાખીને આ દૂધે ધોયેલી ટોળકી સહકારી ક્ષેત્રના રાજકારણમાંથી ક્ષત્રિયોનો એકડો જ કાઢવા પ્રયત્નશીલ છે. પણ આ કેસરીસિંહ બેઠો છે ત્યાં સુધી આ પ્રયત્નો સફળ નહીં થાય. ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ જ નીકળી જાય એટલા માટે આ દૂધે ધોયેલી ટોળકીએ અનોખી રમત આદરી છે. આ માટે તેઓએ ક્ષત્રિયોનું પ્રતિનિધિત્વ નીકળી જાય તેના માટે ક્ષત્રિય સમાજના ચેરમેનવાળી 11 મંડળીઓને ‘અ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં મૂકી દેવામાં આવી છે. આનો સીધો અર્થ એવો કરી શકાય કે તેઓ ફક્ત મતદાન કરી શકશે, પરંતુ ચૂંટણી નહીં લડી શકે. હવે ક્ષત્રિય સમાજ આવો અન્યાય ક્યાંથી સહન કરી શકશે, ક્ષત્રિય સમાજને થતાં આ અન્યાય સામે કેસરીસિંહ ઢાલ બનીને ઊભો છે એમ તેમણે જણાવ્યું હતું.
આણંદમાં ક્ષત્રિય આગેવાનોવાળી 11 મંડળીને ‘ક’ વર્ગમાં મૂકવામાં આવી તેની સામે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. હવે ચૂંટણી જાહેર થવાના પગલે આ મેટર બોર્ડ પર લેવામાં આવતા તેની સુનાવણી મંગળવારે થવાની છે. આ સંજોગોમાં કોર્ટના ચુકાદા પર પણ સહકારી ક્ષેત્રના આગેવાનોની નજર રહે તેમ માનવામાં આવે છે.
કેસરીસિંહે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના ઉમેદવારોથી લઈને તેમના આગેવાનોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેસરીસિંહ તેમની સામે ઊભો છે. આના માટે હું ગામેગામ જઈશ, પશુપાલકોને વ્યક્તિગત રીતે મળીશ. સમાજના આગેવાનોને મળીશ. દરેકને સમજાવીશ કે તેઓ આ દૂધે ધોયેલી ટોળકીની કોઈપણ પ્રકારની ધમકીને વશ ન થાય.
તેમણે જણાવ્યું હતું કે જો તમે મજબૂત રહ્યા તો કોઈ તમારું કશું બગાડી નહીં શકે. તમારે ફક્ત તમારું જ નહીં તમારા બાળકોનું વિચારવું છે, આ મતદાન ફક્ત તમારી સાથે તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. તમારો એક મત હાલમાં ચાલતા શોષણનો અંત લાવવાનું નક્કી કરશે. તમારી પાસે આજે સમય છે કે તમે આ દૂધે ધોયેલી ટોળકીના દરેક પ્રકારના અન્યાય અને શોષણનો જવાબ તમારા મતથી આપો. તમે ધ્યાન રાખો કે સહકારી ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજનો એકડો ન નીકળી જાય. જો આમ થયું તો વર્તમાન મતોના રાજકારણમાં ક્ષત્રિય સમાજ શક્તિવિહીન થઈ જશે અને તેની કિંમત તમારી પેઢી ચૂકવશે. સંસાધનવિહીન સમાજ પોતાના માટે કશું ન કરી શકે.
આપણો કોઈની સાથે સંઘર્ષ નથી, પણ તેનો અર્થ એવો ન કરી શકાય કે આપણું પ્રતિનિધિત્વ જ ખતમ કરી નાખવામાં આવે તો પણ આપણે ચૂપ બેસી રહીએ. આણંદની કર્મઠ ભૂમિ પર ક્ષત્રિય સમાજે પણ તળિયાથી લઈને ટોચ સુધી મહેનત કરી છે. દરેક આગેવાનોએ બહુમૂલ્ય ફાળો આપ્યો છે, આ ડેરીના વિકાસમાં પોતાનો જીવ રેડ્યો છે. તેથી આપણે દ્રઢ નિર્ધાર કરીએ કે આપણા આગેવાનોની અને આપણા વડવાઓની મહેનત પર ફક્ત આ દૂધે ધોયેલી ટોળકીના કારણે પાણી ફરી ન વળે. પહેલાનો સમય હતો જ્યારે તલવારો અસ્તિત્વ નક્કી કરતી હતી, જ્યારે આજના સમયમાં આપણો મત આપણું રાજકીયથી લઈને સામાજિક સુધી બધા જ પ્રકારનું અસ્તિત્વ નક્કી કરે છે.
આમ માતરમાં ભાજપના જ ભૂતપૂર્વ ધારાસભ્ય અને વિશ્વાસ પેનલના કન્વીનર કેસરીસિંહના આક્ષેપોને લઈને અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે પ્રસારમાધ્યમોને જવાબ આપવો ન પડે તે માટે ફોન વોઇસ મેસેજ પર મૂકી દીધા છે. ભાજપનું મોવડીમંડળ પણ કેસરીસિંહના આક્ષેપોને લઈને ચૂપ છે. જ્યારે કેસરીસિંહ જેના કન્વીનર છે તે વિશ્વાસ પેનલના 11 ઉમેદવારો ગમે ત્યારે જાહેર થાય તેમ માનવામાં આવે છે.
ટૂંકમાં આગામી દિવસોમાં ક્ષત્રિયોને દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે અન્યાયનું રાજકારણ વેગ પકડશે તો આશ્ચર્ય નહીં થાય. આ ઉપરાંત કેટલાક રાજકીય વિશ્લેષકો તેમ જણાવી રહ્યા છે કે સહકારી ક્ષેત્રને હાથો બનાવીને કોઈને કોઈ રીતે ક્ષત્રિય આંદોલન પુર્નજીવિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વખતે આ પ્રકારનું બીડું પક્ષની અંદર જ હાંસિયે ધકેલાઈ ગયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે ઝડપ્યું છે, જેથી તેઓ તેમની ગુમાવેલી રાજકીય જમીન અને પ્રભુત્વ પરત મેળવી શકે. અગાઉ પરસોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતરી પડ્યો હતો, જ્યારે અહીં તો તેમનું પ્રતિનિધિત્વ જ કાઢી નાખવાની વાત છે ત્યારે તે ચૂપ બેસી રહે તે વાતમાં પણ કોઈ માલ નથી. આમ આણંદમાં સહકારી ક્ષેત્રની ચૂંટણી શાસક પક્ષ માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.
બીજી બાજુએ આ ઘટના બતાવે છે કે આણંદમાં અમૂલની અંદર સહકારી ક્ષેત્રના રાજકારણે બરોબરની ગરમી પકડી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મહેસાણાની દૂધસાગર ડેરી, બનાસકાંઠામાં સાબર ડેરી, વડોદરામાં બરોડા ડેરી, દક્ષિણ ગુજરાતમાં સુમુલ ડેરી અને ગીરસોમનાથ જિલ્લામાં સાવજ ડેરીનું ગરમાગરમ રાજકારણ સપાટી પર આવ્યા બાદ હવે સહકારી ક્ષેત્રના રાજકારણમાં વધુ એક ધડબડાટી બહાર આવી છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર

