સત્ય સૂર્ય જેવું છે, ભલે તેની આગળ અંધકારના કેટલાય વાદળો છવાય, પરંતુ તે છેવટે પ્રકાશિત થઈને જ રહે છે. મોરબીની સરવે નંબર 602ની જમીનના ચકચારી કૌભાંડના કેસમાં આ વાત બરોબરની લાગુ પડે છે. મોરબીમાં વજેપર ગામમાં સરવે નંબર 602ની જમીનમાં મરણના ખોટા દાખલા, ખોટા દસ્તાવેજી પુરાવા, વારસાઇનું ખોટું વૃક્ષ ઊભા કરીને આખી જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હતો, તે કારસાની જમીનના મૂળ માલિકને જાણ થઈ જતાં હવે ઊંધો પડી ગયો છે.
વૃદ્ધ જમીન માલિક ભીમજીભાઈ બેચરભાઈ નકુમે ખોટી વારસાઈ સામે કલેક્ટર સમક્ષ દાદ માગતી કરેલી ફરિયાદમાં જિલ્લા કલેક્ટરે તેમની તરફેણમાં હુકમ કરતાં કૌભાંડીઓના પગ તળેથી જમીન નીકળી ગઈ છે. જમીનના મૂળ માલિક ભીમજીભાઈ બેચરભાઈ નકુમે તેમની જમીનની ખોટી વારસાઈ એન્ટ્રી રદ કરવા કલેક્ટરમાં અપીલ કરી હતી, કૌભાંડીઓને એમ જ હતું કે મૂળ માલિકને ક્યાં કશી ખબર છે, કદાચ તેને ખબર પડે તો પણ એક વૃદ્ધ શું કરી લેશે એમ તેઓ માનતા હતા. પણ કૌભાંડીઓના બધા જ કારસા ઊંધા પડ્યા છે.

આના લીધે મોરબીમાં આવેલી શિયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમે 15 માર્ચના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર, તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે જમીન કૌભાંડની પોલીસ ફરિયાદ પણ કરી હતી. હવે કલેક્ટરે જ ખોટી રીતે નામ કરનારાઓની અરજી કાઢી નાખતા આ કૌભાંડીઓ સામે હવે કાયદાકીય કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો થયો છે. કાયદાકીય કાર્યવાહીની વાત આવતા જ કૌભાંડીઓના ગાત્રો ઢીલા થઈ ગયા છે. તેમને ડર લાગવા માંડ્યો છે કે હવે પોલીસ ગમે ત્યારે તેમના બારણા ખખડાવશે.
આ જમીન કૌભાંડના કેસની તપાસ હાલમાં મોરબીના DYSP પી.એ. ઝાલા કરી રહ્યા છે. તેઓ હાલમાં જમીન કૌભાંડના આરોપીઓ સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે કલેક્ટર કચેરીએ જ કૌભાંડીઓના બધા ખોટા પુરાવા ફગાવી દેતા કૌભાંડીઓની સ્થિતિ હવે કોઠીમાં મોઢું ક્યાં ઘાલીને રોવું તેવી થઈ છે. જમીન તો ન મળી, પણ હવે પોલીસ કાર્યવાહી થવાથી ઇજ્જત પણ થશે તે ડરથી તે ફફડી રહ્યા છે.
આ ઉપરાંત ગામનો સરપંચ પોતે જ આ કૌભાંડમાં સંડોવાયેલો હોવાથી એક સમયે તેને બચાવવા માટે ઘણા મોટા માથાઓ દોડધામ કરતા હતા. તેઓએ કેસ નબળો પાડવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેમાની એકપણ કારી ન ફાવતા હવે તે રીતસરનો આ બનાવ સાથે તેમનો છેડો જ ફાડવા માંડ્યા છે, તેઓ જાણે આ કેસ સાથે સાથે તેમનો કોઈ કશો સંબંધ ન હોય તે રીતની વાત કરવા માંડ્યા છે. એક સમય હતો કે સ્થાનિક રાજકારણીઓએ સરપંચને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ મજબૂત પુરાવાની સામે ખોટા પુરાવા ચાલી શક્યા ન હતા.
કલેક્ટર કચેરી ખોટા પુરાવાને લઈને ટસની મસ ન થતા જમીનના આ કૌભાંડીઓને હવે ધોળા દિવસે તારા દેખાવવા લાગ્યા છે. અગાઉ કલેક્ટર સમક્ષ ન્યાય માટે પીડિત કુટુંબના લોકોએ રજૂઆત કરી હતી. તેની સાથે પીડિત વૃદ્ધે 17ના નામ સાથેનું નિવેદન પોલીસને આપ્યું છે. આ સમયે આ વૃદ્ધના કુટુંબ પર ખૂબ જ દબાણ લાવવામાં આવ્યું હતું. તેમને દરેક પ્રકારની ધાકધમકી અને લોભલાલચ આપવામાં આવી હતી, જેથી તે તેમની અરજી પરત ખેંચે, પરંતુ જમીનના મૂળ માલિક વૃદ્ધ ટસના મસ થયા ન હતા.
આ કેસમાં વૃદ્ધને સમર્થન આપનારા સ્થાનિક ધારાસભ્ય પર પણ જાતજાતના દબાણ આવ્યા હતા. તેમને પણ આ કેસમાંથી હટી જવા ધમકીઓ અપાઈ હતી. જો કે વૃદ્ધની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર મહિલા કે તેની પાસેથી ગેરકાયદેસર રીતે કબ્જો લેનાર કલેક્ટર પાસે ચાલતી સુનાવણી દરમિયાન ક્યારેય હાજર રહેતા ન હતા. તે જોઈને કલેક્ટરને પણ લાગ્યું કે ફરિયાદીની વાતમાં વજૂદ છે, તેથી કલેક્ટર કે.બી. ઝવેરી અગાઉ પ્રાંત અધિકારી સુશીલ પરમારે કૌભાંડીઓએ આપેલા પુરાવાના આધારે જે આદેશ આપ્યો હતો તેને રદ કર્યો હતો.
કલેક્ટરે તેની સાથે શાંતાબેનને લગતા બધા જ વ્યવહાર ગેરકાયદે ઠેરવતા વૃદ્ધ જમીન માલિકને તેની જમીનનો કબ્જો પરત મળ્યો હતો. આમ વૃદ્ધ જમીન માલિકને છેવટે ન્યાય મળ્યો હતો. આગામી દિવસમાં જમીનનું કૌભાંડ કરનારા સામે છેતરપિંડીનો કેસ ચાલશે તે નિશ્ચિત મનાય છે. આમ જમીન ઉચાપતનો આ કેસ હવે ફોજદારી કેસ બની ગયો છે. જ્યારે ટોચના પોલીસ અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે તે સમયે કૌભાંડીઓ સામેનો ગાળિયો બરોબર ભરાશે તેમ મનાય છે. તેથી જ કૌભાંડીઓને સમર્થન આપનારાઓએ તે ગાળિયો પોતાના ગળામાં ન આવે તે માટે બચવા અત્યારથી જ તેનાથી હાથ ખંખેરવા માંડ્યા છે.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
