MANTAVYA Vishesh/ સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હીમાં, પરસોત્તમ સોલંકીને ત્યાં શાહ

ચોમાસામાં ઠંડા પડી ગયેલા ગુજરાતના રાજકારણે હવે બરોબરની ગરમી છે. કેન્દ્રીય પ્રધાન સી આર પાટિલ મંત્રીમંડળના વિસ્તરણનો મમરો શું મૂકીને ગયા કે રાજ્યના રાજકારણમાં ભરચોમાસે સળવળાટ થઈ ગયો છે. ભાજપના કાર્યકરથી લઈને મંત્રીઓ સુધી બધાના કાન સરવા થઈ ગયા છે.

Mantavya Vishesh

ચોમાસામાં ઠંડા પડી ગયેલા ગુજરાતના રાજકારણે હવે બરોબરની ગરમી છે. કેન્દ્રીય પ્રધાન સી આર પાટિલ મંત્રીમંડળના વિસ્તરણનો મમરો શું મૂકીને ગયા કે રાજ્યના રાજકારણમાં ભરચોમાસે સળવળાટ થઈ ગયો છે. ભાજપના કાર્યકરથી લઈને મંત્રીઓ સુધી બધાના કાન સરવા થઈ ગયા છે. તેમા પણ પીએમ મોદીની ગુજરાતની મુલાકાત અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અમદાવાદની મુલાકાતને જાણે સેન્સ લેવાની પ્રક્રિયા તરીકે જોવામાં આવી રહી છે.  તેમા પણ સીએમ ભુપેન્દ્ર ભાઈ પટેલની દિલ્હીની મુલાકાતે તો આ અટકળોને રીતસરનો વેગ આપ્યો છે. આમ ગંજીફાનુ પત્તુ ચીપાશે તો કોણ રાજા બનશે, કોણ ગુલામ બનશે તેની અટકળો અત્યારથી જ સેવાવા માંડી છે.

પરિસ્થિતિને જ જાણે સમજી ચૂક્યા હોય તેમ સાંસદ નીમુબેન બાંભણીયાએ પણ ભાઈ પરસોત્તમ સોલંકી સાથે મતભેદો ભૂલાવી ભાઈબહેનનો સ્નેહમિલન કાર્યક્રમ પણ ગણપતિ બાપાના ઉત્સવ દરમિયાન યોજી દીધો હતો. બંને જણા સમજી ચૂક્યા છે કે હવે મંત્રીમંડળનો ગંજીફો ચીપાવવાનો છે ત્યારે આ રીતે અલગ-અલગ રાહ પકડવામાં આવશે તો નુકસાન બંનેને જશે. તેથી બહેન ભાઈ બંને મતભેદો ભૂલાવીને એક થઈ ગયા છે. નહીંતર હમણા સુધી પરસોત્તમ સોલંકી કહેતા હતા કે બહેનને મારાથી શું નારાજગી છે તેની મને ખબર નથી, તે મને મળે તો ખબર પડે. છેવટે નીમેબુન પરસોત્તમ સોલંકીને મળ્યા હતા અને મનામણા કર્યા હતા. તેમણે ગણપતિબાપાની આરતી ઉતારી હતી અને ભાઈને ગણપતિબાબાની ભેટ અને શુભકામના પણ આપી હતી.

જો કે સૌથી મોટી વાત તો પરસોત્તમ સોલંકી મુંબઈના મોગરવાડામાં ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. તેઓ છેલ્લા 54 વર્ષથી આ આયોજન કરે છે, પરંતુ ગૃહપ્રધાન અમિત શાહ પહેલી જ વખત તેમને ત્યાં સપરિવાર દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમની સાથે સીએમ દેવેન્દ્ર ફડનવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અજીત પવાર પણ હતા. આ બાબતને બહુ મોટી ઘટના તરીકે જોવામાં આવે છે. સામાન્ય રીતે અમિત શાહ એકલા જ દરેક ધારાસભ્યની ખબર લેતા હોય છે અને સેન્સ મેળવતા હોય છે, પરંતુ આ રીતે તેઓ કોઈને ત્યાં સપરિવાર જાય તેવું બહું ઓછું બને છે. આમ આ ઘટનાને નવા જ પરિદ્રશ્યમાં જોવામાં આવી રહી છે.

મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને ધ્યાનમાં રાખીને પક્ષની અંદરનું દરેક જૂથ જબરદસ્ત લોબીઇંગ કરી રહ્યું છે. પરસોત્તમ સોલંકી પણ આના પગલે તેમના પુત્ર દિવ્યેશ સોલંકીને પ્રમોટ કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે તેમનો પુત્ર પક્ષ અને સરકાર બંનેમાં મોટું સ્થાન મેળવે. તેથી તેઓ પણ તેમના પુત્રને પ્રમોટ કરી રહ્યા છે. હાલમાં તેમના ભાઈ હીરા સોલંકી રાજુલાના ધારાસભ્ય છે અને પરસોત્તમ સોલંકી સરકારમાં મંત્રી છે. હવે અમિત શાહ હીરા સોલંકી સાથે સહપરિવાર આવ્યા તે જ બતાવે છે કે હજી પણ રાજકારણમાં સોલંકી કુટુંબનો કેવો દબદબો છે. ગુજરાતના રાજકારણમાં સોલંકી પરિવારને કોળી મતબેન્કની ચાવી માનવામાં આવે છે. તેઓ પણ જાણે છે કે જ્યાં સુધી તેમની પાસે આ ચાવી છે ત્યાં સુધી જ તેમની બોલબાલા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની વિધાનસભામાં 33 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને તેની ચાવી પરસોત્તમ સોલંકી પાસે છે. તેમના ભાઈ હીરા સોલંકી પણ ભાજપમાં છે. હવે પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેમનો પુત્ર દિવ્યેશ સોલંકીના હાથમાં કોળી સમાજની બાગડોર આવે તો આશ્ચર્ય નહીં થાય. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમના પુત્ર દિવ્યેશ સોલંકીને ટિકિટ મળવાની વાતો ઉડી હતી, પરંતુ પરસોત્તમભાઈએ જ તેનો ઇન્કાર કર્યો હતો. તે વખતે તેમના પુત્રએ પિતાની સાથે ખભેખભા મિલાવીને ઉતરીને રાજકારણમાં ઉતરવાના સંકેત આપી તો દીધા છે. આ ઉપરાંત દિવ્યેશ સોલંકી મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકલા હાથે પ્રચાર કરવા ઉતર્યા હતા તે બતાવે છે કે તેઓ પરસોત્તમ સોલંકીનો વારસો આગળ વધારવા તત્પર છે.

આમ સોલંકી બંધુના આંગણે રાજકિય દિગ્ગજો ની મુલાકાતથી અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાત મંત્રીમંડળનો ગંજીફો ચીપાવવાનો હોય ત્યારે ચીપાય પણ અમરેલીના રાજકારણમાં તો ચોક્કસપણે ગરમાટો વ્યાપી જ જવાનો.

હવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે વર્તમાન મંત્રીઓમાં પણ ચોક્કસ સોંપો પડી ગયો હશે કે ક્યાંક અમારા પત્તા તો નહીં કપાયને, ક્યાંક અમારા ખાતા તો નહીં બદલાયને.  તેથી હાલમાં જે મંત્રીઓ છે તેમણે પણ રીતસરનું તેમનું મંત્રીપદ બચાવવા માટે એડીચોટીનું જોર લગાવવા માંડ્યું છે. આ બધા મંત્રીઓ પણ વિચારમાં પડ્યા હશે કે આગામી દિવસોમાં શું થશે.

આમ રાજ્યના કેબિનેટ પ્રધાનોએ તેમનું પ્રધાનપદ બચાવવા તો ધારાસભ્યોએ પ્રધાનપદ મેળવવા દોડધામ આદરી દીધી છે. જો કે અંતિમ નિર્ણય તો પક્ષ જ કરવાનું છે, પરંતુ દરેક જણ જાણે છે કે લોબીઇંગ વગર ચાલતું નથી. દરેક જણ મંત્રીપદ માટે દાવો કરવા આતુર છે.

પાટીલ સાહેબના સંકેત પછી પક્ષના દરેક ધારાસભ્ય મંત્રીમંડળનો ગંજીફો ચીપાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કહેવાય છે કે ચાતક પક્ષી જે રીતે પાણીની રાહ જોતું હોય છે તે જ રીતે બધા ધારાસભ્યો તેની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં અમિત શાહ વધુને વધુ પ્રમાણમાં ગુજરાતનો પ્રવાસ ખેડે તો આશ્ચર્ય નહીં થાય. ભાજપના કાર્યકરોની ભાષામાં કેન્દ્રીય નેતાના આ પ્રકારના પ્રવાસને સેન્સ મેળવવાની પ્રક્રિયા કહે છે.

રાજ્યમાં જ્યારે પણ આ પ્રકારે ગંજીભો ચીપાય છે ત્યારે કંઇકને કંઇક નવું જ પત્તુ મોવડીમંડળ ઉતરતું જોવા મળ્યું છે. તેથી આ વખતે પણ ગંજીફો ચીપાશે ત્યારે કેવા પ્રકારનું નવું પત્તુ મોવડીમંડળ ઉતરશે તેના પર બધાની નજર છે. આ વખતે ગણપતિ પૂજા કયા ધારાસભ્યને કેટલી ફળશે તેની ખબર હવે આ વખતે ગંજીફો ચીપાય તેના પરથી જ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર