Surat News/ સુરતમાં વારંવાર ભડકે છે આગ… ક્યાં છે ખામી, કોણ છે જવાબદાર?

Surat Fire Incident: સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી ભયાનક આગની ઘટનાઓ બાદ મોટો સવાલ—આગ વારંવાર કેમ લાગે છે? તક્ષશિલાથી ટેક્સટાઇલ માર્કેટ સુધીની ઘટનાઓ, ફાયર સેફ્ટીની ખામીઓ અને સુરતની આગ સામેની તૈયારીનું વિશ્લેષણ.

Gujarat Surat Mantavya Vishesh
Surat Fire Incident: સુરતમાં આગ કેમ? તક્ષશિલાથી ટેક્સટાઇલ માર્કેટ સુધીનું વિશ્લેષણ

Surat News: સુરત… સપનાઓનું શહેર, વેપારનું શહેર અને દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ પૈકીનું એક શહેર. પરંતુ આ જ સુરત છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર ભડકતી આગની (Surat Fire Incident) જ્વાળાઓથી ધ્રૂજી પણ ઉઠ્યું છે. ક્યારે  ટેક્સટાઇલ માર્કેટ (Textile Market Fire) , ક્યારે ફેક્ટરી, ક્યારે કેમિકલ યુનિટ અને ક્યારે કોમર્શિયલ બિલ્ડિંગ…આગ લાગે છે, ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ જાય છે અને પછી શરૂ થાય છે બચાવ કામગીરી. પરંતુ હવે સવાલ માત્ર એટલો નથી કે આગ લાગી ક્યાં? સવાલ એ છે કે સુરતમાં આગની આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે? અને શું દરેક વખતે આગ લાગ્યા પછી જ આપણે જાગીશું?

Surat Fire Incident: તક્ષશિલા અગ્નિકાંડ….ભૂલ્યા તો નથી ને?

સુરતની આગની સૌથી કાળજું કંપાવી દેનારી ઘટનાઓમાં 2019ની તક્ષશિલા આર્કેડની આગ આજે પણ લોકોના મનમાં તાજી છે. આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા અને સમગ્ર દેશ હચમચી ગયો. ત્યારબાદ પણ સુરતના ઔદ્યોગિક વિસ્તારો અને ટેક્સટાઇલ માર્કેટમાં આગની અનેક મોટી ઘટનાઓ સામે આવી. ક્યાંક કેમિકલ યુનિટમાં આગ સાથે બ્લાસ્ટ થયો, તો ક્યાંક માર્કેટના અનેક માળ સુધી આગ ફેલાઈ. 2025માં ટેક્સટાઇલ માર્કેટની મોટી આગની ઘટનાઓએ કરોડો રૂપિયાના માલને નુકસાન પહોંચાડ્યું, અને હવે 2026માં સરોલીની શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગે ફરી એક વખત એ જ સવાલ સામે લાવી દીધો છે….શું આપણે આગની ઘટનાઓમાંથી ખરેખર કંઈ શીખ્યા છીએ?

Surat Fire Incident: સુરતમાં આગ કેમ? તક્ષશિલાથી ટેક્સટાઇલ માર્કેટ સુધીનું વિશ્લેષણ
Surat Fire Incident: સુરતમાં આગ કેમ? તક્ષશિલાથી ટેક્સટાઇલ માર્કેટ સુધીનું વિશ્લેષણ

આગ લાગે છે કે આગને આમંત્રણ મળે છે?

દરેક આગનું કારણ એકસરખું હોતું નથી. કેટલીક ઘટનાઓમાં તપાસ બાદ શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિકલ ખામી સામે આવે છે, તો કેટલીક જગ્યાએ ઔદ્યોગિક પ્રક્રિયા કે કેમિકલ સામગ્રી જોખમ વધારી શકે છે. પરંતુ આગને ભયાનક બનાવનારા પરિબળો ઘણી વખત એક જેવા જોવા મળે છે.વધુ પ્રમાણમાં જ્વલનશીલ માલનો સંગ્રહ, સાંકડા રસ્તા, અવરજવરના માર્ગમાં પડેલો સામાન, ઇમરજન્સી એક્ઝિટની સમસ્યા અને ફાયર સેફ્ટી સિસ્ટમની જાળવણીમાં બેદરકારી. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં કપડાં, પ્લાસ્ટિક પેકિંગ અને કાર્ડબોર્ડનો મોટો જથ્થો હોય છે. એટલે એક જગ્યાએ ભડકેલી આગને ફેલાવા માટે જાણે ઇંધણ જ મળી જાય છે. આગ એક ક્ષણમાં લાગે છે… પરંતુ તેને વિકરાળ બનતા રોકવા માટેની તૈયારી વર્ષો પહેલાંથી કરવી પડે છે.

જવાબદારી માત્ર ફાયર બ્રિગેડની નથી

આગ લાગે એટલે સૌની નજર ફાયર બ્રિગેડ તરફ જાય છે. પરંતુ ફાયર બ્રિગેડ આગ લાગ્યા પછીનું કામ કરે છે… આગને રોકવાની જવાબદારી તો આગ પહેલાં શરૂ થાય છે. માર્કેટમાં ખુલ્લા અને સુરક્ષિત ફાયર એક્ઝિટ છે કે નહીં? ફાયર હાઇડ્રન્ટ અને એક્સ્ટિંગ્વિશર ખરેખર કામ કરે છે કે માત્ર દિવાલ પર લગાવેલા છે? ઇલેક્ટ્રિકલ લોડની નિયમિત તપાસ થાય છે કે નહીં? ફાયર ટેન્ડર ઘટનાસ્થળ સુધી સરળતાથી પહોંચી શકે છે કે નહીં? કર્મચારીઓને ઇમરજન્સી સમયે બહાર નીકળવાની તાલીમ આપવામાં આવે છે કે નહીં? અને સૌથી મહત્વનું—નિયમોનો ભંગ થાય ત્યારે માત્ર નોટિસ આપવામાં આવે છે કે ખરેખર કડક કાર્યવાહી પણ થાય છે? આ સવાલોના જવાબ માત્ર તંત્રએ નહીં, પરંતુ બિલ્ડિંગ માલિકો, વેપારીઓ અને દરેક સંસ્થાએ આપવા પડશે.

હવે આગ પછી નહીં, આગ પહેલાં જાગવાની જરૂર

સુરત ઝડપથી વિકસી રહ્યું છે અને વિકાસ સાથે જોખમો પણ વધી રહ્યા છે. એટલે હવે જરૂર છે માત્ર આગ બુઝાવવાની નહીં, પરંતુ આગને વિકરાળ બનતા પહેલાં જ રોકવાની વ્યવસ્થાની. હાઇ-રિસ્ક બિલ્ડિંગ અને માર્કેટનું નિયમિત ફાયર ઓડિટ, ઇલેક્ટ્રિકલ સેફ્ટીની તપાસ, ખુલ્લા ઇમરજન્સી એક્ઝિટ, રસ્તા અને પેસેજમાં માલનો સંગ્રહ નહીં, નિયમિત ફાયર ડ્રિલ અને નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી.આ બધું કાગળ પર નહીં, જમીન પર દેખાવું જરૂરી છે. કારણ કે તક્ષશિલા જેવી ઘટના ફરી ક્યારેય ન બને અને આગની જ્વાળાઓ માત્ર માલસામાન સુધી જ સીમિત રહે, તે માટે હવે એક વાત સ્પષ્ટ છે.આગ લાગ્યા પછી દોડીને પહોંચવા કરતાં… આગ લાગે જ નહીં એવી વ્યવસ્થા કરવી વધુ જરૂરી છે. સુરતના વિકાસની સાથે હવે સુરતની સુરક્ષા પણ એટલી જ ઝડપથી આગળ વધવી જોઈએ.


આ પણ વાંચો: સુરતની શ્યામ સંગીની માર્કેટમાં વિકરાળ આગ, 5 કલાકથી વધુ ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન

આ પણ વાંચો: સુરત આગ દુર્ઘટના: વિદ્યાર્થિની કૃતિનું કરુણ મોત, ધો.12 ના પરિણામ સાથે જ નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો: સુરતના અડાજણમાં ભીષણ આગ, એપોલો ફાર્મસી સહિત અનેક દુકાનો આગની ઝપેટમાં