Surat News/ સુરતના અડાજણમાં ભીષણ આગ, એપોલો ફાર્મસી સહિત અનેક દુકાનો આગની ઝપેટમાં

સુરત (Surat) ના અડાજણમાં BAPS હોસ્પિટલ નજીક એપોલો ફાર્મસીમાં લાગેલી ભીષણ આગ TVS EV શોરૂમ અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી, 15થી વધુ વાહનો બળીને ખાખ થયા, જ્યારે 10થી વધુ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી.

Top Stories Gujarat
surat

Surat Fire News: સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બુધવારે (18 જૂન) સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે. અડાજણ ચાર રસ્તા નજીક BAPS હોસ્પિટલ પાસે આવેલી એપોલો ફાર્મસીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વ્યાપારી એકમોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, એપોલો ફાર્મસીમાં લાગેલી આગ નજીક આવેલા TVS EV શોરૂમ અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સુધી પ્રસરી ગઈ હતી. આગની તીવ્રતાના કારણે દુકાનોની બહાર પાર્ક કરાયેલા અનેક વાહનો પણ સળગી ઊઠ્યા હતા. ઘટનામાં 15થી વધુ બાઇક, મોપેડ અને અન્ય વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આગની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. શહેરના પાંચથી વધુ ફાયર સ્ટેશનમાંથી 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. ફાયર કર્મચારીઓ દ્વારા ચારે તરફથી સતત પાણીનો મારો ચલાવી આગને વધુ વિસ્તારોમાં ફેલાતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

સદનસીબે, અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જોકે આગના કારણે મોટા પાયે મિલકત અને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગની ટીમો આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત કામગીરી કરી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

આ પણ વાંચો :દિલ્હીમાં બિલ્ડિંગમાં આગથી 3 લોકોના મોત

આ પણ વાંચો : મોરબીના કોયબા ગામે આવેલી રબરની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની છ ટુકડીઓ પહોંચી