Iran USA War Update 2026: અમેરિકા અને ઈરાન(Iran) વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવા માટે એક મોટો રાજદ્વારી બ્રેકથ્રુ સામે આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ઈરાની રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન (Masoud Pezeshkian) દ્વારા હસ્તાક્ષર કરાયેલા 14 મુદ્દાના શરતોના ડ્રાફ્ટ (MoU) ને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. ‘ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ નામના આ કરાર હેઠળ બંને દેશો વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ, હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવા અને ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હળવા કરવા જેવી બાબતો સામેલ છે. જોકે, આ કરારનો પાંચમો મુદ્દો વૈશ્વિક વેપાર માટે સૌથી વધુ ચર્ચા જગાવી રહ્યો છે.
શું કહે છે Iran-અમેરિકા કરારનો પાંચમો મુદ્દો?
કરારના સત્તાવાર દસ્તાવેજના 5મા મુદ્દામાં જણાવ્યા અનુસાર, ‘આ MoU પર હસ્તાક્ષર થયા બાદ ઈરાન એ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરશે કે વૈશ્વિક કોમર્શિયલ (વાણિજ્યિક) જહાજો કોઈપણ પ્રકારના ટોલ ટેક્સ વગર માત્ર 60 દિવસ માટે પર્શિયન ખાડીથી ઓમાન સાગર અને ઓમાન સાગરથી પર્શિયન ખાડી સુધી સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.’ જહાજોની આ અવરજવર તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે, પરંતુ યુદ્ધ દરમિયાન દરિયાઈ માર્ગમાં ઊભી થયેલી સૈન્ય અડચણો અને બિછાવેલી બારૂદી સુરોંગો (Mines) ને સંપૂર્ણપણે હટાવવા માટે ઈરાન 30 દિવસનો સમય લેશે.

ભવિષ્યમાં ટોલ ટેક્સ લાગવાના સંકેતો અને તેનું વૈશ્વિક મહત્ત્વ
આ પાંચમા મુદ્દાનો સૌથી ગંભીર ભાગ તેના અંતમાં છુપાયેલો છે. તેમાં સ્પષ્ટ લખાયું છે કે, ‘ઈરાન આગામી દિવસોમાં ઓમાન દેશ સાથે અને પર્શિયન ખાડીને અડીને આવેલા અન્ય તટવર્તી દેશો સાથે મળીને ચર્ચા કરશે કે હોર્મુઝ સ્ટ્રેટનું આગળનું મેનેજમેન્ટ (સંચાલન) કેવી રીતે કરવું.’ આ નિર્ણય આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંબંધિત દેશોના સાર્વભૌમ અધિકારોને ધ્યાનમાં રાખીને લેવાશે. નિષ્ણાતોના મતે, આનો સ્પષ્ટ અર્થ એ છે કે આગામી 60 દિવસના વચગાળાના સમયગાળા બાદ ઈરાન(Iran) અને ઓમાન મળીને એક નવી સિસ્ટમ બનાવી શકે છે, જેના હેઠળ હોર્મુઝમાંથી પસાર થતા વૈશ્વિક માલવાહક જહાજો પાસેથી મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવી શકે છે.
વૈશ્વિક તેલ સપ્લાય ચેઇન પર શું થશે અસર?
ઉલ્લેખનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી દુનિયાનો આશરે 20% કાચો તેલ (Crude Oil) સપ્લાય થાય છે. 28 ફેબ્રુઆરી 2026 ના રોજ શરૂ થયેલા યુદ્ધ બાદ ઈરાને(Iran) આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેતા વૈશ્વિક સ્તરે તેલની કટોકટી અને આર્થિક મંદીનો ખતરો ઊભો થયો હતો. હવે 60 દિવસ સુધી ફ્રી અવરજવર બાદ જો ઈરાન(Iran) નવો નિયમ લાવીને ટેક્સ વસૂલશે, તો વૈશ્વિક સ્તરે ટ્રાન્સપોર્ટેશન અને ક્રૂડ ઓઈલ મોંઘું થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.
