US-Iran Peace Treaty 2026: અમેરિકા અને ઇરાન(Iran) વચ્ચે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ખતમ કરવા માટે થયેલા ઐતિહાસિક કરાર (MOU) બાદ વૈશ્વિક બજારમાં મોટા આર્થિક ફેરફારો જોવા મળી રહ્યા છે. આ સમજૂતી પર હસ્તાક્ષર થતાંની સાથે જ ઇરાન પરના આકરા પ્રતિબંધો હટાવી લેવાશે અને તે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સત્તાવાર રીતે ક્રૂડ ઓઇલ તેમજ ઇંધણનું વેચાણ શરૂ કરી શકશે. ઓઇલ નિકાસને સરળ બનાવવા માટે બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ અને વીમા જેવી સેવાઓ પરથી પણ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે.
ટ્રમ્પને પારખવા ઇરાને વાપરી અનોખી ચાલ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) પળમાં તોલા અને પળમાં માશા વાળા અણધાર્યા સ્વભાવથી સમગ્ર દુનિયા વાકિફ છે. આથી ઇરાને વાટાઘાટો દરમિયાન એક અનોખી મનોવૈજ્ઞાનિક રણનીતિ અપનાવી હતી. અહેવાલો મુજબ, એપ્રિલમાં ઇસ્લામાબાદમાં થયેલા પ્રથમ રાઉન્ડની ગુપ્ત ચર્ચા બાદ ઇરાને(Iran) પોતાની કોર ટીમમાં બે સિનિયર સાયકોલોજિસ્ટ્સ (મનોવૈજ્ઞાનિકો) સામેલ કર્યા હતા. આ નિષ્ણાતોનું કામ ટ્રમ્પના બદલાતા વ્યવહારનું બારીકાઈથી આકલન કરવાનું અને ક્ષેત્રીય મધ્યસ્થો (પાકિસ્તાન-કતાર) મારફતે ટ્રમ્પને કેવા ચોક્કસ સંદેશા મોકલવા તેની વ્યૂહરચના તૈયાર કરવાનું હતું. ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ (Wang Yi) પણ આ ડીલમાં પાકિસ્તાનની મધ્યસ્થતાની જોરદાર પ્રશંસા કરી છે.
પ્રાઇવેટ ફંડ અને હોર્મુઝ સ્ટ્રેટ પર આંતરરાષ્ટ્રીય નજર
આ શાંતિ કરાર અંતર્ગત ઉર્જા, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોકાણ વધારવા માટે 300 બિલિયન ડોલર (આશરે ₹25,000 કરોડથી વધુ) ના એક વિશાળ ખાનગી ઇન્વેસ્ટમેન્ટ ફંડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી અડધાથી વધુની સહમતી મળી ચૂકી છે. બીજી તરફ, જાપાની કંપની ‘મિત્સુઈ ઓએસકે લાઈન્સ’ ના સીઇઓ અનુસાર, જ્યાં સુધી અમેરિકા-ઇરાન કરાર સંપૂર્ણ મજબૂત ન થાય ત્યાં સુધી જહાજ માલિકો હોર્મુઝ જળમાર્ગથી અવરજવર શરૂ નહીં કરે. આ રૂટ સંપૂર્ણ ખુલતા હજુ થોડા અઠવાડિયા કે એક મહિના જેટલો સમય લાગી શકે છે.
લેબેનોન વિવાદ: ઇઝરાયલ અને Iran આમને-સામને
ઇરાનના(Iran) વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ (Abbas Araghchi) સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા સાથે આ ડીલ પૂર્ણ કરવી હોય, તો ઇઝરાયલે દક્ષિણ લેબેનોનમાંથી પોતાની સેના પાછી ખેંચવી જ પડશે. લેબેનોન પર ઇઝરાયલનો સૈન્ય કબજો એ આ શાંતિ સમજૂતીનું સીધું ઉલ્લંઘન ગણાશે.
બીજી તરફ, પોતાના જ દેશમાં વિપક્ષ અને ગઠબંધન સરકારના સહયોગીઓના નિશાના પર આવેલા ઇઝરાયલી PM બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu) પોતાના પગલાંનો બચાવ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, “લોકો પૂછે છે આપણે શું મેળવ્યું? મારો જવાબ છે કે અમે ઇઝરાયલ પર મંડાતા સંપૂર્ણ વિનાશના તાત્કાલિક ખતરાને ટાળી દીધો છે. ઇરાન(Iran) પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં આવે – ન આજે, ન આવતીકાલે.” જો કે, ટ્રમ્પના પ્રચંડ દબાણ બાદ નેતન્યાહૂના તેવર લેબેનોન મામલે થોડા નરમ પડ્યા હોવાના સંકેત છે.
