Delhi News : દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આવેલી પાંચ માળની રહેણાંક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ (Fire)ની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો.
બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા ટુ-વ્હીલરમાં આગ (Fire) લાગી હતી
માહિતી મુજબ, બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા ટુ-વ્હીલરમાં આગ (Fire) લાગી હતી. શરૂઆતમાં નાની લાગતી આગ થોડા જ સમયમાં વિકરાળ બની ગઈ અને બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ. આગના કારણે બિલ્ડિંગમાં ધુમાડો ભરાઈ જતાં અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે કલાકો સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાક લોકો ઉપરના માળે ફસાયેલા હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ બિલ્ડિંગની છત તોડીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે દાઝેલા છ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે અને કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.

પાંચ માળની રહેણાંક ઇમારત (Residential Building)માં લાગેલી ભીષણ આગ દરમિયાન સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડે મળીને અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરાયેલા વાહનોમાં એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા, જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક રહેવાસીઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ બિલ્ડિંગની પાછળની બાજુથી બચાવ કામગીરી હાથ ધરી હતી. કેટલાક લોકોને નીચે ઉતારવા માટે સાડીઓનો સહારો લેવામાં આવ્યો હતો, જ્યારે ફસાયેલી યુવતીઓને બહાર કાઢવા માટે સુરક્ષા ગ્રીલ કાપવામાં આવી હતી. બિલ્ડિંગમાં કુલ 9 પરિવારો રહેતા હતા અને ઘટના સમયે અંદાજે 20થી 22 લોકો અંદર હાજર હતા.
ફાયર વિભાગના અધિકારી યશવંત મીણાના જણાવ્યા અનુસાર આગમાં પાર્કિંગમાં ઉભેલી ત્રણ સ્કૂટી, બે બાઇક અને એક સાયકલ સંપૂર્ણપણે બળી ગઈ હતી. આગ અને ધુમાડો ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચમા માળ સુધી ફેલાઈ જતા નીચલા માળોને સૌથી વધુ નુકસાન થયું હતું.
સાંકડી ગલીમાં આવેલી પાંચ માળની ઇમારત સુધી પહોંચવામાં ફાયર ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. છત તરફ જતો દરવાજો બંધ હોવાથી ફાયર કર્મચારીઓએ તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યાં ફસાયેલી બે યુવતીઓને સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં પાર્કિંગમાં ઉભેલા ટુ-વ્હીલરમાંથી આગ ફાટી નીકળ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગ (Fire)લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક પ્રશાસન અને ફાયર વિભાગ દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. આગ સુરક્ષા વ્યવસ્થાઓ અને બિલ્ડિંગમાં ઉપલબ્ધ સુરક્ષા સાધનો અંગે પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: મોરબીમાં પેપરમિલમાં આગ ભભૂકી ઉઠી, કરોડોનો માલ નાશ પામ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં ગરીબોના આશિયાના પર તૂટી પડી આફત, 200 ઝૂંપડાઓ વચ્ચે લાગી વિકરાળ આગ
આ પણ વાંચો: આણંદમાં પહેલા નોરતે લાગી આગ, TRP Game Zone Fire જેવો માહોલ
