Is EV Really Clean Energy? આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) ને સાચા તારણહાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. વર્ષો સુધી શક્તિશાળી અવાજવાળા એન્જિન બનાવતી ‘ફેરારી’ જેવી લક્ઝરી કંપનીઓ પણ હવે ઈલેક્ટ્રિક યુગમાં પ્રવેશી ચૂકી છે. પરંતુ શું ઈલેક્ટ્રિક વાહનો ખરેખર પૃથ્વીને બચાવી રહ્યા છે? આ ક્રાંતિ પાછળ એક એવું અંધારું સત્ય છુપાયેલું છે, જેના વિશે સામાન્ય રીતે કોઈ વાત કરવા નથી માંગતું.
ઝીરો એમિશનનો ભ્રમ અને પાવર ગ્રીડનું પ્રદૂષણ(EV)
ઈલેક્ટ્રિક વાહનોની (EV) સૌથી મોટી ખાસિયત ‘ઝીરો ટેલપાઈપ એમિશન’ (ધુમાડા વગરના વાહનો) છે. રોડ પર આ વાહનો પ્રદૂષણ નથી ફેલાવતા તે વાત સાચી, પરંતુ તેને ચાર્જ કરવા માટે વપરાતી વીજળીનો સ્ત્રોત ચિંતાજનક છે. ભારત જેવા દેશોમાં આજે પણ કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાના આશરે 55% થી 60% હિસ્સો કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી આવે છે. આનો અર્થ એ થયો કે ભલે તમારું વાહન રોડ પર ધુમાડો નથી કાઢતું, પરંતુ તેને ચાર્જ કરવા માટે પાવર ગ્રીડ ક્યાંક દૂર બેસીને કોલસો બાળીને પર્યાવરણને નુકસાન પહોંચાડી જ રહી છે.
બેટરી ઉત્પાદન: માનવીય શોષણ અને પર્યાવરણીય બોજ
EV કારની એક સામાન્ય લિથિયમ-આયન બેટરી (આશરે 60 kWh) બનાવવા માટે લગભગ 8 કિલો લિથિયમ, 35 કિલો નિકલ, 20 કિલો મેંગેનીઝ અને 14 કિલો કોબાલ્ટ જેવા દુર્લભ ખનિજોની જરૂર પડે છે. આ ખનિજો મેળવવા માટે પૃથ્વીના પેટાળમાં મોટા પાયે માઇનિંગ કરવું પડે છે જે અત્યંત જોખમી છે:
વૈશ્વિક સ્તરે ઉત્ખનન થતા કુલ કોબાલ્ટનો 70% થી વધુ હિસ્સો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાંથી આવે છે, જ્યાંની ખાણોમાં આશરે 40,000 થી વધુ બાળકો અત્યંત જોખમી પરિસ્થિતિઓમાં મજૂરી કરે છે.
1 ટન લિથિયમની પ્રક્રિયા કરવા માટે આશરે 22,0,000 લીટર પાણી વપરાય છે, જે ખાણોની આસપાસના વિસ્તારોમાં જળસંકટ ઊભું કરે છે.
વિકસિત શહેરોના લોકો પ્રદૂષણ મુક્ત હવા અને ‘ઈકો-ફ્રેન્ડલી’ (EV) હોવાનો ટેગ એન્જોય કરી શકે, તે માટે પૃથ્વીના કોઈ બીજા ખૂણે ગરીબ સમુદાયો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તેથી સવાલ એ જ રહે છે કે આ ક્લીન વ્હીકલ કોના ભોગે ક્લીન છે?
આ પણ વાંચો: સીએનજી કે હાઇબ્રિડ? જાણો કઈ ટેકનોલોજી તમારા માટે છે ફાયદાકારક, કઈ કારમાં મળશે વધુ માઇલેજ
