Amreli News/ અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા

અમરેલીના ફુલજરમાં થયેલી અથડામણનો વિવાદ ઘેરો બન્યો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલજર ગામમાં થયેલો વિવાદ ફૂલઝડી ન રહેતાં મોટો દાવાનળ બનવાના સંકેતો આપી રહ્યો છે. ફૂલજર ગામમાં ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટરનું પૈડું અડી ગયું હતું. આ બાબત મોટી જૂથ અથડામણમાં પરિણમી હતી.

Mantavya Vishesh

અમરેલીના ફુલજરમાં થયેલી અથડામણનો વિવાદ ઘેરો બન્યો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલજર ગામમાં થયેલો વિવાદ ફૂલઝડી ન રહેતાં મોટો દાવાનળ બનવાના સંકેતો આપી રહ્યો છે. ફૂલજર ગામમાં ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટરનું પૈડું અડી ગયું હતું. આ બાબત મોટી જૂથ અથડામણમાં પરિણમી હતી.

એક નાની બાબતને લઈને થયેલી અથડામણમાં એક કાઠી યુવાનનું મોત નીપજ્યું હતું. ડઝનેકને ઇજા થઈ હતી. આ અથડામણ કાઠી દરબારો અને પાટીદાર યુવકો વચ્ચે થઈ હતી. આના કારણે જૂથ અથડામણમાં સંડોવાયેલા બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી હતી. બંને પક્ષોની ફરિયાદો જોઈએ તો કુલ 50થી પણ વધુ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બબાલના પગલે પોલીસના ધાડેધાડા ગામમાં ઉતરી પડ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ વિવાદના પડઘા છેક અમરેલી પૂરતા જ મર્યાદિત ન રહેતા આખા પાટીદાર સમાજમાં પડયા છે. તેમા પણ ખાસ કરીને સુરતમાં તો હલચલ વધી ગઈ છે. તેમા પણ લગભગ 29 પાટીદાર યુવકો સામે કેસ નોંધાતા પાટીદાર આગેવાનો ઊંચાનીંચા થઈ ગયા છે. સુરતથી અમરેલી સુધી દોડવાની વાત થવા લાગી છે. ગામેગામ પાટીદાર સંગઠન બનાવીને આ પ્રકારની માથાકૂટ થાય તે તેનો સામનો કરવા માટેની તાલીમની વાત થવા લાગી છે. તેમા મારામારીથી માંડીને કોર્ટ કેસ સુધીનો સમાવેશ થાય છે.

પાટીદાર આગેવાનોએ માંગ કરી છે કે જો પાટીદાર યુવાનો પર લગાવવામાં આવેલી ખોટી કલમો દૂર નહીં થાય તો તેઓ છેક ફૂલજર જશે. સુરતમાં અમરેલીની ઘટનાને લઈને યોજાયેલી બેઠકમાં અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિત પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા. પાટીદારોએ યોજેલી મોટી સભામાં પાટીદાર યુવાનો સામે લાગેલી કલમો દૂર કરવાની તેમણે માંગ કરી છે. આ માટે અમરેલી જવાની તૈયારી પણ તેમણે દાખવી છે.

પાટીદારોની બેઠકમાં પાટીદારો તે વાત એકમત હતાં કે પાટીદારો તો શાંતિથી રહેવા માંગે છે, પણ જો તેમને શાંતિથી રહેવા નહીં દેવાય તો તેઓ તેમના પર હુમલો કરનારને તેની જ ભાષામાં જવાબ આપવા સક્ષમ છે. સરદાર પટેલના વંશજોને કોઈ હળવાશથી ન લે.

આ બેઠકમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે જે ઘટના બની ગઈ તે આપણા હાથમાં નથી, પણ તેનું પુનરાવર્તન ન થાય તે જોવાનું આપણા હાથમાં છે. આ માટે દિવાળીથી દિવાળી ગામડે જઈએ તો નહીં ચાલે. શક્ય હોય તો મહિને-બે મહિને ગામે જવું પડશે, ગામેગામ સમિતિ રચવી પડશે. આ બધા માટે કોઈ મોટું સંગઠન રચવાની જરૂર નથી. દરેક ગામે વસતા પાટીદારોએ પોતાનું સંગઠન રચવું પડશે. મારું ગામ, મારું સંગઠન તે રીતે રચના કરવી પડશે. બસ આટલુ જ કરવાનું છે. શહેરના 10-10 યુવાનો ગામડાની દર મહિને મુલાકાત લેતા રહે તો જ આ પ્રકારની સ્થિતિનો સામનો કરી શકાશે.

તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં દસ હજારથી વધારે ગામ છે. તેમા 200થી 300 ગામને બાદ કરવામાં આવે તો લગભગ આવી જ પરિસ્થિતિ છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે સવજીભાઈ હોય કે વિઠ્ઠલભાઈ કે વિનુ શિંગાળા હોય પણ બે દાયકા પહેલાં તેમના ડેલામાં લુખ્ખાઓની જમાત પડી રહેતી હતી એટલે પટેલો સુખી હતા. અલ્પેશ કથીરિયાએ સોઈ ઝાટકીને જણાવ્યું હતું કે આજે બેઠક કરી એટલે બીજા દિવસે કંઇ પ્રશ્નનો હલ આવી જશે. એક્તા અને તાકાત વગર શાંતિ મળવાની નથી. આપણે કોઈની સાથે લડવું નથી અને લડવાનો આપણો ઇરાદો પણ નથી પણ જો કોઈ આપણી સાથે લડવા આવે તો આપણે પણ પછી પાછા પડવું ન જોઈએ. સંગઠન શક્તિ અહીં જ મદદે આવે છે.

દરેક ગામે બનાવવામાં આવેલા સંગઠન આ રીતે એકબીજાને સમર્થન આપે તો પણ વાંધો નહીં આવે. આ ઉપરાંત બીજા પાટીદાર આગેવાનોએ પણ આ બેઠકમાં આગ ઝરતા ભાષણ કર્યા હતા. આના કારણે આગામી દિવસોમાં કમસેકમ ફુલજર ગામમાં અથવા તો નજીકના વિસ્તારોમાં સ્થિતિ વધુ તનાવપૂર્ણ જોવા મળી શકે છે. આ ઘટના બતાવે છે કે કમસેકમ ફુલજર ગામમાં સામાજિક મોરચે વિષમ સ્થિતિ છે. આ પ્રકારની વિષમ સ્થિતિ કંઇ પોલીસ કાર્યવાહીથી ઉકેલાવવાની નથી. તે સામાજિક સમરસતાથી જ ઉકેલાશે. હાલમાં તો સામાજિક સમરસતાના અણસાર સરખા દેખાતા નથી.

બીજા શબ્દોમાં કહીએ તો આ બનાવ પછી પાટીદારોમાં આક્રોશ છે અને તેમને લાગી રહ્યુ છે કે આગામી સમયમાં ચૂંટણીઓ છે ત્યારે આ પ્રકારના બનાવોનું પુનરાવર્તન વારંવાર જોવા મળી શકે છે. જ્યારે બીજા સમાજના લોકો પણ માને છે કે આ આખા પ્રકરણમાં તેમને અન્યાય થઈ રહ્યો છે. આ પ્રકારની ઘટનાઓમાં જ્યારે ચૂંટણીલક્ષી રાજકારણ ભળે ત્યારે તેમા ભડકો થઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં આમ પણ કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ખેતરો રઝળી પડતાં સામાજિક મોરચે સ્થિતિ અત્યંત ખરાબ છે. તેમા પણ સરકારના પેકેજને લઈને આક્રોશ છે અને આ પ્રકારની સમાજની શાંતિને ડહોળતી ઘટનાઓ બને તે બળતામાં ઘી હોમવા સમાન છે. તેમા પણ ચૂંટણી નજીક છે ત્યારે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે તેઓનું એક જ કામ આ સમાજના તાણાવાણાને વિખેરી શકે છે, પછી બે સમાજ સામસામે આવી જાય અને સામાજિક તાણાવાણાના લીરેલીરાં ઉડી જાય તે પહેલાં તંત્ર પોલીસની સાથે-સાથે સામાજિક સમરસતા પગલાં લે તે પણ જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!

આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!