MANTAVYA Vishesh/ મુસાફરોને કાયમ માટે ‘મોતની ઊંઘ’માં ઉંઘાડતી ‘સ્લીપર બસ’

હાઇવે પર દોડતી સ્લીપર બસો બસમાં બેઠેલા પેસેન્જરો માટે મોતનો મુકામ બની રહી છે. અચાનક જ કોઈને કોઈ અકસ્માતના કારણે આ બસો એકદમ અગનજ્વાળા બની જાય છે અને આરામની ઊંઘ લેતા મુસાફરો માટે આ બસ જાણે અગ્નિવર્ષા સમાન બની જાય છે. હાઇવે પર દોડતી આ બસો જાણે મુસાફરો માટે જીવતી ચિતા બની ગઈ છે.

Mantavya Vishesh

હાઇવે પર દોડતી સ્લીપર બસો બસમાં બેઠેલા પેસેન્જરો માટે મોતનો મુકામ બની રહી છે. અચાનક જ કોઈને કોઈ અકસ્માતના કારણે આ બસો એકદમ અગનજ્વાળા બની જાય છે અને આરામની ઊંઘ લેતા મુસાફરો માટે આ બસ જાણે અગ્નિવર્ષા સમાન બની જાય છે. હાઇવે પર દોડતી આ બસો જાણે મુસાફરો માટે જીવતી ચિતા બની ગઈ છે.

આના કારણે આરામથી મુસાફરી માટે બસમાં બૂંકિંગ કરાવનારાઓમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. કહેવાય છે કે આખા દેશમાં કુલ 23 લાખ બસો છે, તેમાથી 20 લાખ ખાનગી બસો છે, તેમા 10 ટકા જેટલી સ્લીપર બસો છે. બીજી બધી લક્ઝરી બસોની તુલનાએ સ્લિપર બસોમાં અકસ્માત થાય ત્યારે જાનહાનિનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. લક્ઝરી બસોને દિવસના થતાં અકસ્માતની તુલનાએ રાતના સ્લીપર બસોને થતાં અકસ્માતમાં જાનહાનિ વધારે પ્રમાણમાં થાય છે. તેનું સૌથી મહત્વનું કારણ એ છે કે ત્યાં મુસાફરો ઊંઘતા હોય છે.

સ્લીપર બસોઃ પ્રવાસીઓ માટે કેમ બને છે ‘જીવતી ચિતા’

–       એસી માટે R-32 અથવા R-410A ગેસનો ઉપયોગ

–       ગેસ પાઈપોમાં લીકેજ થવાથી આગ લાગી શકે

–       સ્લીપર બસોનું ઇન્ટીરિયર જ્વલનશીલ પદાર્થોનું

–       સ્લીપર બસોના એસી વાયરિંગમાં શોર્ટ સર્કિટ કારણભૂત

–       અકસ્માતમાં સરળતાથી આગ પકડતું વાયરિંગ

સ્લીપર બસોમાં થતાં મૃત્યુના ઊંચા આંકના લીધે આખા યુરોપમાં સ્લીપર બસો પર પ્રતિબંધ છે. યુરોપમાં તો હાલમાં પરંતુ યુકેમાં તો છેક 2000ની સાલથી સ્લીપર બસો પર પ્રતિબંધ છે. ચીનમાં 2012માં સર્જાયેલા અકસ્માતમાં 36 લોકો માર્યા ગયા હતા. તેના પગલે સ્લીપર બસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પછીના છ વર્ષમાં તબક્કાવાર ધોરણે સ્લીપર બસો બંધ કરવામાં આવી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાન જેવા દેશોમાં સ્લીપર બસો ચાલુ છે, પરંતુ તેની સંખ્યા ભારતની તુલનાએ ઘણી ઓછી છે.

સ્લીપર બસો મુસાફરો માટે ઘાતક બનવાનું કારણ

–       અકસ્માત થાય તો બધા મુસાફરો માટે એકસાથે બહાર નીકળવું અશક્ય

–       મોટાભાગની સ્લીપર બસો ડબલ-ડેકર હોય છે.

–       ઉપરની સીટ પર સૂતેલાઓને બસમાંથી ઉતરવાનો સમય પણ ઓછો

–       નાની જગ્યામાં વધુ સીટ હોવાથી જગ્યા ખૂબ જ મર્યાદિત

છેલ્લા આઠ વર્ષમાં સ્લીપર બસોમાં થયેલા અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા છે. તેમા 60 ટકા ઉપરાંત અકસ્માતો રાતના 12થી સવારના છથી વચ્ચે થયા છે. તેમા મૃત્યુઆંક ઊંચો રહેવાનું કારણ એ જ છે કે લોકો તેમાથી સમયસર નીકળી શક્યા ન હતા. 23 મી ઓક્ટોબરના રોજ થયેલા અકસ્માતમાં જોઈએ તો હૈદરાબાદથી બેંગ્લુરુ જવા નીકળેલી લક્ઝરી બસ રાત્રે સાડા ત્રણ વાગે કૂર્નુલ જિલ્લામાં હતી તે સમયે જ તેમા આગ લાગી, આ આગમાં 20 લોકો જીવતા ભૂંજાયા હતા. આના દસ દિવસ પહેલાં પણ જેસલમેરમાં સ્લીપર બસમાં લાગેલી આગમાં 26 લોકો જીવતા ભૂંજાયા હતા. આમ પખવાડિયાના સમયગાળામાં સ્લીપર બસની બે દુર્ઘટનાએ લગભગ ચાર ડઝન લોકોનો ભોગ લીધો હતો.

સ્લીપર બસો પર ક્યાં-ક્યાં પ્રતિબંધ

–       યુરોપમાં સ્લીપર બસો પર આ જ વર્ષથી લાગ્યો પ્રતિબંધ

–       ઇંગ્લેન્ડમાં 2000ની સાલથી સ્લીપર બસો પર પ્રતિબંધ

–       ચીનમાં 2018ની સાલથી સ્લીપર બસો પર પ્રતિબંધ

આ અંગે બસ ડિઝાઇન કરનારા નિષ્ણાતનું કહેવું છે કે સ્લીપર બસોમાં પેસેન્જરો સરળતાથી મૂવમેન્ટ કરી શકતાં નથી. તેના કારણે અકસ્માતની સ્થિતિમાં તેમને ઝડપથી બહાર નીકળવા માટે પૂરતા પ્રમાણમાં જગ્યા જ મળતી નથી. આ બસો સામાન્ય રીતે માંડ આઠથી નવ ફૂટ જ ઊંચી હોય છે. તેમા પણ સિંગલ ફ્લોર બસ હોય તો બચવાની સંભાવના વધુ રહે છે, પરંતુ ડબલડેકર બસ હોય તો જાનહાનિની સંભાવના વધી જાય છે. તેથી જો સ્લીપર બસમાં મૃત્યુઆંક વધારે હોય તો સમજવાનું કે તે ડબલડેકર બસ જ હશે.

આ ઉપરાંત એક અન્ય મહત્વનું કારણ બસ ડ્રાઇવર બસ ચલાવતા સૂઈ જાય છે તે છે. સ્લીપર બસોના અકસ્માતના કિસ્સાઓમાં લગભગ 25 ટકા કિસ્સામાં ડ્રાઇવર સૂઈ ગયો હોવાનું જાણમાં આવ્યું છે. આમ ડ્રાઇવરને રાતના 12થી 6ની વચ્ચે ઊંઘ આવવી તે બાબત પણ અકસ્માતના મહત્વના પરિબળ તરીકે ઉભરી આવી છે.

ભારતમાં સ્થિતિ

–       દેશમાં કુલ 23 લાખ બસોમાંથી 20 લાખ બસો ખાનગી માલિકીની

–       20 લાખ બસોમાંથી લગભગ બે લાખ બસ સ્લીપર બસ

–       અકસ્માત વધતા સ્લીપર બસો પર પ્રતિબંધની માંગ

–       ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આઠેક મોટી દુર્ઘટના બની

આ ઉપરાંત ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે ફક્ત 30 સેકન્ડમાં જ આગની નાની ઝાળ મોટી આગનું સ્વરૂપ પકડી શકે છે. આ આગ એટલી જબરદસ્ત હોય છે કે જો એક રૂમ હોય તો તેટલો ગરમ થઈ જાય કે તેમાં હોય તેવી દરેક વસ્તુ આગ પકડી લે. અહીં ગરમી કપડાને રીતસરના ભસ્મીભૂત કરી દે છે અને આવું જ લોકો સાથે પણ થઈ શકે છે. હવે જ્યારે બસમાં આગ લાગે છે ત્યારે ત્યાંનું તાપમાન કેટલાક સેકન્ડમાં જ 100 ડિગ્રી સેલ્સિયસથી વધારે થઈ જાય છે. આંખોના સ્તરે તો આ ગરમી 600 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સંજોગોમાં બસની અંદરની હવા જબરદસ્ત ગરમ થઈ જાય છે. આટલું ઓછું હોય તેમ દરવાજો પણ લોક થઈ જતાં બસ ફક્ત બસ ન રહેતાં ગેસ ચેમ્બર બની જાય છે. તેમા ગરમ ધુમાડો અને ગેસ ભરાઈ જાય છે. આ હવા શ્વાસ લેતા પ્રવાસીઓના ફેફસા સુધી પહોંચી તેને પણ સળગાવી દે છે.

હૈદરાબાદ અને જેસલમેરની જેમ ચાલતી બસમાં આગની આવી અનેક દુર્ઘટના સામે આવી ચૂકી છે. આ વર્ષે મેમાં બિહારથી દિલ્હી જતી એક ડબલડેકર બસમાં આગ લાગી ગઈ. તેમા પાંચના મોત થયા હતા. બસમાં 80 લોકો હતા અને તેમા 20 દાઝ્યા હતા. બસમાં દુર્ઘટનાનું કારણ ફાટેલી ટેન્કમાંથી ઇંધણ બહાર આવતા ઉપરના ડેકમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાથી ઉપર કૂદવાના ચક્કરમાં ઘણા લોકો ઇજા પામ્યા અને કેટલાક તો ઊંઘમાં જ મૃત્યુને ભેટ્યા હતા.

આ જ રીતે મહારાષ્ટ્રમાં જુલાઈમાં ટાયર ફાટતા બસ ડિવાઇડરને ટકરાઈ હતી અને તેના પછી તેની ડીઝલની ટાંકી ફાટતા બસ અગનગોળો બની ગઈ હતી અને 25ના મોત થયા હતા.  આ જ રીતે ઓક્ટોબર 2022માં મહારાષ્ટ્રના નાશિકમાં થયેલી આવી જ દુર્ઘટનામાં 12ના મોત થયા હતા. આમ સ્લીપર બસોને જ્યાં સુધી અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી પ્રવાસીઓ દુર્ઘટનાના ભોગ બનતા રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ