MANTAVYA Vishesh/ સોશિયલ મીડિયામાં કરાતા આક્ષેપોની પરવા નથી, હું ચૂપ રહેવાનો નથીઃ હાર્દિક પટેલ

હાર્દિક પટેલે ગુજરાતના રાજકારણમાં પોતાનું કાઠું કાઢતાં પહેલાં તેના જ ભૂતપૂર્વ સહયોગીઓનો મુકાબલો કરવો પડે તેમ છે. તાજેતરમાં જ તેના એક સમયના સાથી અને હવે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા રેશ્મા પટેલનો સમાવેશ થાય છે.

Mantavya Vishesh

હાર્દિક પટેલે ગુજરાતના રાજકારણમાં પોતાનું કાઠું કાઢતાં પહેલાં તેના જ ભૂતપૂર્વ સહયોગીઓનો મુકાબલો કરવો પડે તેમ છે. તાજેતરમાં જ તેના એક સમયના સાથી અને હવે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા રેશ્મા પટેલનો સમાવેશ થાય છે. રેશ્મા પટેલે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અને એક જાણીતી વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં હાર્દિક પટેલને લઈને સ્ફોટક દાવા કર્યા હતા. તેમા તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સિંહ જેવો હતો અને હવે મિંયાની મીંદડી થઈ ગયો છે. તાજેતરમાં જ તેણે વિરમગામમાં આપેલી ચીમકી ફક્ત મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટેની કવાયત છે તેવો દાવો રેશ્મા પટેલે કર્યો હતો.

રેશ્મા પટેલના આ પ્રકારના આરોપો અને દાવાની સામે હવે હાર્દિકે પણ નામ વગર જવાબ આપવા માંડ્યો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને તેમા સ્થાન મળ્યું નથી. તેના પછી હવે હાર્દિક પટેલ પણ તેના વિરોધીઓ સામે ખુલીને બહાર આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં કોઈ ગમે તેટલા આક્ષેપો કરે કે મારી સામે બફાટ કરે મને તેની પરવા નથી. મને કોણ બદનામ કરે છે, મારા વિશે સોશિયલ મીડિયામાં કોઈ શું બોલે છે કે લખે છે તે તેનો વિષય છે, મારો નહીં. તે તેનો અંગત અભિપ્રાય છે, પણ હું જો આ બધાની પરવા કરતો નથી. મારા પર થતાં આક્ષેપો અંગે મને આવી જ ચિંતા થતી હોત તો હું અનામત આંદોલનનો આગેવાન જ બન્યો ન હોત.

હાર્દિકે જણાવ્યું હતું કે ક્યાંય પણ આગેવાન બનો એટલે આક્ષેપ થવા લાગવાના જ. આ આક્ષેપ કરનારા તમારા એક સમયના સહયોગી હોઈ શકે, તમારા વિરોધી પણ હોઈ શકે અથવા તો ગમે તે હોઈ શકે. આ પ્રકારે બદનામી અને આક્ષેપોના ડરથી જો આપણા દેશના ક્રાંતિકારીઓ ઘરે બેસી ગયા હોત તો આપણે આજે પણ અંગ્રેજોની ગુલામી કરતાં હોત. આજે આપણે જે ખુલ્લી હવામાં સ્વતંત્રતાનો અહેસાસ માણીએ છીએ તે આ ક્રાંતિકારીઓની હિંમતના કારણે છે. બદનામી અને આક્ષેપોનો ડર ક્રાંતિકારીને હોતો નથી, ક્રાંતિકારી બસ સમાજ કે રાજકારણમાં આંધીની જેમ જ ફૂંકાય છે અને પરિવર્તન લાવે છે.

તેણે જણાવ્યું હતું કે આ સ્તરે હું પહોંચ્યો તે ઘણું બધું સહન કરીને પહોંચ્યો છું. તેના માટે નાની ઉંમરમાં ઘણો ભોગ આપવો પડ્યો છે. કલ્પનામાં પણ ન હોય તે પ્રકારે કામ કરવા પડ્યા છે, કેટલીય રાતોના ઉજાગરા કરવા પડ્યા છે, અકલ્પનીય સંઘર્ષ વેઠવો પડ્યો છે, પોલીસની લાઠીઓ ખાવી પડી છે, જેલવાસ વેઠવો પડ્યો છે, હજી પણ કોર્ટ કેસ તો ચાલુ જ છે, મારા કુટુંબીઓએ પણ આના કારણે જબરદસ્ત હેરાનગતિ વેઠવી પડી છે. આટલું બધું થયા પછી હવે કોઈ આક્ષેપ કરે અને હું ચૂપ થઈ જઉં કે ઘરે બેસી જઉં તે વાતમાં માલ નથી, ભડનો દીકરો છું, સામી છાતીએ લડવા ટેવાયેલો છું.

હાર્દિકે ઉમેર્યું હતું કે અનામત આંદોલન વખતે આટલા મોટા તંત્ર સામે ડર્યો ન હતો અને હવે કોઈ ગમે તેવા આક્ષેપ કરે અને મારા વિશે વાતો કરે અને બદનામ કરે તેનાથી ડરી જાઉ તે વાતમાં માલ નથી. મારા વિશે કોઈએ આ પ્રકારે બફાટ કરવો પડે તે બતાવે છે કે મારું કદનો તે વ્યક્તિને અહેસાસ થઈ ગયો છે કે મારું કદ કેટલું છે. મને મિયાંની મીંદડી કહેનારા લોકો પોતે કેવા વાઘ જેવા છે તેની મને ખબર છે. હું વિરમગામ-માંડલનો ધારાસભ્ય છું અને મારું ધ્યેય તેને સમર્પિત છે. વિરમગામને જિલ્લાનો દરજ્જો અપાવવાનું મારું લક્ષ્ય છે અને ગમે તેટલા વિઘ્નો આવે પણ હું મારું આ લક્ષ્ય પાર પાડીને જ રહીશ. વાવથરાદ જો અલગ જિલ્લો બની શકતા હોય તો અમદાવાદથી 70 કિ.મી. દૂર આવેલું વિરમગામ જેવું ઐતિહાસિક શહેર કેમ અલગ જિલ્લો ન બની શકે.  આ શહેર તો અમદાવાદ કરતાં પણ જૂનું છે. સરકાર ભવિષ્યમાં રોડમેપ બનાવે તો આ શહેરનો ઐતિહાસિક શહેર તરીકે પણ વિકાસ કરી શકાય છે.

તેણે જણાવ્યું હતું કે મારું બાકીનું જીવન હવે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાના વિકાસને સમર્પિત છે. તેના માટે હું કોઈની પણ સાથે ચર્ચા કરવા તૈયાર છું, મારા પર આક્ષેપો કરનારા સાથે બેસવામાં પણ મને કોઈ વાંધો નથી. આ વિસ્તારની સુખાકારી માટે જે અપશબ્દો અને ટીકાઓનો માર સહન કરવો પડે તો તેની પણ મારી તૈયારી છે. પણ મારે આ વિસ્તારનો વિકાસ જોઈએ છે. બાકી સોશિયલ મીડિયામાં થતાં આક્ષેપો મારા માટે એક પવનની લહેરખી જેવા છે, પવનની લહેર આવે છે અને જતી રહે છે. જ્યારે મારો સ્વભાવ ક્રાંતિકારી છે, હું આંધીની જેમ ફૂંકાવવામાં માનું છું અને પરિવર્તન લાવવામાં માનું છું, જે ગુજરાતની પ્રજાએ જોયું જ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!

આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!